Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 850 of 4199

 

૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ રાગ મંદ કરીને આપે તો પુણ્ય છે, અને જો વાહ-વાહ કરાવવા માનાર્થે આપે તો પાપ છે. એનાથી ધર્મ થાય એ વાત તો ત્રણ કાળમાં નથી. દાન આપતાં રાગ મંદ કરે તોપણ હું રાગ મંદ કરું છું એમ કર્તાપણું માને તો તે મિથ્યાત્વ છે અને હું પૈસા આપું છું એમ માને તો તે જડનો સ્વામી થાય છે. વીતરાગનો માર્ગ લોકોએ માન્યો છે એનાથી જુદો છે, ભાઈ!

અહીં કહે છે કે આવા પુણ્યના ભાવ જે છે તે ઘાતક છે અને આત્મા (પર્યાયમાં) વધ્ય છે. પરની દયા પાળવાનો ભાવ આસ્રવ છે અને તે ઘાતક છે. ગાથા ૭૨માં તેને જડ અચેતન કહેલો છે. તેમાં આવે છે કે રાગ છે તે નથી જાણતો પોતાને, નથી જાણતો પરને; અન્ય ચૈતન્ય દ્વારા તે જણાય છે. માટે એમાં ચૈતન્યપણાનો અભાવ હોવાથી તે અચેતન છે. અહીં તેને ઘાતક કહ્યો છે. ભાઈ! પુણ્યના ભાવની જગતને ખૂબ મીઠાશ છે. એ મીઠાશ જ એને મારી નાખે છે. પુણ્યના ફળમાં આબરૂ મળે, ધન-સંપત્તિ મળે. અજ્ઞાની તેથી રાજી-રાજી થઈ જાય છે. પણ અહીં કહે છે કે પુણ્યભાવની જે તને મીઠાશ છે તે ઘાતક છે. ભાઈ! તેને તું સાધક માને છે પણ તે સાધક કેવી રીતે હોય?

પ્રશ્નઃ- પંચાસ્તિકાયમાં વ્યવહાર સાધક અને નિશ્ચય સાધ્ય એમ કહ્યું છે ને?

ઉત્તરઃ– ભાઈ! એ તો આરોપ કરીને કથન કર્યું છે. રાગથી ભિન્ન પડીને ચૈતન્યસ્વરૂપના અનુભવથી સાધક થાય ત્યારે તે ભૂમિકાનો જે મંદ રાગ છે તેને આરોપ કરીને સાધક કહ્યો છે. એ જ્ઞાન કરાવવા એને વ્યવહારથી સાધક કહેવાય છે. ધર્મ કાંઈ બે પ્રકારે નથી, ધર્મનું નિરૂપણ બે પ્રકારે છે. ચૈતન્યસ્વભાવના આશ્રયે થયેલી જે નિર્મળ દશા તે ધર્મ છે અને તે કાળે રાગને સહચર દેખીને આરોપ આપી તેને વ્યવહારથી સાધક કહેવામાં આવે છે. ખરેખર તો આસ્રવો વિરુદ્ધ સ્વભાવવાળા હોવાથી તેઓ જીવ જ નથી. પુણ્યનો ભાવ-દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના ભાવ આસ્રવો હોવાથી જીવ જ નથી એમ અહીં કહે છે.

વ્યવહારરત્નત્રયનો રાગ છે તો ઘાતક, પંચાસ્તિકાયમાં તેને સાધક કહ્યો છે એ તો જ્ઞાનીના (આ) રાગમાં આરોપ કરીને વ્યવહારથી તેને સાધક કહ્યો છે. પરંતુ જેને આત્મજ્ઞાન નથી તે તો વ્યવહારમાં મૂઢ છે. તેના શુભરાગને વ્યવહાર કહેવામાં આવતો નથી.

સમયસાર ગાથા ૪૧૩માં આવે છે-‘જેઓ દ્રવ્યલિંગમાં મમકાર વડે અહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય પર અનારૂઢ વર્તતા થકા પરમાર્થસત્ય ભગવાન સમયસારને દેખતા-અનુભવતા નથી.’ અહીં ત્રણ બોલ કહ્યા છે.

રાગની મંદતાનું આચરણ અનાદિથી છે. નિગોદ અવસ્થામાં પણ જીવને પુણ્ય-