Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 849 of 4199

 

સમયસાર ગાથા-૭૪ ] [ ૭૭

ભાઈ! તારા દુઃખનો કાંઈ પાર નથી. શું કહીએ! બાપુ! તું મફતના મૂળામાં અનંતવાર વેચાયો છે. પહેલાં શાકવાળા શાક સાથે છોકરાને મફતમાં મૂળો આપતા. એ મૂળામાં તું અનંતવાર જન્મ-મરણ કરી ચૂકયો છે. પણ બધું ભૂલી ગયો છે. અહીં યાદ કરાવીને કહે છે કે- પ્રભુ! તું તારા ભગવાનને સંભાળ. ચૈતન્યમૂર્તિ પ્રભુ આનંદરસનો કંદ ભગવાન આત્મા છે. તેનો આશ્રય કરીને આસ્રવ-દુઃખને ટાળ. આસ્રવ તારું સ્વરૂપ નથી. એ તો પર્યાયમાં તારી શાન્તિનો ઘાત કરનાર છે. જે ઘાત કરનાર છે તને મદદ કરનાર થાય એમ કદીય બની શકે નહિ. ભાઈ! તું ગોટાળામાં-ગૂંચવણમાં ન પડ.

શરીરમાં જેમ ક્ષયનો રોગ થાય તો બિચારો દુઃખી દુઃખી થઈ જાય. હાય, ક્ષયનો રોગ થયો! બહુ દુઃખથી પીડાય. અહીં કહે છે કે વિકાર મારો છે, પુણ્ય-પાપના શુભાશુભ ભાવ મારા છે એમ માને તેને મોટો ક્ષય લાગુ પડયો છે. પુણ્ય-પાપ ઘાતક છે, કહ્યું ને? જેમ લાખના નિમિત્તથી વૃક્ષનો ક્ષય થાય છે તેમ પુણ્ય-પાપથી આત્માની નિર્મળ અવસ્થાનો ક્ષય થાય છે. જેમ લાખ વૃક્ષનું સ્વરૂપ નથી, માત્ર વૃક્ષ સાથે નિબદ્ધ જ છે તેમ પુણ્ય-પાપના ભાવ આત્માનું સ્વરૂપ નથી, માત્ર જીવ સાથે નિબદ્ધ જ છે અને તેની શાન્તિના ઘાતક છે.

આમાં વળી બચાવ કરીને કોઈ કહે કે વ્યવહાર આવે છે તો તેનાથી આગળ (માર્ગમાં) વધાય છે તો તે વાત બરાબર નથી. ભાઈ! આ વીતરાગનો માર્ગ તો જેમ છે તેમ રહેશે, તેમાં ફેરફાર નહિ થાય. બાપુ! તું આ માર્ગનો વિરોધ ન કર. ભગવાન! આત્મા જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ પ્રભુ છે. તેની પર્યાયમાં પુણ્ય-પાપના ભાવ થાય તે વિરુદ્ધ-સ્વભાવે હોવાથી ઘાતક છે. તે ભાવો તારી શાન્તિને બાળનારા છે. આસ્રવો ઘાતક છે અને આત્મા વધ્ય છે. આ દ્રવ્યની વાત નથી, પર્યાયની વાત છે. દ્રવ્ય તો જેવું છે તેવું અનાદિ-અનંત ચિદ્ઘન છે. પર્યાયમાં વધ્ય થવાની લાયકાત છે, દ્રવ્યનો વધ્ય-સ્વભાવ નથી. એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીની ગમે તે પર્યાય હો, વસ્તુ જે અનંતગુણમાં વસેલું ચિદાનંદઘન તત્ત્વ છે એ તો એવી ને એવી ત્રિકાળ પડી છે.

પ્રવચનસાર ગાથા ર૦૦ ની ટીકામાં આવે છે કે-‘જે અનાદિ સંસારથી જ્ઞાયક- ભાવપણે જ રહ્યો છે અને જે મોહ વડે અન્યથા અધ્યવસિત થાય છે (બીજી રીતે જણાય છે) તે શુદ્ધ આત્માને, આ હું મોહને ઉખાડી નાખીને, અતિ નિષ્કંપ રહેતો થકો, યથાસ્થિત જ (જેવો છે તેવો જ) પ્રાપ્ત કરું છું.’ વસ્તુ તો જ્ઞાયકભાવે ત્રિકાળ છે. હું રાગવાળો, પુણ્યવાળો ઇત્યાદિ માન્યતા તો ઊભી કરેલી છે. પુણ્યથી મને લાભ થશે એ તો મોહ વડે અન્યથા માન્યું છે; વસ્તુ એમ નથી.

કોઈ પાંચ-પચાસ લાખ રૂપિયાનું દાન આપે તો લોકો તેને ચઢાવી મારે, મોટો ધર્મધુરંધર કહે; પરંતુ ભાઈ! દાન આપવાના ભાવ તો શુભ છે, પુણ્ય-બંધનું કારણ છે.