Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 89 of 4199

 

૮૨ [ સમયસાર પ્રવચન

સર્વથા એકાંતરૂપ જે નયપક્ષ તેના નિરાકરણમાં સમર્થ જે અતિ નિસ્તુષ નિર્બાધ યુક્તિ-એટલે કે ફોતરાં વિનાની માલવાળી જે પુષ્ટ અને સફળ યુક્તિ તેના અવલંબનથી મને નિજવૈભવ પ્રગટ થયો છે. સમ્યક્ યુક્તિ વડે એકાંતપક્ષનું ખંડન કરી તેનું નિરાકરણ કરી નાખ્યું છે. તથા સર્વજ્ઞદેવની વાણીમાં જે વીતરાગમાર્ગ કહ્યો છે તે અમે ગ્રહણ કરી લીધો છે.

કુંદકુંદાચાર્યના સમયથી સો વર્ષ પહેલાં શ્વેતાંબરમત નીકળી ચૂકેલો. દિગંબર સનાતન મતમાંથી જુદા પડી નવો શ્વેતાંબરમત શરૂ કરેલો. હમણાં કેટલાક સમન્વયની વાતો કરે છે, પણ સમન્વય કોની સાથે કરવો? ભાઈ! અમારે કોઈ સાથે વેર-વિરોધ નથી. સૌ ભગવાન આત્મા છે. અમને તો सत्त्वेषु मैत्री છે, પણ પર્યાયમાં જે ભૂલ છે તે બરાબર જાણવી જોઈએ. નિર્બાધ યુક્તિના અવલંબનથી અમે એકાંતવાદી અન્યમતનું નિરાકરણ કરી નાખ્યું છે. એટલે કે એકાંતવાદ તે સત્યમાર્ગ નથી, કલ્પિત છે એમ નક્કી કરી અમે યથાર્થ અનેકાંતરૂપ વીતરાગમાર્ગને ધારણ કર્યો છે. આ રીતે અમને નિજવૈભવ પ્રગટ થયો છે.

વળી તે કેવો છે? નિર્મળ વિજ્ઞાનઘન જે આત્મા તેમાં અંતર્નિમગ્ન પરમગુરુ સર્વજ્ઞદેવ અને અપરગુરુ-ગણધરાદિકથી માંડી અમારા ગુરુ પર્યંત, -તેમનાથી પ્રસાદરૂપે અપાયેલ જે શુદ્ધાત્મતત્ત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ તથા પૂર્વાચાર્યો અનુસાર જે ઉપદેશ, તેનાથી જેનો જન્મ છે.

સર્વજ્ઞદેવ વિજ્ઞાનઘન ધ્રુવ જે આત્મા તેમાં અંતર્નિમગ્ન છે. ભગવાન ગણધરદેવ તથા અમારા ગુરુ પણ પોતાના વિજ્ઞાનઘન ધ્રુવ આત્મામાં અંતર્નિમગ્ન હતા. ચૈતન્યપ્રકાશના નૂરનું પૂર એવો જે ભગવાન આત્મા તેમાં અંતર્નિમગ્ન એવા દેવ અને ગુરુએ પ્રસાદરૂપે શુદ્ધાત્મતત્ત્વનો અનુગ્રહપૂર્વક જે ઉપદેશ આપ્યો એનાથી આ અમારા નિજવૈભવનો જન્મ થયો છે.

અહાહા...! શું ટીકા છે! સર્વજ્ઞથી માંડી અમારા ગુરુ પર્યંત સઘળા શુદ્ધ વિજ્ઞાનઘનસ્વરૂપ આત્મામાં અંતર્નિમગ્ન એટલે વિશેષ નિમગ્ન હતા. અમને એનું જ્ઞાન થયું છે, અને એનું ભાન વર્તે છે. બીજાને સમ્યગ્દર્શન થાય તેની ખબર ન પડે એમ કોઈ કહે છે એ વાત બરાબર નથી. વિજ્ઞાનઘન આત્મામાં અમારા ગુરુ અંતર્નિમગ્ન હતા એમ કુંદકુંદાચાર્યદેવ અહીં જગત સમક્ષ જાહેર કરે છે. કહે છે. અમને યથાર્થ નિમિત્તનું બરાબર જ્ઞાન થયું છે. તે આત્મજ્ઞાની ગુરુના પ્રસાદરૂપ ઉપદેશના નિમિત્તે અમારા નિજવૈભવનો જન્મ થયો છે.