૧પ૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
સ્વદ્રવ્ય-પરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો, વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.’ શુભરાગથી આત્માને લાભ થાય, વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય-એમ વ્યવહારનય કથન કરે પણ એવા શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે એમ ત્યાં કહ્યું છે. માટે એવું શ્રદ્ધાન ત્યાગવું.
જુઓ, રાગના વિકલ્પથી ભિન્ન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. એનો અનુભવ થતાં ભેદજ્ઞાન પ્રગટ થવાથી જ્ઞાનીને પુદ્ગલ એટલે રાગ સાથે કર્તાકર્મપણાની બુદ્ધિ રહેતી નથી; તથાપિ જ્યાંસુધી ભેદજ્ઞાન થતું નથી ત્યાંસુધી જીવને અજ્ઞાનથી કર્તાકર્મભાવની બુદ્ધિ થાય છે. અહા! જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્મા અને રાગભાવ એ બેની જ્યાંસુધી જીવને એકત્વબુદ્ધિ છે ત્યાંસુધી રાગ મારું કર્તવ્ય અને હું એનો કર્તા એવું અજ્ઞાનપૂર્વક જીવ માને છે. ભાઈ! આ તો સીધી વાત છે. પોતાનો દુરાગ્રહ છોડી દે તો પકડાય એમ છે. આવું અનાદિનું અજ્ઞાન છે તે ભેદજ્ઞાન પ્રગટ કરી દૂર કરવું જોઈએ એમ અહીં આશય છે.