સમયસાર ગાથા ૭પ ] [ ૧૧૭ છે. પોતામાં રહીને જાણે બસ! પોતામાં રહીને જાણનાર, પરમાં જઈને પરનો જાણનાર એમ નહિ, પોતે સાક્ષી થાય છે. આવો વીતરાગનો કહેલો વીતરાગ સ્વરૂપ જ માર્ગ છે.
ભાઈ! આ દેહ છૂટી જશે; કોઈ સગાં સંબંધી સાથે રહેશે નહિ. જ્યાંથી દેહ છૂટીને અહીં આવ્યો ત્યાંનાં સગાંવહાલાં સંભાળતાં હોય પણ એથી શું? કોઈ સાથે રહે એમ છે? કોઈ એનું છે? ભાઈ! કોઈ તારું નથી. એક ચૈતન્યસ્વભાવમય જ્ઞાનાનંદસ્વભાવી આત્મા એવો તું તારો છે. આ ગામ, આ મકાન, આ દેહ, આ રાગાદિ વિકલ્પો ઇત્યાદિ મારા છે એમ કહેવાય પણ તેથી શું તે તારા થઈ ગયા? વ્યવહારથી બોલાય એથી શું? ગામ મકાન, દેહ, રાગ આદિ પદાર્થો તારા નથી અને એ તારાં કાર્ય પણ નથી, તું એમનો કર્તા પણ નથી. તું તો નિત્યાનંદસ્વરૂપ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી આત્મા છો અને જ્ઞાતાદ્રષ્ટાનું નિર્મળ પરિણમન એ જ તારું કર્મ-કાર્ય છે. આવું જ વસ્તુસ્વરૂપ છે; તેને યથાર્થ જાણવું તે જ્ઞાનીનું કર્મ છે.