સમયસાર ગાથા ૭૧] [ ૩૧ સિદ્ધ થાય છે. અહીં જ્ઞાન એટલે એકલું (બહારનું) જાણપણું એમ નહિ, પણ રાગથી ભિન્ન પડી સ્વભાવની પ્રતીતિ, સ્વભાવનું જ્ઞાન અને એમાં જ રમણતા એવી જે જ્ઞાનની ક્રિયા તેનાથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે-એટલે કે નવું કર્મ બંધાતું નથી.
ક્રોધાદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે; જ્ઞાનમાં ક્રોધાદિક નથી, ક્રોધાદિકમાં જ્ઞાન નથી. જુઓ! સંવર અધિકારમાં આવે છે કે સ્વભાવ અને વિભાવ બે ભિન્ન ચીજ છે. વિભાવને ઉત્પન્ન થવાનો આધાર આત્મા નથી. અહાહા...! ચિદાનંદઘન-સ્વરૂપ ભગવાન આત્માનું ભાન થતાં એમાં ક્રોધાદિક આવતા નથી. તથા ક્રોધાદિકના પરિણામમાં જ્ઞાન નથી. આમ જ્ઞાન અને ક્રોધાદિક ભિન્ન છે એવું ભેદજ્ઞાન થાય ત્યારે તેમના એકપણાનું અજ્ઞાન મટે છે. અનાદિથી જીવને દયા, દાન, વ્રત, તપ આદિ શુભભાવ અને ભગવાન શુદ્ધ ચૈતન્યસ્વભાવ-એ બન્નેના એકપણારૂપ અજ્ઞાન છે. ભેદવિજ્ઞાન થતાં તેને તે અજ્ઞાન મટે છે અને અજ્ઞાન મટવાથી નવા કર્મનો બંધ થતો નથી. આ રીતે જ્ઞાનથી જ બંધનો નિરોધ થાય છે.
સંપ્રદાયમાં અમારા ગુરુ શ્રી હીરાચંદજી મહારાજ હતા. તે બહુ જ સરળ, ભદ્રિક સજ્જન હતા. બાહ્ય ક્રિયાઓનું કડક પાલન કરતા. તેમના માટે કોઈક વખત વિચાર આવે કે આવી વાત તેમને સાંભળવા પણ ન મળી! અરે! આ વાત તે વખતે હતી જ નહિ. છ કાયના જીવોની દયા પાળવી અને વ્રત, તપ આદિ બહારની ક્રિયા કરવી એ જ ધર્મ-આવી વાત તે વખતે હતી. ભાઈ! વીતરાગનો માર્ગ લોકો માને છે. તેનાથી તદ્ન જુદો છે. રાગની ક્રિયા તે ધર્મ નહિ, પણ અંતરના અનુભવની ક્રિયા તે ખરો ધર્મ છે. અહા! આ વાત જેને બેઠી તે માર્ગને પામીને પોતાનું સ્વહિત સાધી લેશે.