Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 851 of 4199

 

સમયસાર ગાથા ૭૪ ] [ ૭૯ પરિણામ થાય છે, છતાં તે વ્યવહાર નથી. જેણે નિજ આત્માનું જ્ઞાન-શ્રદ્ધાન પ્રગટ કર્યું નથી તેને એકલો પરાશ્રિત ભાવ છે. તે મૂઢ જેવો છે. તેને વ્યવહારમૂઢ કેમ કહ્યો? તો કહે છે કે તે એકલો રાગની મંદતાની રુચિમાં જ પડયો છે અને સ્વાશ્રિત એવા નિશ્ચયમાં તે અનારૂઢ છે. આ પ્રમાણે અનાદિરૂઢ તે વ્યવહારમાં મૂઢ છે. હવે તે મૂઢતા ત્યાગીને વ્યવહારનો જાણનારો કયારે થાય? સ્વદ્રવ્યનો-સ્વરૂપનો આશ્રય લઈને સમ્યક્ત્વાદિ પ્રગટ કરતાં તે વ્યવહારનો જાણનાર રહે છે. ભગવાન પૂર્ણાનંદનો નાથ ત્રિકાળી ધ્રુવ જે ચૈતન્યમય વસ્તુ તેનો આશ્રય કરતાં જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થયાં તે વ્યવહાર-વિમૂઢ નથી. તેને વ્યવહાર છે ખરો, પણ તેને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. આમ વાત છે.

શુભાશુભ બંને ભાવ આસ્રવ છે, અને આસ્રવ છે તે સ્વરૂપનો ઘાતક છે. નિશ્ચયમાં જે આરૂઢ છે તેને પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી વ્યવહાર આવે છે અને તેને આરોપ આપીને (નિશ્ચયનો ઉપચાર કરીને) સાધક કહેવામાં આવે છે. જ્ઞાની તેને યથાર્થપણે જાણી લે છે. અજ્ઞાનીના શુભરાગને તો આરોપથી પણ સાધક કહી શકાતો નથી.

પ્રશ્નઃ- વ્યવહારને પરંપરા મોક્ષનું કારણ કહ્યું છે ને?

ઉત્તરઃ– હા, પણ કોનો વ્યવહાર અને કયો વ્યવહાર? જેને અંતરમાં આત્મદર્શન થયું છે, સ્વાશ્રયથી-નિજ ચૈતન્યના આશ્રયથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ છે જે ખરેખર આગળ જતાં મોક્ષનો સાધક છે, તેને જે રાગ (વ્યવહાર) બાકી છે તે રાગપરિણામમાં ઉપચાર કરીને તેને વ્યવહારથી પરંપરા કારણ કહેલ છે; કેમકે એના શુભમાં અશુભ ટળ્‌યો છે. એ છે તો બાધક જ-એમ સમજવું. નિયમસાર ગાથા ૨ ની ટીકામાં આવે છે કે-નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે અને તે શુદ્ધરત્નત્રયનું ફળ સ્વાત્મોપલબ્ધિ છે.’ મોક્ષ અને મોક્ષમાર્ગને રાગની મંદતાની, ભેદની કે પરની કોઈ અપેક્ષા નથી. એ તો પરમ નિરપેક્ષ છે.

વળી જેને ચૈતન્યમૂર્તિ નિર્મળાનંદસ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ જ થઈ નથી તેના શુભભાવમાં અશુભ ટળ્‌યો જ નથી, કેમકે તેને મિથ્યાદર્શનનું મહા અશુભ તો ઊભું જ છે. તેની તો રુચિ જ શુભભાવમાં પડી છે તેથી તેના શુભરાગને વ્યવહારથી પણ સાધક કહેતા નથી. માટે પર્યાયમાં જે શુભાશુભ રાગ થાય છે તે સ્વભાવના ઘાતક છે અને વિરુદ્ધ સ્વભાવવાળા હોવાથી જીવનિબદ્ધ છે, તોપણ જીવ નથી એમ નિશ્ચય કરવો. આ એક બોલ થયો.

હવે બીજો બોલઃ-- ‘આસ્રવો વાઈના વેગની જેમ વધતા-ઘટતા હોવાથી અધ્રુવ છે; ચૈતન્યમાત્ર જીવ જ ધ્રુવ છે.’ જુઓ! આસ્રવો મૃગીના રોગની જેમ વધતા-ઘટતા છે.