૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ ભાઈ! શુભભાવ તો ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો છે, અચેતન છે, બંધરૂપ છે. એનાથી બંધન કેમ અટકે? (ન અટકે). માટે શુદ્ધ ચૈતન્યના લક્ષે થતું જ્ઞાનમાત્ર પરિણમન એ જ બંધન અટકાવવાનો-મુક્તિનો ઉપાય છે.
ધર્મીને તો નિરંતર ભેદજ્ઞાનનો વિચાર રહે છે કે-હું સદાય વિજ્ઞાનઘનસ્વભાવમય છું, આ શુભભાવરૂપ વિભાવો છે તે મારું સ્વરૂપ નથી, કેમકે તેઓ જડના નિમિત્તે ઉત્પન્ન થયેલા છે અને સ્વપરને જાણવા સમર્થ નથી માટે જડ, અચેતન છે, ચૈતન્યથી અન્યસ્વભાવવાળા છે. આવા ભેદજ્ઞાનના બળે તે અંતરમાં સ્વરૂપસ્થિરતા વધારીને અંતિમ લક્ષ્ય જે કેવળજ્ઞાન તેને પ્રાપ્ત કરી લે છે. અહો! ભેદજ્ઞાનનો કોઈ અપૂર્વ મહિમા છે! ભેદજ્ઞાનના અભાવે અજ્ઞાની અનંતો સંસાર વધારે છે. બે બોલ થયા.
હવે ત્રીજો બોલ કહે છે-‘આસ્રવો આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખનાં કારણો છે.’ પુણ્ય-પાપના ભાવ બન્ને આકુળતા ઉપજાવનારા છે. આ દયા, દાન આદિ શુભભાવ જે થાય તે આકુળતા ઉપજાવનારા છે. આકરી વાત, ભાઈ. પણ તે એમ જ છે. જે ભાવથી તીર્થંકરનામકર્મ બંધાય તે ભાવ આકુળતા ઉપજાવનારો હોવાથી દુઃખનું કારણ છે એમ અહીં કહે છે. ભાવપાહુડમાં શુભભાવની-વ્યવહારની ઘણી વાતો આવે છે. આવી ભાવના ભાવતાં તીર્થંકરગોત્ર બંધાય ઇત્યાદિ ઘણા બોલ છે. પચીસ પ્રકારની ભાવના અને બાર પ્રકારની ભાવના-એમ ઘણા પ્રકારે ત્યાં વાત કરેલી છે. એ તો સ્વભાવની દ્રષ્ટિ હોવા છતાં પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી ભૂમિકા અનુસાર ધર્મી જીવને શુભભાવ કેવા પ્રકારનો આવે છે એનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. અશુભભાવ આવે તો શુભભાવ કેમ ન આવે? અનેક પ્રકારના શુભભાવ જ્ઞાનીને આવે છે, પણ તે આકુળતા ઉપજાવનારા છે એમ અહીં કહે છે.
અતિચાર રહિત નિર્દોષ વ્રત પાળવાં, દયા, દાન, ભક્તિ ઇત્યાદિ કરવાં-એમ વ્યવહારનાં કથન શાસ્ત્રોમાં અનેક પ્રકારે આવે, પણ એ તો ભૂમિકા પ્રમાણે ધર્મીને જે શુભરાગ આવે છે-આવ્યા વિના રહેતા નથી એની એ વાત છે. અહીં કહે છે કે જેટલા શુભ- અશુભ ભાવના પ્રકારો છે તે બધા દુઃખનાં કારણો છે કેમકે તે આકુળતા ઉપજાવનારા છે. આત્માની શાંતિને રોકનારા છે.
પદ્મનંદી મુનિરાજ વનવાસી મુનિ હતા. તેઓ દાન અધિકારમાં કહે છે કે-તારી શાન્તિ દાઝીને આ શુભભાવ થયા છે. તેને લઈને જે પુણ્યરૂપી ઉકડિયા બંધાયા તેના ફળમાં આ પાંચ-પચાસ લાખની ધૂળ (સંપત્તિ)નો સંયોગ તને દેખાય છે. તેનો જો સારા ધાર્મિક કાર્યોમાં ઉપયોગ ન કર્યો તો તું કાગડામાંથી પણ જઈશ. કેમકે કાગડો પણ એને મળેલા દાઝેલી ખીચડીના ઉકડિયા એકલો ખાતો નથી, પણ કા, કા, કા-એમ પોકારી પાંચ-પચીસ કાગડાઓને ભેગા કરીને ખાય છે. આવાં કથન શાસ્ત્રમાં આવે છે. ત્યાં લોભ આદિ અશુભભાવ ઘટાડીને શુભભાવ કરવા પૂરતી વાત છે. પણ એ છે તો દુઃખરૂપ જ.