Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 853 of 4199

 

સમયસાર ગાથા ૭૪ ] [ ૮૧

‘વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે.’ જુઓ, ‘જ’ કહીને એકાન્ત કર્યું છે. કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય છે એમ નથી કહ્યું. નિત્ય છે તે એકાન્ત નિત્ય જ છે, અનિત્ય છે તે એકાન્ત અનિત્ય જ છે. આખા સમગ્ર દ્રવ્યની વ્યાખ્યા કરવી હોય તો ત્યાં કથંચિત્ નિત્ય કથંચિત્ અનિત્ય છે એમ કહેવાય. પણ દ્રવ્યદ્રષ્ટિથી દ્રવ્ય નિત્ય જ છે અને પર્યાય અનિત્ય જ છે. આસ્રવો અનિત્ય છે અને આત્મા ચૈતન્યઘન નિત્ય છે. ત્યાં નિત્યાનંદ ચૈતન્યઘન પ્રભુ નિત્યમાં દ્રષ્ટિ લગાડવાથી ભેદજ્ઞાન થતાં આસ્રવનો હું કર્તા અને આસ્રવ મારું કર્મ એવી કર્તા- કર્મપ્રવૃત્તિનો અભાવ થાય છે. આ પ્રમાણે આસ્રવો-શુભાશુભ બન્નેય ઘાતક, અધ્રુવ અને અનિત્ય છે અને ભગવાન આત્મા વધ્ય, ધ્રુવ અને નિત્ય છે એમ ત્રણ બોલ થયા. આ બન્ને વચ્ચે ભેદજ્ઞાન કરતાં આસ્રવો છૂટી જાય છે. હવે ચોથો બોલ-

ચોથો બોલઃ- ‘જેમ કામસેવનમાં વીર્ય છૂટી જાય તે ક્ષણે જ દારુણ કામનો સંસ્કાર નાશ પામી જાય છે, કોઈથી રોકી રાખી શકાતો નથી, તેમ કર્મોદય છૂટી જાય તે ક્ષણે જ આસ્રવો નાશ પામી જાય છે, રોકી રાખી શકાતા નથી, માટે તેઓ અશરણ છે; આપોઆપ (પોતાથી જ) રક્ષિત એવો સહજ ચિત્શક્તિરૂપ જીવ જ શરણસહિત છે.’

મુનિવરો વીતરાગી સંતોએ કેવો દાખલો આપ્યો છે! વિષયસેવનમાં વીર્ય છૂટી જાય તે ક્ષણે જ કામની વાસનાના દારુણ સંસ્કાર છૂટી જાય છે, કોઈથી રોકી શકાતા નથી. તેમ કર્મોદય છૂટી જાય ત્યારે આસ્રવોનો નાશ થાય છે. કર્મના ઉદયના નિમિત્તે જે આસ્રવો થાય છે તે નિમિત્ત મટી જતાં છૂટી જાય છે. કોઇથી શુભાશુભ પરિણામો રોકી રાખી શકાતા નથી. માટે આસ્રવો- પુણ્યપાપના ભાવો અશરણ છે. જુઓ! શુભભાવ પણ અશરણ છે. દયા, દાન, વ્રત આદિના શુભભાવ અશરણ છે, કારણ કે ઉદયનું ખરી જવું કોઈથી રોકી શકાતું નથી. આપોઆપ-પોતાથી જ રક્ષિત એવો સહજ ચિત્શક્તિરૂપ જીવ જ શરણસહિત છે. અહાહા...! ભગવાન આત્મા આપોઆપ પોતાથી જ રક્ષિત છે. એને રાખવો પડે એવું કયાં છે? એ તો રક્ષિત જ છે. શ્રીમદ્માં આવે છે કે-

સ્વદ્રવ્ય અન્યદ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ.
સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ.
સ્વદ્રવ્યની રક્ષક્તા ઉપર લક્ષ રાખો.
પરદ્રવ્યની ધારક્તા ત્વરાથી તજો.