સમયસાર ગાથા ૮૦-૮૧-૮૨ ] [ ૧૬૯
અહીં સ્પષ્ટ કહે છે કે પોતાના ભાવ વડે પરભાવનું કરાવું અશકય હોવાથી પુદ્ગલભાવોનો કર્તા તો જીવ કદી નથી એ નિશ્ચય છે. જીવ અજ્ઞાનભાવે પોતાના રાગભાવોને કરે પણ એનાથી પરભાવનું કરાવું અશકય છે. દેશની સેવા કરી શકે, દીનદુઃખિયાને આહાર, પાણી, ઓસડ દઇ શકે-એવી પરની ક્રિયા આત્મા કરી શકે એ વાત ત્રણ કાળમાં શકય નથી. શરીરની ક્રિયા આત્મા કરી શકતો નથી પછી કરવું કે નહિ એ પ્રશ્ન જ કયાં છે? આ પુસ્તકનું પાનું આમ ફરે તે ક્રિયા આંગળીથી થઇ શકે છે એમ નથી. એ પરમાણુ પોતે પોતાની ક્રિયાવતી શક્તિને લઇને આમ ગતિ કરે છે.
કળશટીકામાં પ્રશ્ન કર્યો છે કે-આત્મામાં અનંત શક્તિઓ છે તો એમાં કોઇ એવી શક્તિ છે કે પરનું કામ કરે? ત્યાં સમાધાન કર્યું છે કે-ભગવાન! આત્મા પરનું કાંઇ કરે એવી એનામાં શક્તિ નથી. હા, આત્મામાં એવી શક્તિ છે કે અજ્ઞાનભાવે પર્યાયમાં રાગને કરે પણ જીવ પુદ્ગલભાવોનો કર્તા તો કદી પણ નથી એ નિશ્ચય છે. જ્ઞાનાવરણીય કર્મ બંધાય, દર્શનાવરણીયકર્મ બંધાય ઇત્યાદિ કર્મની પર્યાયનો કર્તા જીવ ત્રણ કાળમાં નથી.
પ્રશ્નઃ– કર્મરૂપી વેરીને હણે તે અરિહંત-આવો અરિહંતનો અર્થ શાસ્ત્રમાં કર્યો છે ને?
ઉત્તરઃ– હા, શાસ્ત્રમાં એવા કથન આવે છે કે આત્મા કર્મ બાંધે, આત્મા કર્મ હણે-છોડે; પણ એ તો બધાં વ્યવહારનાં કથન છે. અહીં તો કહે છે કે આત્મા જડ કર્મને હણી શકતો નથી. આત્મા રાગદ્વેષ કરે ત્યાં જે કર્મ બંધાય તે એના કારણે અને વીતરાગતા પ્રગટ કરે ત્યાં જે કર્મ છૂટે તે પણ એના પોતાના કારણે. દરેક વખતેે કર્મની અવસ્થા જે થવા યોગ્ય હોય તે પોતાથી સ્વતંત્રપણે થાય છે. અહીં વીતરાગભાવ પ્રગટ કર્યો માટે કર્મની અકર્મરૂપ અવસ્થા થઇ એમ નથી. આવું જ વસ્તુ સ્વરૂપ છે.
‘જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને પરસ્પર માત્ર નિમિત્તનૈમિત્તિકપણું છે તો પણ પરસ્પર કર્તાકર્મભાવ નથી.’ અહીં મિથ્યાત્વ અને રાગદ્વેષને જીવના પરિણામ કહ્યા છે. અજ્ઞાનીની વાત છે ને? ભેદજ્ઞાન નથી એવો અજ્ઞાની જીવ સ્વતંત્રપણે પોતે જ રાગદ્વેષને કરે છે. અજ્ઞાની જીવના શુભાશુભ વિકારી પરિણામ અને પુદ્ગલના પરિણામ કહેતાં કર્મનો ઉદય-એ બન્નેને પરસ્પર માત્ર નિમિત્તનૈમિત્તિકપણું છે. જીવના વિકારી પરિણામ નૈમિત્તિક પોતાના ઉપાદાનથી થયા ત્યારે જડ કર્મનો ઉદય નિમિત્તમાત્ર છે. આવું બન્નેને નિમિત્તનૈમિત્તિકપણું હોવા છતાં પરસ્પર કર્તાકર્મપણું નથી. જીવના વિકારી પરિણામમાં કર્મનું નિમિત્ત અને કર્મ પરિણમે છે એમાં અજ્ઞાનીના રાગદ્વેષનું નું નિમિત્ત-આમ પરસ્પર નિમિત્તનૈમિત્તિકપણું હોવા છતાં કર્તાકર્મપણું નથી. કર્મ જીવના રાગને કરે અને રાગ છે તે કર્મબંધની પર્યાયને કરે એમ કદીય નથી.