Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 88 of 4199

 

ભાગ-૧ ] ૮૧

‘મંગલં ભગવાન વીરો, મંગલં ગૌતમો ગણી,
મંગલં કુંદકુંદાર્યો, જૈન ધર્મોઽસ્તુ મંગલ.’

અહીં મંગલાચરણમાં પ્રથમ તીર્થંકરદેવ, બીજા ગણધરદેવ અને તરત જ ત્રીજા સ્થાને શ્રી કુંદકુંદાચાર્યદેવ છે. તેઓ કહે છે કે મને મારા આત્માનો નિજવૈભવ પ્રગટયો છે. એ સર્વ વૈભવ વડે મેં સ્વથી એકત્વ અને પરથી ભિન્ન આત્માને બતાવવાનો નિશ્ચય કર્યો છે.

કેવો છે મારા આત્માનો નિજવૈભવ? આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર અને ‘स्यात्’ પદની મુદ્રાવાળો જે શબ્દબ્રહ્મ-અર્હંતનાં પરમાગમ-તેની ઉપાસનાથી જેનો જન્મ છે. શરૂઆત કરતાં પોતાને જે નિજવૈભવ પ્રગટયો તેમાં નિમિત્ત કોણ હતું એ કહે છે. ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ અર્હંત પરમાત્માએ ૐધ્વનિ- દિવ્યધ્વનિ દ્વારા જે ઉપદેશ કર્યો તે અનુસાર પરમાગમની રચના થઈ. તે પરમાગમની ઉપાસનાથી-સેવા કરવાથી મને આત્મ-વૈભવ પ્રગટ થયો છે. ભગવાનની વાણીને શબ્દબ્રહ્મ કહે છે કેમકે બ્રહ્મસ્વરૂપ જે પૂર્ણાનંદનો નાથ આત્મા તેને બતાવનારો છે. વળી તે ‘स्यात्’ પદની મુદ્રાવાળો છે અને લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર છે. પરમાગમને શબ્દબ્રહ્મ કહ્યાં તેનું કારણઃ અર્હંતના પરમાગમમાં સામાન્ય ધર્મો-વચનગોચર સર્વ ધર્મોનાં નામ આવે છે. અસ્તિત્વ, વસ્તુત્વ, જ્ઞાન, દર્શન, આનંદ ઈત્યાદિ ધર્મોનાં નામ આવે છે. અને વચનથી અગોચર જે કોઈ વિશેષધર્મો છે તેમનું અનુમાન કરાવવામાં આવે છે. એ રીતે તે સર્વ વસ્તુઓના સ્વરૂપના પ્રકાશક છે માટે સર્વવ્યાપી કહેવામાં આવે છે, અને તેથી ભગવાનનાં પરમાગમને શબ્દબ્રહ્મ કહેવામાં આવે છે.

સ્યાત્ પદની મુદ્રાવાળો શબ્દબ્રહ્મ છે. સ્યાત્ એટલે કથંચિત્-એટલે કે કોઈ અપેક્ષાથી કહેવું તે. ભગવાનની વાણી અનેકાંત વસ્તુનું કોઈ અપેક્ષાથી કથન કરે છે. તેને સ્યાત્-પદની મુદ્રા કહેવાય છે. ભગવાન સર્વને જાણે માટે તે સર્વવ્યાપી કહેવાય છે. અને વાણી સર્વ તત્ત્વને કહેનારી છે તેથી તેને શબ્દબ્રહ્મ કહેવામાં આવે છે. આચાર્ય કહે છે મને જે નિજવૈભવ પ્રગટ થયો એમાં આ શબ્દબ્રહ્મરૂપી પરમાગમ નિમિત્ત છે. એટલે કે અજ્ઞાની અન્યવાદીઓની વાણી એમાં નિમિત્ત હોઈ શકે નહી.

વળી તે નિજવૈભવ કેવો છે? સમસ્ત જે વિપક્ષ-અન્યવાદીઓથી ગ્રહણ કરવામાં આવેલ સર્વથા એકાંતરૂપ નયપક્ષ-તેમના નિરાકરણમાં સમર્થ જે અતિ નિસ્તુષ નિર્બાધ યુક્તિ તેના અવલંબનથી જેનો જન્મ છે.