પ૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે આ ક્રોધાદિક ભાવો તે સર્વને ક્ષય કરું છું-એમ આત્મામાં નિશ્ચય કરીને, ઘણા વખતથી પકડેલું જે વહાણ તેને જેણે છોડી દીધું છે એવા સમુદ્રના વમળની જેમ જેણે સર્વ વિકલ્પોને જલદી વમી નાખ્યા છે એવો, નિર્વિકલ્પ, અચલિત નિર્મળ આત્માને અવલંબતો, વિજ્ઞાનઘન થયો થકો, આ આત્મા આસ્રવોથી નિવર્તે છે.
પરદ્રવ્ય પ્રત્યે મમતારહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ વસ્તુ છું’. જ્યારે તે જ્ઞાની આત્મા આવા પોતાના સ્વરૂપમાં રહેતો થકો તેના જ અનુભવરૂપ થાય ત્યારે ક્રોધાદિક આસ્રવો ક્ષય પામે છે. જેમ સમુદ્રના વમળે ઘણા કાળથી વહાણને પકડી રાખ્યું હોય પણ પછી જ્યારે વમળ શમે ત્યારે તે વહાણને છોડી દે છે, તેમ આત્મા વિકલ્પોના વમળને શમાવતો થકો આસ્રવોને છોડી દે છે.
હવે પૂછે છે કે કઈ વિધિથી, કઈ રીતથી આ આત્મા આસ્રવોથી નિવર્તે છે? પુણ્ય- પાપના ભાવ છે તે આસ્રવ છે, મલિન છે, અચેતન છે, દુઃખ છે, ચૈતન્યની જાતથી વિરુદ્ધ કજાત છે. અહાહા! જેને સ્વરૂપ સમજવાની ગરજ થઈ છે તે શિષ્ય પૂછે છે કે પ્રભો! આ આત્મા પુણ્ય-પાપના ભાવોથી કઈ વિધિથી નિવર્તે છે? અંદર આસ્રવોથી નિવર્તવાનો પોકાર થયો છે તે પૂછે છે કે આ (અજ્ઞાન-કર્તાકર્મ)ની પ્રવૃત્તિથી નિવૃત્તિ કઈ રીતે થાય? તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-
હું આ આસ્રવોને ક્ષય પમાડું છું. અહાહા! શૈલી તો જુઓ! (આત્મા) આમ કરે તો આમ થાય એમ નથી લીધું. ‘હું’ ક્ષય પમાડું છું એમ વાત લીધી છે. ગજબ શૈલી છે! શું કહે છે? ‘હું આ આત્મા-પ્રત્યક્ષ અખંડ અનંત ચિન્માત્રજ્યોતિ અનાદિ-અનંત નિત્ય-ઉદયરૂપ વિજ્ઞાનઘનસ્વભાવભાવપણાને લીધે એક છું.’ ‘अहमेक्को’ કહ્યું છે ને? એની આ વ્યાખ્યા કરી.
‘હું’ શબ્દથી પોતાની અસ્તિ સિદ્ધ કરી છે અને ‘આ’ થી પ્રત્યક્ષ અસ્તિ દર્શાવી છે. છે ને કે-હું આ આત્મા પ્રત્યક્ષ ચિન્માત્ર જ્યોતિ છું? પ્રત્યક્ષ થઈ શકે એ વાત નથી. પ્રત્યક્ષ છે જ. ભગવાન આત્મા પ્રત્યક્ષ છે. શક્તિના અધિકારમાં બારમી ‘સ્વયં પ્રકાશમાન વિશદ એવા સ્વસંવેદનમયી (સ્વાનુભવમયી) પ્રકાશશક્તિ’ કહી છે. વસ્તુ પોતે પોતાથી પ્રત્યક્ષ થાય એવા પ્રકાશગુણ સહિત છે. આત્માનો એવો પ્રકાશસ્વભાવ છે કે પોતે જ પોતાના સ્વસંવેદનમાં પ્રત્યક્ષ પ્રકાશમાન થાય છે.