૧૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ ભિન્ન ચીજ છે. પરંતુ જ્ઞાયકસ્વભાવી આત્મા અને તેની નિર્મળ વીતરાગી પરિણતિને વ્યાપ્યવ્યાપકપણું છે કેમકે તે બન્ને અભિન્ન તત્સ્વભાવી છે. દ્રવ્ય વ્યાપક છે અને રાગ એનું વ્યાપ્ય છે એમ નથી; પરંતુ દ્રવ્ય વ્યાપક અને તેની નિર્મળ પરિણતિ એનું વ્યાપ્ય એમ વ્યાપ્યવ્યાપકપણું છે. જુઓ! પંડિત શ્રી જયચંદજીએ કેટલું સ્પષ્ટ કર્યું છે! પહેલાંના પંડિતોએ કેવું સરસ કામ કર્યું છે! કહે છે કે પર્યાયની સત્તા અને દ્રવ્યની સત્તા બે જુદી નથી. જેમ પરદ્રવ્યની સત્તા જુદી છે તેમ દ્રવ્ય અને તેની નિર્મળ પરિણતિની સત્તા જુદી નથી.
આમ તો દ્રવ્યની સત્તા અને પર્યાયની સત્તા બે ભિન્ન છે. એ અંદર-અંદરની (પરસ્પરની) અપેક્ષાએ વાત છે. પણ પરની અપેક્ષાએ તો દ્રવ્ય અને પર્યાયની સત્તા અભિન્ન એક છે. ખરેખર તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્યનાં સત્તા અને ક્ષેત્ર તેની નિર્મળ પર્યાયનાં સત્તા અને ક્ષેત્રથી ભિન્ન છે. પણ એ તો અંદર-અંદર પરસ્પરની દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાએ વાત છે. પરંતુ અહીં તો એમ સિદ્ધ કરવું છે કે પર્યાય અને દ્રવ્યનું ક્ષેત્ર એક છે, કેમકે અભિન્ન સત્તાવાળા પદાર્થમાં વ્યાપ્યવ્યાપકપણું હોય છે. પરની સત્તાથી પોતાના દ્રવ્ય-પર્યાયની સત્તા ભિન્ન છે અને પોતાનાં દ્રવ્ય-પર્યાય બેની સત્તા અભિન્ન છે એમ અહીં સિદ્ધ કરવું છે.
સત્તા ભિન્ન હોય એવા પદાર્થમાં વ્યાપ્યવ્યાપકપણું ન જ હોય. રાગાદિ વિભાવ ભિન્ન સત્તાવાળો પદાર્થ છે. તેની સાથે આત્માને વ્યાપ્યવ્યાપકપણું નથી. વસ્તુ ભિન્ન છે માટે ક્ષેત્ર ભિન્ન છે. તેથી વ્યાપ્યવ્યાપકપણું નથી અને માટે આત્મા અને રાગાદિ વિભાવને કર્તાકર્મપણું નથી.
જ્યાં વ્યાપ્યવ્યાપકભાવ હોય ત્યાં જ કર્તાકર્મભાવ હોય; વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મભાવ ન હોય. એવું જે જાણે તે પુદ્ગલને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે. કળશટીકામાં ‘જીવસત્ત્વથી પુદ્ગલદ્રવ્યનું સત્ત્વ ભિન્ન છે, નિશ્ચયથી વ્યાપ્યવ્યાપકતા નથી’ એમ કહ્યું છે. પુદ્ગલ અને પુદ્ગલના નિમિત્તથી થતી વિકારી પર્યાય એ બધું પુદ્ગલ છે. આવું જે જાણે તે વિકારને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે. કર્મના પરિણામનો પોતે કર્તા નથી એમ જાણે ત્યાં રાગાદિ વિકારનો પણ પોતે કર્તા નથી એમ જાણે છે. આમ જાણતાં લક્ષ ત્યાંથી છૂટી આત્મા ઉપર લક્ષ જાય છે. પરનું કર્તાપણું છૂટે ત્યાં રાગનું કર્તાપણું પણ છૂટી જાય છે. અહા! ભરતમાં કેવળજ્ઞાનીના વિરહ પડયા પણ ભાગ્યવશ આવી ચીજ (સમયસાર) રહી ગઈ. કોઈ વળી કહે છે કે સમયસાર વાંચો છો અને બીજું શાસ્ત્ર કેમ નહિ? પણ ભાઈ! તત્ત્વજ્ઞાનના વિષયની મુખ્યતા દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં હોય છે. સમ્યગ્દર્શનના વિષયનું દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં નિરૂપણ હોય છે.
અહીં કહે છે કે પુદ્ગલને અને આત્માને કર્તાકર્મભાવથી નથી. આમ જાણતાં તે જ્ઞાની થાય છે. એટલે કે રાગનો જાણનાર થાય છે, કર્તા થતો નથી. તે કર્તાકર્મભાવથી રહિત થાય છે અને જ્ઞાતા-દ્રષ્ટા બની જગતનો સાક્ષીભૂત થાય છે. બધાનો જાણનાર સાક્ષી થાય