૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ તું રાગના રંગે રોળાઈ ગયો છે એને આ નવો શુદ્ધ ચૈતન્યનો રંગ ચઢાવી દે. પ્રભુ! તું વીતરાગમૂર્તિ જિનસ્વરૂપ જ છો. હવે નિર્ણય કર અને રાગથી નિવૃત્ત થા. અહાહા...! હું જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ છું એમ નિશ્ચય કરીને સ્વભાવમાં ઢળતાં રાગ-દ્વેષનો ક્ષય થાય છે.
જુઓ! ઘણા વખતથી પકડેલું જે વહાણ તેને જેણે છોડી દીધું છે એવા સમુદ્રના વમળની જેમ જેણે સર્વ વિકલ્પોને જલદી વમી નાખ્યા છે તે આસ્રવોથી નિવૃત્ત થાય છે. વમળે ઘણા વખતથી વહાણને પકડયું હતું તે વમળ છૂટે એટલે વહાણ ગતિ કરે. સમુદ્રના વમળની જેમ સર્વ વિકલ્પો જેણે જલદીથી વમી નાખ્યા તે આસ્રવોથી નિવૃત્ત થાય છે. વિકલ્પોને વમી નાખ્યા એટલે કે ફરીથી તે હવે ઉત્પન્ન થશે નહિ-એમ અર્થ છે. પ્રવચનસાર ગાથા ૯૨માં આવે છે કે- ‘અને તે (બહિર્મોહદ્રષ્ટિ) તો આગમકૌશલ્ય તથા આત્મજ્ઞાન વડે હણાઈ ગઈ હોવાથી હવે મને ફરીને ઉત્પન્ન થવાની નથી.’ આ પંચમ આરાના મુનિ કહે છે. આવી અપ્રતિહત ભાવની વાત છે. દ્રષ્ટાંતમાં એમ લીધું કે વમળ છૂટતાં વહાણને છોડી દીધું છે. સિદ્ધાંતમાં એમ કહ્યું કે જ્ઞાનસ્વરૂપમાં જ્યાં એકાગ્ર થયો એટલે વિકલ્પો તૂટી ગયા. ત્યાં વિકલ્પોને એવા વમી નાખ્યા કે ફરીને હવે તે ઉત્પન્ન થવાના નથી. મુનિરાજ કહે છે કે અમે અપ્રતિહત ભાવે ઉપડયા છીએ. ક્ષયોપશમમાંથી ક્ષાયિક સમકિત લેશું, પણ વચ્ચે પડવાની વાત જ નથી.
અહાહા...! જુઓ, આ દિગંબર સંતોના અંતરના આનંદની મસ્તી! આ પંચમ આરાના મુનિવરો પોકાર કરીને બહુ ઊંચેથી કહે છે કે હજારો વર્ષથી બહારમાં ભગવાનનો વિરહ હોવા છતાં અમારો અંતરંગ નિર્મળાનંદનો નાથ ચૈતન્ય ભગવાન અમને સમીપ વર્તે છે. કોઈ પૂછે કે ભગવાન કેવળી પાસે તમે ગયા હતા? તો કહે છે-ભાઈ! સાંભળ! મારો નાથ ભગવાન આત્મા ચૈતન્ય પ્રભુ છે તેની પાસે અમે ગયા છીએ. ત્યાંથી અંતરમાં અવાજ આવ્યો છે કે વિકલ્પોને અમે એવા વમી નાખ્યા છે કે ફરીને હવે તે ઉત્પન્ન થવાના નથી. અહાહા...! વસ્તુ પરમપારિણામિકસ્વભાવે જે ત્રિકાળ ધ્રુવ છે તેની સન્મુખ થતાં જે સ્વાનુભવ પ્રગટ થયો છે તે મોક્ષ લઈને જ પૂર્ણ થશે. હવે ફરીને મિથ્યાત્વ થશે એ વાત છે જ નહિ. આ પ્રમાણે સર્વ વિકલ્પોને જલદી એકદમ શીઘ્ર વમી નાખ્યા છે એવો નિર્વિકલ્પ અચલિત નિર્મળ આત્માને અવલંબતો વિજ્ઞાનઘન થયો થકો, આ આત્મા આસ્રવોથી નિવર્તે છે.
અભેદ, અચલિત, નિર્મળ ભગવાન આત્મા વિજ્ઞાનઘન છે. રૂના ધોકળામાં પોલાણ હોય છે, પરંતુ આનંદનો નાથ પ્રભુ આત્મા તો એકલો વિજ્ઞાનઘન છે. (એમાં કોઈ પરનો પ્રવેશ શકય નથી) એવા અચલિત નિર્મળ આત્માને અવલંબતો, વિજ્ઞાનઘન થયો થકો અભેદ એકપણે પરિણમતો આ આત્મા આસ્રવોથી નિવર્તે છે.
પર્યાય જ્યાં દ્રવ્યસન્મુખ ઢળી એટલે તે દ્રવ્યથી અભેદ થઈ. ખરેખર તો પર્યાય