આ લોકમાં સર્વ મિથ્યાદ્રષ્ટિ જીવો-એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવોસંસારરૂપી ચક્ર પર ચઢી પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ કરે છે. અનાદિથી પુણ્ય- પાપરૂપી ભાવકર્મમાં ભીંસાઈ રહ્યા છે. અનંત પરાવર્તનમાં આ શરીરાદિના પુદ્ગલો અનેકવાર સંયોગમાં આવી ગયા છે. દરેક ક્ષેત્રે અનંતવાર જન્મીને મરી ચૂક્યો છે. દરેક કાળમાં અનંત જન્મ-મરણ કર્યાં છે. એવી રીતે દરેક ભવમાં અનંતવાર પરિભ્રમણ કર્યું છે. એવી રીતે શુભાશુભ ભાવ પણ અનંતવાર જીવ કરી ચૂક્યો છે. આ પાંચ પરાવર્તનરૂપ ભ્રમણમાં તેને મોહકર્મના ઉદયરૂપ પિશાચ-ભૂતડું ધોંસરે જોડે છે. ઊલટી માન્યતારૂપ ભૂતડાએ તેને રાગની એકતારૂપ સંસારના ધોંસરે જોડી દીધો છે. બાયડીનું કરવું, છોકરાનું કરવું, દેશનું કરવું, શરીરનું કરવું એમ મિથ્યાત્વ વડે, પોતાનો છતો સ્વભાવ નહીં જાણવાથી, રાગના એકત્વરૂપ ધોંસરે જોડાયો છે. તેથી તે વિષયોની તૃષ્ણાના દાહથી પીડિત થઈ રહ્યો છે. તૃષ્ણાના દાહની બળતરાથી બળી રહ્યો છે. આ સાંભળવું, જોવું, સૂંઘવું, ચાખવું, સ્પર્શવું એવા પંચેન્દ્રિયોના વિષયોની તૃષ્ણારૂપ અગ્નિથી અંદર બળી રહ્યો છે. તે દાહનો ઈલાજ ઈન્દ્રિયોના વિષયો-રૂપ આદિ વિષયો- છે એમ જાણી પોતાના ઉપયોગને તે તરફ જોડે છે. તે પંચેન્દ્રિયોના વિષયોને ઘેરો ઘાલે છે. તે વિષયોને જાણવા અને ભોગવવામાં મગ્ન બને છે. તથા પરસ્પર ઉપદેશ પણ વિષયોનો જ કરે છે. આપણે આ કરવું જોઈએ, આમ કર્યા વિના કાંઈ ચાલે? આપણે હજુ સંસારી છીએ. એમ એકબીજા પરસ્પર રાગનો જ ઉપદેશ કરે છે. પરંતુ કોઇ અંતરસ્વભાવમાં જવાની વાત કરતું નથી. વિષયભોગની અને રાગની કથા માંહોમાંહે અજ્ઞાની જીવો કરે છે. એક જીવ કહે અને બીજો સાંભળી કહે કે -‘હા બરાબર છે.’ આમ વિષયોની ઈચ્છા અને વિષયોને ભોગવવું એવી કામ અને ભોગની કથા તો જીવોએ અનંતવાર સાંભળી છે, પરિચયમાં લીધી છે અને અનુભવી છે તેથી સુલભ છે.
પણ પરદ્રવ્યોથી ભિન્ન એક ચૈતન્યચમત્કારસ્વરૂપ પોતાના આત્માનું જ્ઞાન કદી થયું નથી. ચૈતન્યચમત્કાર વસ્તુ પોતે આત્મા છે એનું જ્ઞાન પોતે અનંતકાળમાં કર્યું નથી; અને જેમને એ જ્ઞાન થયું હતું એવા પુરુષોની સેવા કદી કરી નથી. એટલે કે સંતોએ કહ્યું તે સાંભળ્યું પણ અંદરમાં માન્યું નથી. માન્યું નહીં તેથી ખરેખર સાંભળ્યું જ નથી. આ રીતે નિજ પરમાત્મસ્વરૂપ આત્માની કથા ન કદી સાંભળી, ન પરિચય કર્યો કે ન તેનો અનુભવ કર્યાે. તેથી ચૈતન્યચમત્કારસ્વરૂપ ભગવાન આત્માની પ્રાપ્તિ સુલભ નથી. રાજપાટ અને દેવપદ એવું તો અનંતવાર મળ્યું, પરંતુ નિજ શુદ્ધાત્માની પ્રાપ્તિ થવી સુલભ નથી અર્થાત્ દુર્લભ છે.