૧૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ આત્માનું કર્મ છે. અહાહા...! વસ્તુ જ્ઞાનસ્વભાવી છે તે જાણવા સિવાય બીજું શું કરે? જે સ્વભાવથી જ પ્રજ્ઞાબ્રહ્મ, ચૈતન્યબ્રહ્મ છે તે આત્મા શું પુદ્ગલપરિણામનું કાર્ય કરે? ન જ કરે.
આ ગાથા જૈનદર્શનનો મર્મ છે. કહે છે કે પુદ્ગલપરિણામનું જ્ઞાન તે વ્યાપક આત્મા વડે, કર્તા વડે સ્વયં વ્યપાતું હોવાથી આત્માનું કર્મ છે, કાર્ય છે. અહાહા...! ભગવાન આત્મા ચૈતન્યપ્રકાશની મૂર્તિ, ચૈતન્યના નૂરનું પૂર પ્રભુ છે. તે જેણે દ્રષ્ટિમાં લીધો તેને સ્વપરપ્રકાશક જ્ઞાન પ્રગટ થયું. તે જ્ઞાનમાં રાગ, વ્યવહાર, કર્મનોકર્મ ઇત્યાદિનું યથા અવસરે જ્ઞાન થયું તે પોતાથી થયું છે. તે જ્ઞાનનો આત્મા કર્તા છે અને તે જ્ઞાન સ્વયં આત્મા વડે વ્યપાતું હોવાથી તે આત્માનું કાર્ય છે. અરે! લોકો તો દયા પાળવી, ભગવાનની ભક્તિ કરવી, શાસ્ત્રસ્વાધ્યાય કરવું ઇત્યાદિને ધર્મ કહે છે પણ એ તો સઘળી બહારની વાતો છે. જ્ઞાની તો એ સર્વને (સાક્ષીપણે) માત્ર જાણે છે. અને તે વ્યવહારને જાણનારું જે જ્ઞાન તે જ્ઞાતાનું પોતાનું કર્મ છે. લોકોને એકલો નિશ્ચય, નિશ્ચય એમ લાગે પણ નિશ્ચય જ ભવસાગરમાંથી નીકળવાનો પંથ છે.
આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ ત્રિકાળ સત્ય છે. એ ત્રિકાળી સત્ના આશ્રયે જે સ્વપરપ્રકાશક જ્ઞાન પ્રગટ થયું તે પરને પણ સ્વતંત્રપણે પ્રકાશે છે. સ્વને જાણતો તે તે કાળે રાગની દશાને પોતાના જ્ઞાનમાં સ્વતંત્રપણે જાણે છે. ટીકામાં છે કે પુદ્ગલપરિણામના જ્ઞાનને કરતો તે પોતાના આત્માને જાણે છે. રાગને જાણે છે, દેહાદિને જાણે છે એમેય નહિ, તે કાળે આત્માને જાણે છે એમ લીધું છે. સ્વપરપ્રકાશકપણે પરિણમ્યો તેણે આત્માને જાણ્યો છે એમ વાત છે. સત્ય તો આ છે, ભાઈ. વાદવિવાદ કરવાથી કાંઈ સત્ય બીજી રીતે નહિ થાય.
હવે કહે છે-‘વળી આ રીતે (જ્ઞાતા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે છે તેથી) એમ પણ નથી કે પુદ્ગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે; કારણ કે પુદ્ગલને અને આત્માને જ્ઞેયજ્ઞાયકસંબંધનો વ્યવહારમાત્ર હોવા છતાં પણ પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે. (માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે).’
જુઓ! આત્મા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે છે તેથી પુદ્ગલપરિણામ એટલે કે દયા, દાન, વ્રત આદિના પરિણામ આત્માનું વ્યાપ્ય કર્મ છે એમ નથી. પહેલાં તો રાગને પુદ્ગલપરિણામ કહ્યા અને હવે અહીં રાગને પુદ્ગલ કહ્યો. દયા, દાન ઇત્યાદિ ભાવ પુદ્ગલ છે એમ કહ્યું. પુદ્ગલ અને આત્મા ભિન્ન દ્રવ્યો છે. આત્મા અને દયા, દાન આદિ પરિણામ ભિન્ન છે એમ અહીં કહ્યું છે. પરની દયા પાળે, જાત્રા કરે, ભક્તિ કરે તો ધર્મ થાય એ વાત અહીં રહેતી નથી. ભગવાન આત્મા નિર્મળાનંદનો નાથ ચૈતન્યઘન પ્રભુ છે તેમાં આરૂઢ થાય તે જ સાચી દયા, સાચી જાત્રા અને સાચી ભક્તિ