૬૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ શુદ્ધ ચૈતન્ય ભગવાન છે તે ભૂતાર્થ છે. તેના ઉપર દ્રષ્ટિ દેતાં મિથ્યાદર્શનનો વ્યય અને સમ્યગ્દર્શનનો ઉત્પાદ થાય છે. પર્યાયના ભેદને લક્ષમાં લેવો તે અશુદ્ધતા છે. એક સમયની જે નિર્મળ પર્યાય પ્રગટ થાય તેનાથી ભિન્ન, સંયોગથી ભિન્ન અને દયા, દાનના વિકલ્પથી પણ ભિન્ન અનુભૂતિસ્વરૂપ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. તેનો આશ્રય કરવાથી ધર્મની શરૂઆત થાય છે. આ ધર્મ પામવાની વિધિ છે.
કેવળીના કેડાયતો ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ અને શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ કેવળજ્ઞાન કેમ થાય અને તે પહેલાં સમ્યગ્દર્શન કેમ થાય એની રીત બતાવે છે. કહે છે કે પર્યાયના ષટ્કારકોના ભેદની રુચિ છોડીને અખંડ એક અનુભૂતિસ્વરૂપ ત્રિકાળી ભગવાન અંદર પડયો છે એનો આશ્રય કર. ત્યારે સમ્યગ્દર્શન અને સમ્યક્મતિશ્રુતજ્ઞાન થાય છે.
ધવલમાં આવે છે કે શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. અર્થાત્ સમ્યક્ મતિશ્રુતજ્ઞાન જેને પ્રગટ થયું તેને અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ થશે તે નિશ્ચિત છે. કેવળજ્ઞાન-સર્વજ્ઞપદ સાધ્ય છે, પરંતુ ધ્યેય તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય જ છે. પરિણતિમાં પૂર્ણ સાધ્ય જે સિદ્ધદશા પ્રગટ થાય તેનો આધાર-આશ્રય ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જ છે. અહાહા...! સમજવાની ચીજ આ જ છે કે પર્યાયથી પાર જે ત્રિકાળી ભગવાન ભિન્ન છે તે શુદ્ધ છે અને તે શુદ્ધનો જે પર્યાયે નિર્ણય કર્યો તે પર્યાય તે શુદ્ધમાં (દ્રવ્યમાં) નથી. પર્યાય પર્યાયમાં રહીને દ્રવ્ય શુદ્ધ છે એમ અનુભવ કરે છે. આવો ભગવાન વીતરાગદેવનો માર્ગ છે. તેને રાગથી કે ભેદથી પ્રાપ્ત કરવા જઈશ તો વસ્તુ-સત્ હાથ નહિ આવે.
એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જેણે જોયા છે તે ભગવાન (સીમંધર નાથ)ની વાણી શ્રી કુંદકુંદાચાર્યદેવે સાક્ષાત્ સાંભળી હતી. આત્માના અનુભવ સહિત તેઓ મહા ચારિત્રવંત હતા. ભરતમાં પધારી તેમણે સંદેશ આપ્યો કે-પરને મારી શકું, પરને જીવાડી શકું, પરની દયા પાળી શકું એમ જે માને છે તે મૂઢ છે, મિથ્યાદ્રષ્ટિ છે. પરના કામ કરવાનો બોજો માથે લઈને પોતાને પરનો કર્તા માને એ મૂઢ છે, અજ્ઞાની છે. પરની દયાનો ભાવ આવે એ જુદી વાત છે, પણ બીજાને જીવાડી શકું છું એ માન્યતા એકલું અજ્ઞાન છે. પ્રભો! તું તો જ્ઞાતા-દ્રષ્ટા છો ને! જાણવું-દેખવું એ જ તારું જીવન છે. એને બદલે પરને સુખી-દુઃખી કરવાનું માને એ તો તારા જ્ઞાનસ્વભાવનો અનાદર છે, હિંસા છે. અહીં તો કહે છે કે સમ્યગ્દર્શનની નિર્મળ પર્યાય જે પ્રગટ થાય તેનો કર્તા પર્યાય પોતે, કર્મ પોતે, સાધન પર્યાય પોતે, ઇત્યાદિ છ કારકોના ભેદના વિકલ્પથી પાર વસ્તુ ત્રિકાળી શુદ્ધ છે. એ અખંડ એક વિજ્ઞાનસ્વભાવી શુદ્ધની દ્રષ્ટિ કરતાં નિર્મળ પર્યાય પ્રગટે છે અને તે ધર્મ છે. પરંતુ ત્રિકાળી શુદ્ધ વસ્તુમાં ભેગી પર્યાયને ભેળવે તો એ સમ્યગ્દર્શનનો વિષય રહેતો નથી પણ અુશદ્ધતા પ્રગટ થાય છે. લ્યો, આ બીજો બોલ થયો.