સમયસાર ગાથા ૭પ ] [ ૧૦૯
જુઓ! નિમિત્ત મેળવી શકાતું નથી એક વાત; નિમિત્ત હોય છે તે કાર્યને નીપજાવતું નથી બીજી વાત; નિમિત્તનું તે કાળે જે જ્ઞાન થાય છે તે જ્ઞાનમાં તે નિમિત્ત હોવા છતાં નિમિત્ત તે આત્માનું કાર્ય નથી અને જે જ્ઞાન થયું તે નિમિત્તનું કાર્ય નથી. અહો! આવું વસ્તુતત્ત્વ બતાવીને આચાર્ય અમૃતચંદ્રદેવે એકલાં અમૃત રેડયાં છે! આચાર્ય અમૃતચંદ્રદેવ છેલ્લે એમ કહે છે કે આ શાસ્ત્ર (ટીકા) અમે બનાવ્યું છે એમ નથી. ટીકા કરવાનો જે રાગ થયો તે અમારું કાર્ય નથી. રાગનું જે જ્ઞાન થયું તે જ્ઞાન રાગનું કાર્ય નથી. રાગ સંબંધી જે જ્ઞાન થયું તે જ્ઞાન જ્ઞાયક આત્માનું કાર્ય છે. તેમાં રાગ નિમિત્ત હો, પણ તે નિમિત્ત રાગ જ્ઞાતાનું વ્યાપ્ય નથી. ભગવાન આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપી વસ્તુ છે. તે પોતે પોતાના સામર્થ્યથી પોતાને કારણે પોતાનું (સ્વનું અને રાગનું પરનું) જ્ઞાન કરે છે; નિમિત્તના કારણે જ્ઞાન કરે છે એમ છે જ નહિ. પ્રશ્નઃ– આ સામે લાકડું છે તો લાકડાનું જ્ઞાન થાય છે ને? ઉત્તરઃ– ના, એમ નથી. જ્ઞાન સ્વતંત્ર તે કાળે પોતાથી થયું છે. આત્મા સ્વપરપ્રકાશક જ્ઞાનપણે સ્વતંત્ર પરિણમે છે. તે જ્ઞાન આત્માનું કાર્ય છે. અન્ય નિમિત્ત હો ભલે, પણ તે નિમિત્ત આત્માનું કાર્ય નથી. જ્ઞાન જ આત્માનું કાર્ય છે; વ્યવહાર-રત્નત્રયનો રાગ આત્માનું વ્યાપ્ય કર્મ નથી. આવો વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે.
હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘व्याप्यव्यापकता तदात्मनि भवेत्’ વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય, ‘अतदात्मनि अपि न एव’ અતત્સ્વરૂપમાં ન જ હોય, અને ‘व्याप्यव्यापकभावसंभवम् ऋते’ વ્યાપ્યવ્યાપકભાવના સંભવ વિના ‘कर्तृकर्मस्थितिः का’ કર્તાકર્મની સ્થિતિ કેવી? અર્થાત્ કર્તાકર્મની સ્થિતિ ન જ હોય. જુઓ! વસ્તુના સ્વભાવમાં સ્વભાવ તે ત્રિકાળ વ્યાપક છે અને એની પર્યાય તે વ્યાપ્ય છે. આવું વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય છે, અતત્સ્વરૂપમાં નહિ. રાગ અને શરીરાદિ પર વસ્તુ તે તત્સ્વરૂપ નથી. અહાહા...! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘનવસ્તુ પ્રભુ જ્ઞાનનો પિંડ છે. એનો વ્યાપ્યવ્યાપકભાવ તત્સ્વરૂપમાં જ હોય છે એમ અહીં કહે છે. એટલે પોતે વ્યાપક અને એની નિર્મળ નિર્વિકારી દશા એ એનું વ્યાપ્ય છે, પણ પોતે વ્યાપક અને રાગાદિ પરવસ્તુ એનું વ્યાપ્ય એમ છે જ નહિ; કેમકે અતત્સ્વરૂપમાં આત્માનું વ્યાપ્યવ્યાપકપણું સંભવિત જ નથી. ભાઈ! આ તો સર્વજ્ઞ પરમાત્મા અરિહંતદેવની કહેલી મૂળ વાત છે. વ્યાપક એટલે કર્તા અને વ્યાપ્ય એટલે કર્મ-કાર્ય તત્સ્વરૂપમાં જ હોય છે. ખરેખર તો આત્મા વ્યાપક અને નિર્મળ પર્યાય એનું વ્યાપ્ય-એ પણ ઉપચાર છે. કળશટીકામાં આ કળશના અર્થમાં નીચે પ્રમાણે કહ્યું છે-