૧૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ ભાષાનું વ્યાપ્યવ્યાપકપણું જડમાં છે. આત્મા વ્યાપક થઈને અતત્ભાવરૂપ એવી ભાષાના પરિણમનને કરે એમ હોઈ શકે જ નહિ. ભાઈ! આ પંડિતાઈનો વિષય નથી. આ તો અંતર સ્વરૂપદ્રષ્ટિનો વિષય છે. જેને જન્મ-મરણના દુઃખથી છૂટવું હોય તેને અહીં કહે છે કે એ દુઃખના પરિણામ પણ આત્માનું વ્યાપ્ય નથી. ભાઈ! એ તો અતીન્દ્રિય આનંદનો નાથ નિત્યાનંદસ્વરૂપ પ્રભુ છે ને! તે વ્યાપક થઈને, પ્રસરીને, કર્તા થઈને પવિત્ર આનંદની પર્યાયનું કાર્ય કરે. એને દુઃખની પર્યાય તો અતદ્ભાવરૂપ છે. એ દુઃખની પર્યાય તેનું વ્યાપ્ય કેમ હોય?
આત્મા શુદ્ધ ચૈતન્ય જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. તે વ્યાપક થઈને પ્રસરીને ખીલે તો નિર્મળ વીતરાગી આનંદની પર્યાયરૂપે ખીલે એવો તેનો સ્વભાવ છે. જુઓ! કાગળનો પંખો ખીલે-પ્રસરે તો કાગળપણે ખીલે પણ શું તે લોઢાપણે ખીલે ખરો? (ના, કદાપિ નહીં). તેમ જ્ઞાયકસ્વરૂપી ભગવાન ખીલે-પ્રસરે તો નિર્મળ જ્ઞાનસ્વભાવે ખીલે પણ શું તે રાગ અને દુઃખપણે ખીલે? (ના). ભાઈ! રાગપણે જે ખીલે-પ્રસરે તે આત્મા નહિ. અહા! ભગવાન આત્માનું વ્યાપ્ય તો વીતરાગી પર્યાય છે. ચતુર્થ આદિ ગુણસ્થાનમાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રયની પર્યાય પ્રગટે તે આત્માનું વ્યાપ્ય છે.
પ્રશ્નઃ– ચતુર્થ આદિ ગુણસ્થાનમાં રાગ તો હોય છે?
ઉત્તરઃ– હા, ચતુર્થ આદિ ગુણસ્થાનમાં વ્રત, પૂજા, ભક્તિ, દયા, દાન ઇત્યાદિના શુભભાવ હોય છે. પણ તે શુભભાવ તે આત્માનું વ્યાપ્ય કર્મ નથી. જે વિભાવ હોય છે તેને તે કાળે તે જાણતો પ્રવર્તે છે. સ્વપરને જાણનારી એની જે જ્ઞાનની પર્યાય તે એનું વ્યાપ્ય કર્મ છે. જ્ઞાન રાગને જાણે તેથી રાગ આત્માનું વ્યાપ્ય થઈ જાય એમ છે જ નહિ. ભાઈ! આ તો કર્તૃત્વના અભિમાનના ભુક્કા બોલાવી દે એવી વાત છે. તેને અંતરમાં બેસાડ ને! વ્યવહારથી નિશ્ચય થાય એવી તારી માન્યતા મિથ્યા એકાંત છે, કેમકે કર્તાકર્મપણું તત્સ્વભાવમાં જ હોય છે. અહાહા...! વીતરાગી પર્યાય તે કાર્ય અને વીતરાગી સ્વભાવ તે એનું કારણ છે એમ અહીં કહ્યું છે; પણ રાગ કારણ અને વીતરાગતા એનું કાર્ય એમ છે જ નહિ. શાસ્ત્રોમાં જે વ્યવહાર સાધનની વાત આવે છે એ તો નિમિત્ત દેખીને તેનું જ્ઞાન કરાવવા વ્યવહારથી કહેવામાં આવેલું છે. જ્યાં જે અપેક્ષાથી કથન હોય તેનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ.
હવે કહે છે- ‘इति उद्दाम–विवेक–घस्मर–महोभारेण’ આવો પ્રબળ વિવેકરૂપ, અને સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જે જ્ઞાનપ્રકાશ તેના ભારથી ‘तमः भिन्दन्’ અજ્ઞાન-અંધકારને ભેદતો, ‘स एषः पुमान्’ આ આત્મા ‘ज्ञानीभूय’ જ્ઞાનસ્વરૂપ થઈને, ‘तदा’ તે કાળે ‘कर्तृत्वशून्यः लसितः’ કર્તૃત્વરહિત થયેલો શોભે છે.