૧૩૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ છે કે નહિ? તો કહે છે કે એમ નથી. ‘વસ્તુ સહાવો ધમ્મો’-વસ્તુનો સ્વભાવ ધર્મ છે. આત્મા વસ્તુ છે-તેનો સ્વભાવ જ્ઞાન, દર્શન, આનંદ છે. જ્યાં સ્વભાવની દ્રષ્ટિ થઈ ત્યાં સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રરૂપ નિર્મળ પરિણામ થયા. તે નિર્મળ પરિણામને જ્ઞાની કરતો હોવા છતાં, અને તેને જાણતો હોવા છતાં, પરની સાથે તેને કર્તાકર્મભાવ નથી એમ કહે છે.
માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને ઘડાને કરે છે. ઘડો થવાની આદિ-મધ્ય-અંતમાં માટી છે. કુંભારનો હાથ અડયો માટે કુંભાર ઘડો થવાની આદિમાં છે એમ નથી. કુંભાર પ્રસરીને ઘડો થતો નથી. ઘડારૂપ કાર્યમાં કુંભાર પ્રસરતો નથી, પણ માટી પોતે ઘડામાં પ્રસરીને-વ્યાપીને ઘડાને કરે છે, ઘડાને ગ્રહે છે. ઘડો તે માટીનું પ્રાપ્ય છે. તે સમયનું તે ધ્રુવ પ્રાપ્ય છે. વિકાર્ય છે તે વ્યય અને નિર્વર્ત્ય છે તે ઉત્પાદ છે તે વખતે જે પર્યાય થવાની હતી તે થઈ માટે તેને ધ્રુવ કહી છે. છે તો પર્યાય, પણ નિશ્ચિત છે તેથી ધ્રુવ કહી છે. અહીં એક સમયની પર્યાયમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ કહ્યા છે. અહો! આચાર્યની અજબ શૈલી છે! કહે છે કે માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને ઘડાને ગ્રહે છે. ઘડાની પર્યાય તે માટીનું તે સમયનું ધ્રુવ છે, પ્રાપ્ય છે. અહાહા...! તે સમયની પર્યાય તે જ થવાની છે. જુઓ ને! બધું ક્રમબદ્ધ છે એમ અહીં સિદ્ધ કરે છે. કુંભાર ઘડાને કરે છે એ વાત જ નથી.
જેમ માટી ઘડામાં અંતર્વ્યાપક થઈને ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે, ઘડારૂપે ઉપજે છે તેમ આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ બાહ્યસ્થિત એવા પરદ્રવ્યનાં પરિણામમાં એટલે કે વ્યવહારરત્નત્રયના શુભરાગમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી, તે-રૂપ ઊપજતો નથી. શુભરાગની આદિમાં આત્મા નથી, મધ્યમાં આત્મા નથી, અંતમાં આત્મા નથી. રાગની આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલ છે. ધર્મી જીવ જેમ વીતરાગી શુદ્ધ રત્નત્રયના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, તેના આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તે નિર્મળ પરિણામને ગ્રહે છે તેમ વ્યવહારના શુભરાગને તેના આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ગ્રહતો નથી. રાગ છે એ તો પુદ્ગલનું પ્રાપ્ય કર્મ છે. પુદ્ગલ તેને ગ્રહે છે, પુદ્ગલ તે-રૂપે પરિણમે છે; પુદ્ગલ તે-રૂપે ઊપજે છે.
ભાઈ! ધ્યાન રાખે તો આ સમજાય એવું છે. આ તો સત્ના શરણે જવાની વાત છે. દુનિયા ન માને તેથી શું? સત્ તો ત્રિકાળ સત્ જ રહેશે. આત્મા અનંત શક્તિનું ધામ ચૈતન્યસ્વભાવી ભગવાન છે. એ ત્રિકાળી ધ્રુવ પ્રભુને ગ્રહતાં, એનો આશ્રય લેતાં જે શક્તિરૂપે છે તે વ્યક્તિરૂપે પ્રગટ થયો. ત્યાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના નિર્મળ પરિણામ થયા તેની આદિ-મધ્ય-અંતમાં આત્મા છે. પરંતુ રાગના આદિ-મધ્ય-અંતમાં આત્મા નથી. તેથી આત્મા રાગપરિણામને કરતો નથી. વ્યવહાર રત્નત્રયનો શુભરાગ જે બાહ્યસ્થિત પરદ્રવ્યના પરિણામ છે તેને આત્મા ગ્રહતો નથી. તેથી જ્ઞાની-ધર્મી તે શુભરાગનો કર્તા નથી.