૧૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
“વ્યાપક અર્થાત્ દ્રવ્ય-પરિણામી પોતાના પરિણામનો કર્તા હોય છે; વ્યાપ્ય અર્થાત્ તે પરિણામ દ્રવ્યે કર્યા. જેમાં (એક સત્ત્વમાં) આવો ભેદ કરવામાં આવે તો થાય છે, ન કરવામાં આવે તો નથી થતો. જીવસત્ત્વથી પુદ્ગલદ્રવ્યનું સત્ત્વ ભિન્ન છે, નિશ્ચયથી વ્યાપ્યવ્યાપકતા નથી. ભાવાર્થ એમ છે કે જેમ ઉપચારમાત્રથી દ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે, તે જ પરિણામ દ્રવ્યથી કરાયેલો છે તેમ અન્યદ્રવ્યનો કર્તા અન્યદ્રવ્ય ઉપચારમાત્રથી પણ નથી, કારણ કે એક સત્ત્વ નથી, ભિન્ન સત્ત્વ છે.”
જ્ઞાતા એવો આત્મા પોતાના સ્વપરપ્રકાશક પરિણામનો કર્તા અને એ પરિણામ એનું કર્મ-એ ઉપચારમાત્રથી છે. “નિશ્ચયથી તો પર્યાય પર્યાયથી (પોતાથી) થઈ છે. દ્રવ્યથી પર્યાય થઈ છે એમ કહ્યું એ તો ભેદથી ઉપચાર કર્યો છે. નિશ્ચયથી તો નિર્વિકારી નિર્મળ પરિણામ સ્વયંસિદ્ધ થયા છે.” ત્યાં આત્મા તે નિર્મળ પરિણામનો કર્તા અને તે નિર્મળ પરિણામ આત્માનું કર્મ એ ઉપચારમાત્રથી છે. તથા રાગની અને જડની ક્રિયાનો કર્તા આત્મા છે એ તો ઉપચારમાત્રથી પણ નથી. અહા! આવી વાત બીજે કયાંય નથી. નિર્મળ પરિણામ તે વ્યાપ્ય અને દ્રવ્ય આત્મા વ્યાપક એ ઉપચારથી છે, પરમાર્થ નથી. અને શરીરનો, રાગનો, વ્યવહારનો કર્તા આત્મા છે એ તો ઉપચારમાત્રથી પણ નથી.
વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય છે. એટલે કે કર્તા અને કર્મ અભિન્ન હોય છે. આત્મા વસ્તુ શુદ્ધ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક દ્રવ્ય તે વ્યાપક અને સમ્યગ્દર્શન આદિ નિર્મળ પરિણામ તે એનું વ્યાપ્ય એટલે કર્મ છે. પરંતુ આત્મા કર્તા અને એનાથી ભિન્ન પુણ્ય-પાપના ભાવ એનું વ્યાપ્ય કર્મ છે એમ કદી હોઈ શકે નહિ; કેમકે પુણ્ય-પાપ આદિ ભાવ અતત્સ્વરૂપ છે. પુણ્ય- પાપના ભાવ વિભાવસ્વરૂપ છે અને તે ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકસ્વભાવની અપેક્ષાએ અતત્સ્વરૂપ છે. અહાહા...! ભાઈ, જેને વ્યવહાર સાધન કહ્યું છે એવા વ્યવહારરત્નત્રયના ભાવ અતત્સ્વરૂપ છે. તેને સાધન કહ્યું એ તો જ્ઞાન કરવા માટે ઉપચારમાત્ર કથન છે. ખરેખર તે સાધન છે જ નહિ. ઝીણી વાત, ભાઈ!
આત્મા ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકસ્વભાવી ધ્રુવ વસ્તુ છે. તેનું વ્યાપ્યવ્યાપકપણું પોતાના નિર્મળ સ્વભાવમાં (અભિન્ન) છે. શુદ્ધ જ્ઞાયકના લક્ષે જે નિર્મળ વીતરાગી પર્યાય ઉત્પન્ન થાય તે એનું વ્યાપ્ય અને પોતે વ્યાપક થઈને તે નિર્મળ વ્યાપ્ય કર્મને કરે છે. પરંતુ પુણ્ય-પાપ આદિ જે વિભાવભાવ થાય છે તેનાં ક્ષેત્ર અને ભાવ ભિન્ન હોવાથી નિશ્ચયથી તે અતત્સ્વરૂપ છે. તેથી આત્માને રાગાદિથી વ્યાપ્યવ્યાપકપણું નથી. ઘણી ગંભીર વાત!
તથા વ્યાપ્યવ્યાપકભાવના સંભવ વિના કર્તાકર્મની સ્થિતિ કેવી? વ્યાપ્યવ્યાપકભાવના અભાવે રાગનો કર્તા આત્મા અને રાગ આત્માનું કર્મ એ સ્થિતિ કેવી? જુઓ! આ ધર્મ કેવી રીતે થાય તે કહે છે. નિર્મળ જ્ઞાનસ્વભાવી ચિન્માત્ર વસ્તુ જે આત્મા તેની જેને દ્રષ્ટિ થઈ અને જે અતત્સ્વરૂપ એવા રાગથી-વ્યવહારના વિકલ્પથી ભિન્ન પડયો તે