स्वपरिणामं जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति चेत्–
णाणी जाणंतो वि हु सगपरिणामं अणेयविहं।। ७७।।
ज्ञानी जानन्नपि खलु स्वकपरिणाममनेकविधम्।। ७७।।
હવે પૂછે છે કે પોતાના પરિણામને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું) છે કે નથી? તેનો ઉત્તર કહે છેઃ-
પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૭.
ગાથાર્થઃ– [ज्ञानी] જ્ઞાની [अनेकविधम्] અનેક પ્રકારના [स्वकपरिणामम्] પોતાના પરિણામને [जानन् अपि] જાણતો હોવા છતાં [खलु] નિશ્ચયથી [परद्रव्यपर्याये] પરદ્રવ્યના પર્યાયમાં [न अपि परिणमति] પરિણમતો નથી, [न गृह्णाति] તેને ગ્રહણ કરતો નથી અને [न उत्पद्यते] તે-રૂપે ઊપજતો નથી.
ટીકાઃ– પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું આત્માના પરિણામસ્વરૂપ જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં આત્મા પોતે અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો, તે-રૂપે પરિણમતો અને તે-રૂપે ઊપજતો થકો, તે આત્મપરિણામને કરે છે; આમ આત્મા વડે કરવામાં આવતું જે આત્મપરિણામ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી અને તે-રૂપે ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની પોતાના પરિણામને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.
ભાવાર્થઃ– ૭૬ મી ગાથામાં કહ્યું હતું તે અનુસાર અહીં પણ જાણવું. ત્યાં ‘પુદ્ગલકર્મને જાણતો જ્ઞાની’ એમ હતું તેને બદલે અહીં ‘પોતાના પરિણામને જાણતો જ્ઞાની’ એમ કહ્યું છે-એટલો ફેર છે.