૧૨૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ એમાં તે વ્યાપે છે; વ્યવહારમાં તે વ્યાપતો નથી. પરંતુ વ્યવહારનો રાગ એ જાતનો ત્યાં (સહચર) હોય છે. વળી નિશ્ચયનો આરોપ વ્યવહાર ઉપર કરીને વ્યવહાર સાધક કહેવામાં આવ્યો છે. ખરેખર તો રાગથી ભિન્ન પડતાં પ્રજ્ઞાનો અનુભવ જે થયો તે સાધક છે. સ્વરૂપનો સાધક તો અનુભવ છે. પ્રજ્ઞાછીણી તે સાધન છે એમ મોક્ષ અધિકારમાં કહ્યું છે. જે અનુભવનો વિષય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે અનુભવ-પ્રજ્ઞાછીણી સ્વરૂપનો સાધક છે. ત્યાં શુભરાગને સહચર દેખીને આરોપ આપીને ઉપચારથી સાધક કહ્યો છે. તેને જો યથાર્થ માની લે તો દ્રષ્ટિ વિપરીત છે.
કેટલાક પંચમહાવ્રતને સાધન માને છે, એનાથી નિશ્ચય પ્રગટે છે એમ માને છે, તે મોક્ષનું પરંપરા સાધન છે એમ માને છે. પણ કોને? અને કયાં? જેને એકલા વ્યવહારની ક્રિયા છે એને તો મિથ્યાત્વભાવ છે, મૂઢતાનો ભાવ છે. મિથ્યાત્વમાં પડયો છે એને વ્યવહાર કેવો? ભાઈ! રાગથી ભિન્ન પડીને, આત્મા નિર્મળાનંદસ્વરૂપ પ્રભુ ભગવાન છે એવો જેણે અનુભવ કર્યો છે તેને નિશ્ચય થયો છે અને તેના સહચર રાગને આરોપ કરીને ઉપચારથી પરંપરા સાધન કહ્યું છે. સાધન નથી એને સાધન કહેવું એનું નામ વ્યવહાર છે. ભાઈ! પ્રજ્ઞાછીણી કહો કે સ્વાનુભવ કહો, તે એક જ સાધન છે. આ તો અંતરની વાતો છે. પંડિતાઈના અભિમાનથી દગ્ધ કોઈ સત્યને વીંખી નાખે તોપણ સત્ય તો સત્ય જ રહેશે.
વાસ્તવિક સાધન નિશ્ચય, પ્રગટયા વિના વ્યવહારને સાધનનો આરોપ પણ અપાતો નથી. વ્યવહાર સાધન છે નહિ, તથા નિશ્ચય વિના તેને સાધનનો આરોપ પણ ન અપાય.
અરે! ભગવાનના વિરહ પડયા! સર્વજ્ઞ વીતરાગ હાજર નથી. એટલે ન્યાયમાર્ગને લોકોએ મરડી-મચડી નાખ્યો. પણ એમ ન કર, ભાઈ! તને દુઃખ થશે. સમ્યગ્દર્શન વિના, સ્વાનુભવ વિના રાગને સાધન માનતાં તને દુઃખ થશે, તારું અહિત થશે. ભેંસના આંચળમાં દૂધ હોય છે તેને જેમ બળુકી બાઈ દોહીને બહાર કાઢે છે તેમ, ગાથામાં કુંદકુંદાચાર્યદેવે જે ભાવો ભર્યા છે તેને અમૃતચંદ્રસ્વામીએ ટીકા દ્વારા દોહીને બહાર કાઢયા છે. એ ભાવોને અહીં પ્રવચનમાં કહેવામાં આવે છે. ભાઈ! રાગ તે સાધન નથી તો શરીર ધર્મનું સાધન તો કયાંથી થાય? ન જ થાય, ન જ હોય.
પ્રશ્નઃ– ‘शरीरमाद्यं खलु धर्मसाधनम्’ એમ આવે છે ને?
ઉત્તરઃ– એ તો વ્યવહારનાં કથન છે. તેને યથાર્થ માની લે તે તો ઉપદેશને પણ લાયક નથી. વ્યવહારથી નિશ્ચય પમાય એનો અર્થ શું? ભાઈ! વ્યવહાર છે તે નિશ્ચયને બતાવે છે. પણ વ્યવહારથી નિશ્ચય પ્રાપ્ત થાય છે એમ એનો અર્થ નથી. વ્યવહારના લક્ષે નિશ્ચયમાં જવાય એમ છે જ નહિ. વ્યવહાર નિશ્ચયને બતાવે છે એમ આઠમી ગાથામાં આવ્યું છે. ભેદ અભેદને બતાવે છે, પણ ભેદના લક્ષે અભેદમાં ન જવાય.