Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 852 of 4199

 

૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ શુભભાવ વધે વળી ઘટે, તે જ પ્રમાણે અશુભ ભાવ પણ વધે વળી ઘટે. યૌવનાવસ્થામાં અશુભભાવ વધે, વળી વૃદ્ધાવસ્થામાં ઘટે. તેમ શુભભાવ પણ વધે અને ઘટે. અહા! વધ-ઘટપણું એ આસ્રવોનું લક્ષણ છે. જેમ કોઈને દશ લાખની મૂડી હોય તે છેલ્લે વિચાર કરે કે એમાંથી પાંચ લાખ શુભમાં દાનમાં આપું. પરંતુ દીકરાને વાત કરે ત્યાં દીકરો પૂછે-બાપુજી, મારા માટે શું? એટલે બાપાનો દાનનો ભાવ ઘટી જાય. આ પ્રમાણે વધે અને ઘટે એ આસ્રવોનું લક્ષણ છે. તેથી આસ્રવો અધ્રુવ છે, પુણ્ય-પાપના ભાવ અધ્રુવ છે. ચૈતન્યમાત્ર જીવ જ ધ્રુવ છે. આમ બંનેનો ભેદ જાણીને જે ધ્રુવને અવલંબ્યો તેને આત્મા વિજ્ઞાનઘન થાય છે અને તે જ કાળે તે આસ્રવોથી નિવર્તે છે.

શુભાશુભ ભાવ વધતા-ઘટતા થતા હોવાથી અધ્રુવ છે. કોઈ વાર સંસાર ઉપર વૈરાગ્ય થઈ જાય અને સંસારનો રાગ મોળો પડી જાય. તો વળી કાંઈક બાહ્ય અનુકૂળતા વધે અને બહાર માન, મોટપ મળવા માંડે તો પાછો રાગ વધી જાય. આ પ્રમાણે આસ્રવો અધ્રુવ છે અને ચૈતન્યમાત્ર વસ્તુ આત્મા એક ધ્રુવ, ધ્રુવ છે. અહાહા...! જેમાં રાગ નહિ, પર્યાય નહિ, ભેદ નહિ એવો અખંડ એકરૂપ ચૈતન્યમાત્ર આત્મા જ ધ્રુવ છે. આ પ્રમાણે અધ્રુવથી ભિન્ન પડીને ધ્રુવ ચૈતન્યવસ્તુમાં એકાગ્ર થવું તેનું નામ ધર્મ છે. આ બીજો બોલ થયો.

ત્રીજો બોલઃ- હવે આ ત્રીજો બોલ અનિત્યનો બોલ છે. અધ્રુવ અને અનિત્યમાં ફેર છે. અધ્રુવમાં વધ-ઘટપણું છે અને અનિત્યમાં એક પછી એક છે. ‘આસ્રવો શીતદાહ-જ્વરના આવેશની જેમ અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત્ય છે; વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે.’

અધ્રુવમાં ભાવોની વધ-ઘટની અપેક્ષા છે, અનિત્યમાં એક પછી એક અનુક્રમની અપેક્ષા છે. અનુક્રમ એટલે-જેમ ટાઢિયા તાવ વખતે ઉષ્ણ જ્વર ન હોય અને ઉષ્ણજ્વર વેળા ટાઢિયો તાવ ન હોય તેમ શુભભાવ વખતે અશુભ ન હોય અને અશુભભાવ વખતે શુભ ન હોય. આ પ્રમાણે શુભ-અશુભ ભાવો અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત્ય છે. હિંસાના ભાવ હોય ત્યારે દયાના પરિણામ ન હોય અને દયાના પરિણામ હોય ત્યારે હિંસાનો ભાવ ન હોય. આમ અનુક્રમે થતા, પલટતા રહેતા, નાશ પામતા આસ્રવો અનિત્ય છે. અને વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે એવો આત્મા જ નિત્ય છે. ચિદાનંદઘન-સ્વરૂપ ભગવાન આત્મા સદા એકરૂપ હોવાથી નિત્ય છે.

રાગભાવનો હું કર્તા અને રાગ મારું કર્મ એમ માનવું એ મિથ્યાત્વ છે. તે આસ્રવ છે, અનિત્ય પરિણામ છે. અને ચૈતન્યઘન નિત્યાનંદ પ્રભુ આત્મા એનાથી ભિન્ન નિત્ય છે. આવા રાગથી ભિન્ન નિત્યસ્વરૂપ આત્માને જાણવો-અનુભવવો તે ભેદજ્ઞાન છે. જ્ઞાનીને રાગ આવે પણ તેના સ્વામીપણે તે પરિણમતો નથી. તે રાગને અનિત્ય જાણીને તેમાં રહેતા નથી પણ તેનાથી ભેદ પાડીને જ્ઞાનમાં રહે છે.