Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 942 of 4199

 

૧૭૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪

પ્રશ્નઃ– કર્મનો કાંઇક પ્રભાવ તો પડે છે કે નહિ?

ઉત્તરઃ– ના; પ્રભાવનો અર્થ શું? પ્રભાવ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? પ્રભાવ એટલે

જડની પર્યાય; એનાથી જીવને વિકાર થાય એની અહીં ના પાડે છે. કર્મનો ઉદય જડના પરિણામ છે. એ જીવના વિકારી પરિણામને કરે એનો અહીં નિષેધ કરે છે. કહે છે કે જીવના પરિણામ અને પુદ્ગલના પરિણામને પરસ્પર કર્તાકર્મભાવ નથી. અજ્ઞાનદશામાં જીવ પોતાના વિકારી ભાવોનો કર્તા છે, પણ પરભાવોનો કર્તા કદી પણ નથી.

પ્રશ્નઃ– આપના પ્રભાવથી હજારો માણસો સમજે છે ને?

ઉત્તરઃ– જેની જેની તત્ત્વની વાત સાંભળવાની અને સમજવાની યોગ્યતા હોય છે તે

પોતાના કારણે આવે છે, સાંભળે છે અને સ્વતંત્ર પોતાની તેવી યોગ્યતાથી સમજે છે. ભાઇ! આ નિમિત્ત-ઉપાદાનની સ્વતંત્રતાની વાત લોકોને સમજવી કઠણ પડે છે; પણ અહીં તો સ્પષ્ટ કહ્યું છે કે-જીવના વિકારી પરિણામ અને કર્મબંધનની પર્યાયને પરસ્પર નિમિત્તનૈમિત્તિક સંબંધ હોવા છતાં કર્તાકર્મભાવ નથી.

હવે કહે છે-‘પરના નિમિત્તથી જે પોતાના ભાવ થયા તેમનો કર્તા તો જીવને અજ્ઞાનદશામાં કદાચિત્ કહી પણ શકાય, પરંતુ જીવ પરભાવનો કર્તા તો કદી પણ નથી.’ જ્યાંસુધી રાગથી ભગવાન આત્મા ભિન્ન છે એવું ભેદજ્ઞાન થયું નથી ત્યાં સુધી અજ્ઞાનદશામાં નિમિત્તના લક્ષે મિથ્યાત્વ અને રાગદ્વેષના પરિણામ જીવે સ્વતંત્રપણે પોતે કર્યા છે-માટે તેનો કર્તા કહી શકાય. ત્યાં દર્શનમોહનો ઉદય આવ્યો માટે મિથ્યાત્વ થયું છે એમ નથી. નિમિત્ત છે ખરું, પણ એનાથી જીવને વિકારી પરિણામ થયા છે એમ નથી. તથા વિકારી પરિણામ થયા માટે કર્મબંધ થયો છે એમ નથી. કર્મબંધની પર્યાય પોતાથી જે થવા યોગ્ય હતી તે સ્વતંત્રપણે થઇ છે તેમાં રાગદ્વેષના પરિણામ નિમિત્તમાત્ર છે, કર્તા નહિ. રાગદ્વેષ કર્મબંધનના કર્તા છે અને કર્મબંધન એનું કાર્ય છે એમ નથી.

આત્મા કર્મને લઇને વિકાર કરે છે એમ જો કોઇ કહેતું હોય તો તે વાત તદ્ન ખોટી છે. કર્મ છે એ પરદ્રવ્યના પરિણામ છે અને વિકાર છે એ સ્વદ્રવ્યના ભૂલના પરિણામ છે. ચાહે તો મિથ્યાત્વ કરે કે રાગદ્વેષ કરે, એ દોષરૂપ પરિણામ પોતાથી સ્વતંત્ર કર્તા થઇને જીવ કરે છે. સ્વતંત્ર એટલે નિમિત્તની એને અપેક્ષા નથી, નિમિત્ત હો ભલે. પંચાસ્તિકાય ગાથા ૬૨માં આવ્યું છે ને કે વિકારની પર્યાય પોતે કર્તા, વિકારી પર્યાય તે કર્મ, વિકારી પર્યાય તે સાધન, વિકારી પર્યાય તે સંપ્રદાન, તે જ અપાદાન અને તે જ અધિકરણ-એમ વિકારી પરિણમનના ષટ્કારક પર્યાયનાં પોતાના સ્વતંત્ર છે. દ્રવ્ય-ગુણ પણ વિકારના કર્તા નથી અને પરદ્રવ્ય પણ વિકારનું કારક નથી. આવી દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતાની વાતનો નિર્ણય યથાર્થપણે કરવો પડશે હોં. એમાં સંદિગ્ધપણું નહિ ચાલે.