Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 814 of 4199

 

૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ દીધી છે. પર્યાયમાં જે રાગ થાય એનું કારણ અને કાર્ય સ્વયં રાગ છે, આત્મા નહિ અને કર્મ પણ નહિ જ નહિ. રાગ થાય એમાં આત્મા નિમિત્ત છે એમ યોગસારમાં આવ્યું છે. રાગ થાય એમાં આત્મા નિમિત્ત છે, ઉપાદાન નહિ. વિકાર વિકારના કારણે સ્વયં થાય એમાં જ્ઞાયકમૂર્તિ પ્રભુ આત્મા નિમિત્ત છે. નિમિત્ત છે એટલે કે છે, બસ એટલું જ; એનાથી થયો એમ નહિ. અહો! દિગંબર સંતોએ ગજબનાં કામ કર્યાં છે. માટે ભગવાન આત્મા દુઃખનું અકારણ જ છે.

આસ્રવો-પુણ્યપાપના ભાવો અશુચિ છે, ભગવાન આત્મા અત્યંત શુચિ છે એ પહેલો બોલ થયો. આસ્રવો-પુણ્યપાપના ભાવો જડ, અચેતન છે, અને ભગવાન આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ હોવાથી ચેતક છે, શુદ્ધ ચૈતન્યમય છે. આ બીજો બોલ કહ્યો. આસ્રવો- પુણ્યપાપના ભાવો આકુળતા ઉપજાવનારા હોવાથી દુઃખનાં કારણ છે, અને ભગવાન આત્મા સદાય અનાકુળસ્વભાવ હોવાથી દુઃખનું અકારણ જ છે. આ ત્રીજો બોલ કહ્યો. ત્રણ બોલથી આત્મા અને આસ્રવોની ભિન્નતા કહી. આ પ્રમાણે આસ્રવોથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવા આત્માની સન્મુખ થઈને ભેદજ્ઞાન પ્રગટ કરવું, અર્થાત્ પર્યાયને ત્રિકાળીમાં અભેદ કરવી તે ધર્મ છે-મોક્ષમાર્ગ છે. પર્યાયને અભેદ કરવી એટલે દ્રવ્ય-સન્મુખ કરવી એવો એનો અર્થ છે. કાંઈ દ્રવ્ય અને પર્યાય એક થઈ જાય એમ અર્થ નથી. પર્યાય દ્રવ્યસન્મુખ થતાં સ્વભાવની જાતની પર્યાય થઈ અને રાગથી ભિન્ન પડી ગઈ. એટલે તે દ્રવ્યથી અભિન્ન થઈ એમ કહેવામાં આવે છે.

પાઠમાં ‘णादूण’ શબ્દ પડયો છે ને? એનો અર્થ એ કે આસ્રવોને અશુચિ, અચેતન અને દુઃખનાં કારણ જાણીને એનો વિશેષ ખુલાસો એમ છે કે અત્યંત શુચિ-પવિત્ર, ચૈતન્યસ્વભાવમય, સહજાનંદમૂર્તિ ભગવાન આત્મા જ્યાં અનુભવમાં-જ્ઞાનમાં આવ્યો ત્યાં આસ્રવો અશુચિ આદિ પણે જણાઈ ગયા, નિર્મળ ભેદજ્ઞાન થઈ ગયું. એ જ ધર્મ અને મોક્ષમાર્ગ છે. સ્વતરફ વળતાં જ્યાં શુદ્ધ આત્મા જણાયો ત્યાં આસ્રવો અશુચિ ઇત્યાદિ છે, નિજ સ્વરૂપથી ભિન્ન છે એમ ભેદજ્ઞાન થઈ જાય છે અને આત્મા આસ્રવોથી નિવૃત્ત થાય છે.

જુઓ! આ કર્તાકર્મ અધિકાર ચાલે છે. કર્તા એટલે થનારો. આત્મા ખરેખર પોતાના ચૈતન્યસ્વભાવે થનારો છે. જ્ઞાતા-દ્રષ્ટાના જે નિર્મળ પરિણામ થાય તે એનું કર્મ છે અને તેનો કર્તા આત્મા છે. અહાહા...! આત્મા સહજાનંદની મૂર્તિ ત્રિકાળી ભગવાન છે. તે દુઃખનું કારણેય નહિ અને દુઃખનું કાર્ય પણ નહિ; તે રાગનું કારણ પણ નહિ અને કાર્ય પણ નહિ. પુણ્ય-પાપના ભાવ આવે ખરા, પણ તે આત્માનું કાર્ય નહિ.

પ્રશ્નઃ- તો મંદિર બનાવવા અને પ્રતિષ્ઠા કરાવવાના ભાવ આવે છે ને?

ઉત્તરઃ– હા, આવે છે; પણ તે છે રાગ. ભાઈ? ભગવાનની મૂર્તિ છે, મંદિર