સમયસાર ગાથા ૭પ ] [ ૧૧૩
અહાહા-! સમયસારની એકેક ગાથા અને એકેક કળશ અલૌકિક છે. આત્માનું હિત કેમ થાય એની અહીં વાત છે. બહુ શાસ્ત્રો ભણ્યો હોય અને વ્યાખ્યાન સારું કરે એટલે થઈ ગયો મોટો પંડિત જ્ઞાની એ વાત અહીં નથી. તથા ઘણો બધો બાહ્ય વ્યવહાર પાળે માટે જ્ઞાની છે એમ પણ નથી. દેવ-ગુરુ-શાસ્ત્રની (ભેદરૂપ) શ્રદ્ધા અને ભક્તિ એ તો બધો રાગ છે. ભાઈ! બહારની ધમાધમ એ માર્ગ નથી. અહીં કહે છે કે ભગવાન આત્મા તત્સ્વભાવ જે જ્ઞાયકભાવ તે કર્તા અને તેની નિર્મળ પર્યાય તે એનું કાર્ય છે, પરંતુ અતત્સ્વભાવ જે વિભાવ તેનો આત્મા કર્તા નહિ અને તે વિભાવ આત્માનું કર્મ નહિ. આ પ્રમાણે અંતરંગમાં દ્રષ્ટિ થઈ એને પ્રબળ વિવેકરૂપ (ભેદજ્ઞાનરૂપ) સમ્યગ્જ્ઞાનનો સૂર્ય ઉગ્યો એમ અહીં કહે છે.
આવો પ્રબળ વિવેકરૂપ સમ્યગ્જ્ઞાનનો જે સૂર્ય પ્રગટ થયો તેનો સૌને ગ્રાસીભૂત કરવાનો સ્વભાવ છે. એટલે કે તે સ્વને જાણે અને જે રાગ હોય તેને પણ જાણે એવો તેનો સ્વભાવ છે. જાણવામાં બધું કોળિયો કરી જાય એવી પ્રગટ થયેલા જ્ઞાનપ્રકાશની શક્તિ છે. જુઓ! રાગને કરે એ તો છે જ નહિ, પણ રાગ છે માટે તેને (રાગને) જાણે એમ પણ નથી. જ્ઞાનનો એ સહજ સ્વભાવ છે કે તે જાણવામાં રાગ આદિ સર્વને કોળિયો કરી દે. જે કાળે જે જાતનો રાગ અને જે જાતની દેહની સ્થિતિ પોતાના કારણે થાય તે કાળે તે સર્વને અડયા વિના ગ્રાસીભૂત કરવાનો-જાણી લેવાનો જ્ઞાનનો સ્વભાવ છે.
વ્યવહારના રાગને જ્ઞાન જાણી લે છે; ત્યાં જાણવું જે થયું તે આત્માનું નિજ કાર્ય છે પણ જે રાગ છે એ આત્માનું કાર્ય નથી. રાગ મારું કાર્ય અને રાગનો હું કર્તા એવી માન્યતા તો અજ્ઞાન છે. એ અજ્ઞાનને ભેદતો તત્સ્વરૂપે-જ્ઞાનસ્વરૂપે પોતે પરિણમતો અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે. ભાઈ! આ વ્યવહારરત્નત્રયનો શુભરાગ તે મારું કાર્ય અને હું તેનો કર્તા અથવા વ્યવહાર રત્નત્રયનો શુભરાગ તે કર્તા અને જે જ્ઞાન અવસ્થા પ્રગટ થઈ તે એનું કાર્ય એવો અભિપ્રાય તે અજ્ઞાન છે. આ અજ્ઞાન-અંધકારને ભેદતો ભગવાન આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ થઈને તે કાળે કર્તૃત્વરહિત થયેલો શોભે છે.
કહ્યું ને કે જે કાળે રાગ છે તે કાળે રાગને જાણતું ત્યાં જ્ઞાન છે. તે જ્ઞાન કર્તૃત્વરહિત થઈને શોભે છે. એટલે રાગ મારું કાર્ય અને હું તેનો કર્તા એવી અજ્ઞાનદશાને ભેદતો પોતે કર્તૃત્વરહિત થઈને એટલે કે જ્ઞાતા થઈને શોભે છે. જુઓ, રાગના કર્તૃત્વથી આત્મા શોભતો નથી. પુણ્યના પરિણામ કરવાથી આત્માની શોભા નથી. એથી પોતાની શોભા માનવી એ તો મિથ્યાત્વ છે. ભાઈ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે. અહીં તો, આ શાસ્ત્રમાં જે છે, તેનું સ્પષ્ટીકરણ થાય છે. માણસને પોતાની માનેલી વાતનાં પકડ અને અભિમાન હોય તેથી આવી સત્ય વાતને ગ્રહણ કરવી કઠણ લાગે, પણ ભાઈ! આ સમજ્યે જ છૂટકો છે.