૧૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ છે. એમાં વ્યવહારનું નિમિત્ત હોવા છતાં, જ્ઞેયજ્ઞાયકસંબંધનો વ્યવહાર હોવા છતાં તે રાગ જ્ઞાતાનું વ્યાપ્ય નથી. વ્યવહાર જ્ઞેય છે અને આત્મા જ્ઞાયક છે આટલો સંબંધ વ્યવહારમાત્ર હોવા છતાં તે રાગ આત્માનું કાર્ય-કર્મ નથી.
જુઓ! સામે હીરા હોય તો હીરાનું જ્ઞાન થાય, કોલસા હોય તો કોલસાનું જ્ઞાન થાય, રાગ હોય તો રાગનું જ્ઞાન થાય અને દ્વેષ હોય તો દ્વેષનું જ્ઞાન થાય. પણ આ બધું છે માટે અહીં તેનું જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન થયું તેમાં એ બધું નિમિત્ત છે, પણ એનાથી જ્ઞાન થયું એમ છે જ નહિ. આવી સત્ય વાત સાંભળવા મળે નહિ તે અરેરે! સત્યપંથે કે દિ’ જાય? જુઓને, કેટલી વાત કરી છે! આ સામે સમયસાર છે એનું જે જ્ઞાન થયું તે જ્ઞાન પોતાથી થયું છે. તે જ્ઞાનમાં સમયસાર નિમિત્ત છે છતાં તે (સમયસાર શાસ્ત્ર) આત્માનું વ્યાપ્ય કર્મ નથી. ભાઈ! વસ્તુની સ્થિતિ જ આવી છે.
પ્રશ્નઃ– આપ સમયસાર કેમ વાંચો છો? પદ્મપુરાણ કેમ નહિ? આટલો નિમિત્તનો ફેર છે કે નહિ?
ઉત્તરઃ– અરે ભગવાન! એમ વાત નથી. સમયસારના શબ્દો અને તેના વાંચનનો વિકલ્પ તે આત્મા વડે સ્વતંત્રપણે થતા જ્ઞાનમાં નિમિત્ત છે, પણ નિમિત્ત છે માટે અહીં એનું જ્ઞાન થયું છે એમ નથી. આત્માનું ભાન થતાં જે સ્વપરપ્રકાશક જ્ઞાનના પરિણામ થયા તેનો આત્મા પોતે સ્વતંત્ર વ્યાપક થઈને કર્તા છે. ભાઈ! ભાવ તો સૂક્ષ્મ છે, પણ ભાષા સાદી છે; સમજે તો સમજાય એમ છે, પ્રભુ!
જેને સ્વભાવની દ્રષ્ટિ થઈ છે તે જ્ઞાનીને હેયબુદ્ધિએ (સ્વાધ્યાય આદિ) વ્યવહારના જે વિકલ્પ ઊઠે તે વિકલ્પ તેના જ્ઞાનનું જ્ઞેય છે અને આત્મા જ્ઞાયક છે. આવો જ્ઞેય-જ્ઞાયકનો સંબંધ વ્યવહારમાત્ર હોવા છતાં તે (સ્વાધ્યાય આદિ) પરજ્ઞેય આત્માનું વ્યાપ્ય નથી, અર્થાત્ તે જ્ઞાનીનું કાર્ય નથી. તેને પ્રગટ થયેલું સ્વપરપ્રકાશક જ્ઞાન જ જ્ઞાતાનું વ્યાપ્ય કર્મ છે.
આત્મા પોતાના સ્વભાવની દ્રષ્ટિરૂપે પરિણમતાં તેની જ્ઞાનની પર્યાયમાં વ્યવહારનો વિકલ્પ નિમિત્ત હોવા છતાં જ્ઞાનનું પરિણમન તે નિમિત્તથી થયું નથી, પણ જ્ઞાતાથી જ સ્વતંત્રપણે થયેલું છે. તથા તે નિમિત્ત જ્ઞાતાનું વ્યાપ્ય કર્મ નથી પણ જ્ઞાન જ જ્ઞાતાનું વ્યાપ્ય કર્મ છે. પોતાના સ્વભાવના શુદ્ધ ઉપાદાનથી તે જ્ઞાનનું કાર્ય થયું છે.
પ્રશ્નઃ– નિમિત્ત અને ઉપાદાન એમ કાર્ય પ્રતિ બે કારણ હોય છે ને?
ઉત્તરઃ– નિમિત્ત અને ઉપાદાન એમ બે કારણોથી કાર્ય થાય એ વાતનો અહીં નિષેધ છે. બે કારણ કહ્યાં છે એ તો કથનમાત્ર છે. કાર્યના કાળે નિમિત્ત કોણ છે એમ બીજી ચીજની ઉપસ્થિતિનું જ્ઞાન કરાવવા ત્યાં બે કારણ કહ્યાં છે. વાસ્તવિક કારણ તો એક ઉપાદાન જ છે.