Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 899 of 4199

 

સમયસાર ગાથા ૭૬ ] [ ૧૨૭ ચૈતન્યમૂર્તિ છે. જો આત્મા શુભાશુભભાવરૂપે થાય તો તે જડ થઈ જાય. પણ તે કદીય જ્ઞાયકભાવથી જડભાવરૂપ થતો નથી. વ્યવહારરત્નત્રયનો ભાવ અચેતન છે. તેને આત્મા ઉપજાવી શકતો નથી. આવી વાત છે.

વ્યવહારરત્નત્રયનો ભાવ જે અચેતન છે તે ચૈતન્યભાવનું સાધન કેમ થાય? ન જ થાય. જે વિરુદ્ધ ભાવ છે તે સાધન ન થાય. નિશ્ચયરત્નત્રયની સાથે એ જાતના વિકલ્પની મર્યાદા વર્તે છે. માટે નિમિત્ત અને સહચર દેખીને તેને આરોપ કરીને સાધન કહ્યો છે. છે તો બંધનું કારણ, છે તો દુઃખરૂપ ભાવ, પણ સહચર દેખીને આરોપથી વ્યવહારરત્નત્રય નામ આપ્યું છે. ચાર મણની ઘઉંની ગુણી હોય ત્યાં બારદાન ભેગું તોળીને ચાર મણ અઢીશેર કહેવાય છે, પણ બારદાન એ કાંઈ માલ નથી. તેમ નિશ્ચયરત્નત્રયની સાથે રાગ હોય તેને વ્યવહારથી રત્નત્રય કહ્યો, પણ એ કાંઈ સાચાં રત્નત્રય નથી. ભાઈ! જેમ છે તેમ યથાર્થ નિર્ણય કરવો પડશે. અહીં કહે છે-‘માટે પુદ્ગલકર્મ જીવનું નિર્વર્ત્ય કર્મ નથી,’ અર્થાત્ રાગ છે તે જીવે ઊપજાવેલું કાર્ય નથી.

હવે કહે છે-‘જીવ પુદ્ગલમાં વિકાર કરીને તેને પુદ્ગલકર્મરૂપે પરિણમાવી શકતો નથી કારણ કે ચેતન જડને કેમ પરિણમાવી શકે? માટે પુદ્ગલકર્મ જીવનું વિકાર્ય કર્મ પણ નથી.’ જે શુભ પરિણામ થયા એ પુદ્ગલનું વિકાર્ય છે, તે જીવનું વિકાર્ય કર્મ નથી.

‘પરમાર્થે જીવ પુદ્ગલને ગ્રહણ કરી શકતો નથી કારણ કે અમૂર્તિક પદાર્થ મૂર્તિકને કઈ રીતે ગ્રહણ કરી શકે? માટે પુદ્ગલકર્મ જીવનું પ્રાપ્ય કર્મ પણ નથી.’ પુદ્ગલની વાત કરી છે તેમાં રાગ પણ આવી જાય છે. પહેલું નિર્વર્ત્ય લીધું, પછી વિકાર્ય લીધું અને પછી પ્રાપ્ય કર્મ કહ્યું.

‘આ રીતે પુદ્ગલકર્મ જીવનું કર્મ નથી અને જીવ તેનો કર્તા નથી. જીવનો સ્વભાવ જ્ઞાતા હોવાથી જ્ઞાનરૂપે પરિણમતો પોતે પુદ્ગલકર્મને જાણે છે.’ જ્ઞાતા વિકાસ પામે તો જ્ઞાનના પરિણામે-ભાવે વિકાસ પામે. પરંતુ જ્ઞાનસ્વરૂપી આત્મા રાગરૂપે કેમ થાય? પોતે જ્ઞાતા હોવાથી જ્ઞાનરૂપે પરિણમતો પુદ્ગલકર્મને જાણે છે, જે રાગની ક્રિયા થાય તેને પોતામાં રહીને પોતાથી જાણે છે. એને જાણે છે એ વ્યવહાર થયો, નિશ્ચયથી તો પોતાને અનુભવે છે- જાણે છે.

ભાઈ! આ ભવ અનંત ભવના અભાવ માટે છે. જેને જન્મ-મરણથી છૂટવું છે તેણે પોતાના હિતની આ વાત સમજવી પડશે.

હવે કહે છે-‘માટે પુદ્ગલકર્મને જાણતા એવા જીવનો પરની સાથે કર્તાકર્મભાવ કેમ હોઈ શકે? ન જ હોઈ શકે.’ લ્યો ૭૬ પૂરી થઈ.

[પ્રવચન નં. ૧૩૨, ૧૩૩ (શેષ) * દિનાંક ૨૧-૭-૭૬ અને ૨૨-૭-૭૬]