૧. ‘शुद्धात्म अवलंबनत्वात्।’ ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ જે ધ્રુવ તેના અવલંબનથી શુદ્ધોપયોગરૂપ ધર્મ પર્યાયમાં પ્રગટ થાય છે.
૨. ‘शुद्ध ध्येयत्वात्’ અશુદ્ધનય ભલે બારમા ગુણસ્થાન સુધી હો, પૂર્ણ શુદ્ધતા ભલે હજી ન હો, પણ જ્યાં પૂર્ણાનંદ શુદ્ધને ધ્યેય બનાવી પર્યાય પ્રગટી ત્યાં શુદ્ધોપયોગરૂપ ધર્મ હોય છે.
૩. ‘शुद्ध साधकत्वात्।’ શુદ્ધ ઉપયોગ જે ત્રિકાળ છે- તેને સાધન કરતાં પર્યાયમાં શુદ્ધોપયોગરૂપ ધર્મ પ્રગટ થાય છે. બારમા ગુણસ્થાનથી નીચે અશુદ્ધનયનું સ્થાન છે તોપણ શુદ્ધ નું આલંબન, શુદ્ધનું ધ્યેય, અને શુદ્ધનું સાધકપણું હોવાથી શુદ્ધોપયોગરૂપ વીતરાગી પર્યાય પ્રગટ થાય છે-અર્થાત્ ત્યાં હોય છે. સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્ર એ વીતરાગી પર્યાય છે અને એ જ ધર્મ છે. વીતરાગી પર્યાયનું નામ જૈનધર્મ છે ધર્મ કોઈ વાડો કે સંપ્રદાય નથી. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. અરે! અનંતકાળમાં સમ્યગ્દર્શન અને એનું ધ્યેય શું તે લક્ષમાં લીધું નથી.
આચાર્ય દેવ કહે છે શુદ્ધ ચૈતન્યઘન આ માને દ્રષ્ટિમાં લઈ તેને ધ્યેય અને સાધન બનાવતાં અમને શુદ્ધોપયોગરૂપ ધર્મ થયો છે. પર્યાયમાં નિરાકુળ શાંતિ અને આનંદ જે પ્રગટયાં છે તે અમારો નિજવૈભવ છે. એવા મારા નિજવૈભવથી હું આત્મા બતાવું છું તે તું અનુભવ કરીને પ્રમાણ કરજે.
વળી તે કેવો છે? તો કહે છે-નિરંતર-ઝરતો- આસ્વાદમાં આવતો, સુંદર જે આનંદ તેની છાપવાળું જે પ્રચુરસંવેદનસ્વરૂપ સ્વસંવેદન, તેનાથી જેનો જન્મ છે. આચાર્ય કહે છે-અહા! આત્મા અનાકુળ આનંદરસથી ભરેલો છે. તેમાં એકાગ્ર થતાં સુંદર આનંદનો સ્વાદ આવે છે. જેમ ડુંગરમાંથી પાણી ઝરે તેમ આત્મામાં એકાગ્ર થતાં અતીન્દ્રિય આનંદ ઝરે છે. આબાલ-ગોપાળ સર્વમાં અંદર પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા બિરાજે છે. તેની દ્રષ્ટિ કરતાં પર્યાયમાં આનંદ ઝરે છે. તેનું નામ ધર્મ છે.
અજ્ઞાની જીવો મોસંબી વગેરેનો સ્વાદ લઈએ છીએ એમ કહે છે ને? એ સ્વાદ તો જડ છે. જડનો સ્વાદ તો આત્મામાં આવતો જ નથી, પણ તેના ઉપર લક્ષ કરીને રાગનો સ્વાદ લે છે. એ અધર્મનો સ્વાદ છે. અજ્ઞાની શબ્દ, રસ, ગંધ, વર્ણ, સ્પર્શનું લક્ષ કરીને વિષયને હું ભોગવું છું એમ માને છે, પણ એ પરને ભોગવતો જ નથી. તે કાળે રાગને ઉત્પન્ન કરે છે અને રાગને ભોગવે છે. વિષયોનો આનંદ તો રાગરૂપ છે અને રાગનો અનુભવ તે ઝેરનો અનુભવ છે કુંદકુંદાચાર્ય મોક્ષ અધિકારમાં (ગાથા ૩૦૬)