૧૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
પણ [पुद्गलकर्मनिमित्तं] પુદ્ગલકર્મના નિમિત્તથી [परिणमति] પરિણમે છે. [जीवः] જીવ [कर्मगुणान्] કર્મના ગુણોને [न अपि करोति] કરતો નથી [तथा एव] તેમ જ [कर्म] કર્મ [जीवगुणान्] જીવના ગુણોને કરતું નથી; [तु] પરંતુ [अन्योऽन्यनिमित्तेन] પરસ્પર નિમિત્તથી [द्वयोः अपि] બન્નેના [परिणामं] પરિણામ [जानीहि] જાણો. [एतेन कारणेन तु] આ કારણે [आत्मा] આત્મા [स्वकेन] પોતાના જ [भावेन] ભાવથી [कर्ता] કર્તા (કહેવામાં આવે) છે [तु] પરંતુ [पुद्गलकर्मकृतानां] પુદ્ગલકર્મથી કરવામાં આવેલા [सर्वभावानाम्] સર્વ ભાવોનો [कर्ता न] કર્તા નથી.
નિમિત્ત કરીને જીવ પણ પરિણમે છે’-એમ જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને અન્યોન્ય હેતુપણાનો ઉલ્લેખ હોવા છતાં પણ જીવ અને પુદ્ગલને પરસ્પર વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે જીવને પુદ્ગલપરિણામો સાથે અને પુદ્ગલકર્મને જીવપરિણામો સાથે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોઈને, માત્ર નિમિત્ત-નૈમિત્તિકભાવનો નિષેધ નહિ હોવાથી, અન્યોન્ય નિમિત્તમાત્ર થવાથી જ બન્નેના પરિણામ (થાય) છે; તે કારણે (અર્થાત્ તેથી), જેમ માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી, જીવ પોતાના ભાવનો કર્તા કદાચિત્ છે, પરંતુ જેમ માટી વડે કપડું કરી શકાતું નથી તેમ પોતાના ભાવ વડે પરભાવનું કરાવું અશકય હોવાથી (જીવ) પુદ્ગલભાવોનો કર્તા તો કદી પણ નથી એ નિશ્ચય છે.
નિમિત્તનૈમિત્તિકપણું છે તોપણ પરસ્પર કર્તાકર્મભાવ નથી. પરના નિમિત્તથી જે પોતાના ભાવ થયા તેમનો કર્તા તો જીવને અજ્ઞાનદશામાં કદાચિત્ કહી પણ શકાય, પરંતુ જીવ પરભાવનો કર્તા તો કદી પણ નથી.
જોકે જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને અન્યોન્ય નિમિત્તપણું છે તોપણ કર્તાકર્મપણું નથી એમ હવે કહે છે. અહીં અજ્ઞાનીની વાત છે. આગળની ગાથાઓમાં ભેદજ્ઞાનીની વાત હતી. અહીં જીવના પરિણામ કહેતાં વિકારી પરિણામની વાત છે. પહેલાંની ગાથાઓમાં જીવના પરિણામ એટલે નિર્મળ વીતરાગી પરિણામની વાત હતી.
પહેલાં ‘પોતાના પરિણામને જાણતો આત્મા’-એમ કહેલું એ જીવના વિતરાગી નિર્મળ પરિણામની વાત હતી; અને‘પુદ્ગલ પરના પરિણામને જાણતું નથી’-એમ કહેલું ત્યાં પણ પરના પરિણામ એટલે જીવના નિર્મળ વીતરાગી પરિણામની વાત હતી. આ વાત ગાથા ૭પ થી ૭૯ સુધીમાં આવી ગઇ છે.