ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ ભરતક્ષેત્રમાં બે હજાર વર્ષ પૂર્વ થઈ ગયા. તેઓ સદેહે મહાવિદેહમાં સીમંધર ભગવાનના સમોસરણમાં ગયા હતા. મહાવિદેહમાં સીમંધરનાથ અરિહંતપદે વિરાજે છે. તેમનો પાંચસો ધનુષ્યનો દેહ અને ક્રોડપૂર્વનું આયુષ્ય છે. ત્યાં ભગવાનની વાણી હંમેશા છૂટે છે. ત્યાં સં. ૪૯માં કુંદકુંદાચાર્ય સાક્ષાત્ ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા. ત્યાં ભગવાનની વાણી સાંભળીને ભરતમાં પધાર્યા. અહીં આવીને આ શાસ્ત્રો બનાવ્યાં. તેમાં સમયસારની રચના કરતાં તેઓ કહે છે કે હું એકત્વવિભક્ત આત્મા બતાવીશ. પરથી પૃથક્ અને સ્વથી એકત્વ એવો ભગવાન આત્મા મારા નિજવૈભવથી બતાવીશ.
અંદર આત્મા સત્ ચિદાનંદ પ્રભુ સિદ્ધ સમાન બિરાજે છે. સમયસાર નાટકમાં આવે છેઃ-
આત્મા ચૈતન્યરૂપ આનંદઘન છે. આત્મા શરીર, મન, વાણીથી તો ભિન્ન છે, પણ પર્યાયમાં દયા, દાન, ભક્તિ આદિના વિકલ્પ ઊઠે છે એનાથી પણ ભિન્ન છે અને પોતાના સ્વભાવથી અભિન્ન છે. એવા આત્મામાં અંતર્નિમગ્ન થતાં જે અનુભવ પ્રગટ થાય તે સમ્યગ્દર્શનાદિ ધર્મ છે. આચાર્યદેવ કહે છે કે પરથી ભિન્ન આત્માનો મને અનુભવ થયો છે. આનંદનો મને સ્વાદ આવ્યો છે. આત્મા અનાકુળ શાંત આનંદરસનો પિંડ તેમાં નિમગ્ન થતાં મને અતીન્દ્રિય આનંદનું સંવેદન થયું છે. આવા મારા નિજવૈભવથી હું એકત્વવિભક્ત આત્મા બતાવું છું. તે તું રાગથી પૃથક્ થઈ પોતાના આનંદઘનસ્વરૂપનો અનુભવ કરીને પ્રમાણ કરજે. તો ધર્મ થશે. સમજાણું કાંઈ?
અરે! અનંતકાળથી ચોરાસીના અવતાર કરતાં કરતાં નવમી ગ્રૈવેયકના ભવ પણ અનંત કર્યા. અનંતવાર નગ્ન દિગંબર મુનિ થયો. બાર બાર મહિનાના ઉપવાસ આદિ ક્રિયાકાંડ કરીને નવમી ગ્રૈવેયક ગયો. પરંતુ અંતર અનુભવપૂર્વક વસ્તુતત્ત્વને પ્રમાણ કર્યું નહીં. રાગની ક્રિયાથી મારી ચીજ ભિન્ન છે એવું ભાન કર્યું નહીં. તેથી આનંદનો સ્વાદ આવ્યો નહીં. ભવચક્ર ઊભું જ રહ્યું.
સવારમાં પ્રશ્ન ઊઠયો હતો કેે બારમા ગુણસ્થાન સુધી અશુદ્ધનય છે. તો અશુદ્ધનયના સ્થાનમાં શુદ્ધોપયોગરૂપ ધર્મ ક્યાંથી આવ્યો? શુદ્ધનયની પૂર્ણતા કેવળજ્ઞાન થતાં થાય છે. આ સંબંધમાં શ્રી પ્રવચનસારમાંની ગાથા ૧૮ ની જયસેન આચાર્યની ટીકામાં ત્રણ બોલથી ખુલાસો આવે છે.