સમયસાર ગાથા ૭૨ ] [ ૩૯
વાસ્તવમાં તો અશુભથી બચવા ધર્મી જીવને એવા શુભભાવ યથાસંભવ આવે છે એનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. જેને શુદ્ધ નિશ્ચયનું ભાન વર્તે છે, પણ સ્વરૂપમાં ઠરી શક્તો નથી એને અશુભથી બચવા એવા શુભભાવ આવે છે, બલ્કે આવ્યા વિના રહેતા નથી. પરંતુ એ શુભભાવ આત્માની શાન્તિને દઝાડનારા છે, દુઃખનાં કારણ છે એમ અહીં આચાર્યદેવ કહે છે.
ભગવાન કુંદકુંદાચાર્યદેવ સમયસારની પહેલી ગાથામાં કહે છે કે હે શ્રોતાઓ! હું તમને સમયસાર કહીશ. પાંચમી ગાથામાં કહે છે કે એકત્વ-વિભક્ત આત્માને બતાવવાનો મેં વ્યવસાય કર્યો છે, તેને તું (સાંભળીને) અનુભવથી પ્રમાણ કરજે, જ્યારે પરમાત્મપ્રકાશમાં આવે છે કે-દિવ્યધ્વનિથી જ્ઞાન ન થાય. જુઓ! આ (સત્ય) સિદ્ધાંત છે. છતાં સાંભળવા આવે ત્યારે જ્ઞાનીઓ શ્રોતાને-શિષ્યને એમ કહે કે-સાંભળ, હું તને ધર્મકથા સંભળાવું છું. ધવલમાં પણ આવે છે કે-‘સૂણ’ આ શબ્દનો ત્યાં વિસ્તારથી અર્થ કર્યો છે. જુઓ! એક બાજુ એમ (સિદ્ધાંત) કહે કે ભગવાનની વાણીથી લાભ ન થાય અને બીજી બાજુ એમ કહે કે અમે કહીએ છીએ તે સાંભળ! વળી કેટલાક એમ કહે છે કે-કથની કાંઈક અને કરણી કાંઈક. એટલે કે કાર્ય ઉપાદાનથી થાય એમ કથની કરે અને નિમિત્ત વડે ઉપાદાનમાં લાભ થાય એવી કરણી કરે, એમ કે લાખોનું મંદિર બંધાવે, ઘણા માણસોને ભેગા કરી ઉપદેશ આપે અને કહે કે કાર્ય ઉપાદાનથી થાય, નિમિત્તથી ન થાય. આ કેવી વાત!
અરે પ્રભુ! તારી સમજણમાં ફેર છે. ઉપાદાન અને નિમિત્ત બંને સ્વતંત્ર સ્વયં પોતપોતાનું કામ કરે છે, કોઈ કોઈને આધીન નથી. આ તો સિદ્ધાંત છે. અને ધર્મીને યથાક્રમ ઉપદેશનો રાગ આવે અને શિષ્યને તે સાંભળવાનો વિકલ્પ હોય-આવો ભૂમિકાનુસાર યથાસંભવ શુભરાગ-વ્યવહાર આવતો હોય છે, પણ એકથી બીજાનું કાર્ય થાય છે એમ નથી. અહીં કહે છે કે આ જે ભગવાનની વાણી કહેવાનો કે સાંભળવાનો વિકલ્પ છે તે આકુળતા ઉપજાવનારો છે. બાપુ! આ કાંઈ ખેંચતાણનો માર્ગ નથી, આ તો સત્યને સમજવાનો માર્ગ છે. જ્યાં જે અપેક્ષા હોય તે અપેક્ષા બરાબર સમજી અર્થ ગ્રહણ કરવો જોઈએ.
આસ્રવો આકુળતા ઉપજાવનારા હોવાથી દુઃખનાં કારણો છે; ‘અને ભગવાન આત્મા તો, સદાય નિરાકુળ-સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમ જ કોઈનું કારણ નહિ હોવાથી, દુઃખનું અકારણ જ છે.’
જુઓ! શુભભાવથી સ્વર્ગ મળે અને અશુભભાવથી નરકાદિ મળે. પણ બંને ભાવ