૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ અપાદાન અને અધિકરણસ્વરૂપ) સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છું.
આત્મા પરનો કર્તા અને પર એનું કાર્ય-એવું એનામાં છે જ નહિ. આત્મા સિવાય શરીર, મન, વચન, ઇન્દ્રિય, કુટુંબ કે દેશ ઇત્યાદિ પર દ્રવ્યનો હું કર્તા અને એમાં જે ક્રિયા થઈ તે મારું કર્મ એવું છે જ નહિ. આ વાત અહીં લીધી નથી કેમકે જે પરદ્રવ્ય છે તે કાર્ય વિના કદીય કોઈ કાળે ખાલી નથી. આ એક વાત.
હવે બીજી વાતઃ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજાના અશુદ્ધ ભાવ થાય તેનો હું કર્તા અને તે મારું કર્મ, હું સાધન, હું સંપ્રદાન, મારામાંથી થયું અને મારા આધારે થયું આવા રાગની ક્રિયાના ષટ્કારકની પ્રક્રિયા તે આત્માના સ્વરૂપમાં નથી.
હવે ત્રીજી વાતઃ એક સમયની નિર્મળ પર્યાયના ષટ્કારકો-જેમકે નિર્મળ પર્યાયનો કર્તા હું, નિર્મળ પર્યાય તે મારું કર્મ, તેનું સાધન હું, મારા માટે તે થઈ, મારાથી થઈ, મારા આધારે થઈ-આમ નિર્મળ પર્યાયના ષટ્કારકોની જે પ્રક્રિયા તેનાથી પાર ઊતરેલી એટલે ભિન્ન જે નિર્મળ અનુભૂતિ તે (ત્રિકાળી) અનુભૂતિમાત્રપણાને લીધે હું શુદ્ધ છું. અહીં ‘અનુભૂતિ’ એ પર્યાયની વાત નથી પણ ત્રિકાળી દ્રવ્યની વાત છે. પર્યાયમાં ષટ્કારકનું પરિણમન સ્વતંત્ર છે. એનાથી મારી ચીજ (ત્રિકાળી) ભિન્ન છે. અહાહા! વર્તમાન નિર્મળ પરિણતિથી મારો ત્રિકાળી અનુભૂતિસ્વરૂપ ભગવાન ભિન્ન છે -એને અહીં શુદ્ધ કહ્યો છે.
નિર્મળ અનુભૂતિની પર્યાયના ભેદને લક્ષમાં લેવો એ વ્યવહારનય છે, અશુદ્ધતા છે, મેચકપણું-મલિનતા છે. આત્મા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણપણે પરિણમે એમ લક્ષમાં લેવું એ વ્યવહારનય છે. એ પ્રમાણે (ત્રણપણે) આત્માને-પોતાને અનુભવતાં આસ્રવોથી નિવૃત્તિ નહિ થાય. પ્રવચનસારના નય-અધિકારમાં કહે છે કે માટીને એના વાસણ આદિ પર્યાયના ભેદથી જોવી એ અશુદ્ધનય છે. તેમ આ આત્માને તેના ષટ્કારકના પર્યાયના ભેદથી જોવો તે અશુદ્ધનય છે. જ્ઞાનની પર્યાય, આનંદની પર્યાય, વીર્યની પર્યાય-એમ પર્યાયના ભેદથી આત્મા જોવો તે અશુદ્ધપણું છે એનાથી મિથ્યાત્વનો આસ્રવ નહિ મટે. અહીં તો કહે છે કે ષટ્કારકની પ્રક્રિયાથી ભિન્ન વસ્તુ ત્રિકાળી અનુભૂતિસ્વરૂપ જે ભગવાન આત્મા છે તેના ઉપર દ્રષ્ટિ આપતાં મિથ્યાત્વનો આસ્રવ ટળી જાય છે.
દયા, દાનના વિકલ્પથી ધર્મ માને એ તો મિથ્યાત્વ છે જ, પરંતુ પોતાને નિર્મળ પર્યાયના ભેદથી લક્ષમાં લેતાં જે વિકલ્પ થાય એનાથી ધર્મ થાય એમ માને તે પણ મિથ્યાત્વ છે.
ભગવાન આત્મા એક સમયની પર્યાયના ષટ્કારકના પરિણમનથી પાર ઊતરેલી-ભિન્ન અનુભૂતિમાત્ર ત્રિકાળી શુદ્ધ વસ્તુ છે. આ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જતાં