૧૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
થાય પણ કર્મના ભાવ વડે જીવનો વિકારી ભાવ થતો નથી. કર્મને લઇને જીવમાં વિકાર થાય અને વિકારને લઇને કર્મબંધન થાય એમ કેેટલાક માને છે પણ એ યથાર્થ નથી.
પંચાસ્તિકાય ગાથા ૬૨માં તો એમ કહ્યું છે કે પર્યાયમાં જે વિકાર થાય છે તે પોતાના ષટ્કારકથી થાય છે, તેમાં પરના ષટ્કારકની અપેક્ષ નથી. આ વાત સાંભળીને લોકોને ખળભળાટ થઇ જાય છે. તેઓ એમ કહે છે કે કર્મથી વિકાર ન થાય તો વિકાર જીવનો સ્વભાવ થઇ જાય છે. અરે ભાઇ! એમ નથી. વિકાર પર્યાયમાં પોતાથી થાય છે. પરની અપેક્ષા તો નહિ, પણ પોતાના દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા વિના સ્વતંત્રપણે એક સમયની પર્યાયમાં ષટ્કારકનું પરિણમન થઇને વિકાર સ્વયંસિદ્ધ થાય છે, પરથી નહિ. જેમ માટીથી કપડું ન થાય તેમ કર્મના ઉદયથી વિકાર ન થાય અને વિકારના કારણે કર્મ બંધ ન થાય. જીવના પોતાના વિકારના પરિણમનમાં બીજી ચીજ (કર્મનો ઉદય) નિમિત્ત હો ભલે, પણ નિમિત્તને લઇને વિકાર થયો છે એમ નથી. અહીં પોતામાં પોતાથી વિકાર થયો ત્યાર બીજી ચીજને (કર્મના ઉદયને) નિમિત્ત કહેવામાં આવે છે. વિકાર પરથી થાય એમ જે માને તેને અંદર એકલો આનંદઘન પ્રભુ જ્ઞાનસ્વભાવનો રસકંદ સ્વયંજ્યોતિ ભગવાન પડયો છે એ કેમ બેસે?
અહાહા...! માટી વડે જેમ કપડું કરી શકાતું નથી તેમ પોતાના વિકારી ભાવ વડે પરભાવનું કરાવું, કર્મબંધનનું કરાવું અશકય છે. ગજબ વાત છે! સ્થૂળબુદ્ધિવાળાને સમજવું કઠણ પડે. વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ રાગમાં જે હોંશ કરી ઉત્સાહથી રોકાઇ રહ્યો છે તેને અહીં કહે છે કે ભાઇ! પૂજાના શબ્દોની ભાષાનો કર્તા આત્મા નથી તને શુભભાવનો વિકલ્પ આવે છે માટે ‘સ્વાહા’ ઇત્યાદિ શબ્દો બોલાય છે એમ નથી. ભાઇ! માટી વડે ઘડો થાય, પણ માટી વડે શું કપડું થાય? ન થાય. તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ થાય, પણ પોતાના ભાવ વડે શું પરનો ભાવ થાય? ન થાય. પહેલાં અસ્તિથી કહ્યું છે કે પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાય છે અને હવે નાસ્તિથી કહ્યું કે પોતાના ભાવ વડે પરનો ભાવ કદી કરી શકાતો નથી. ભાઇ! આ આંગળી હલે છે એનો કર્તા આત્મા નથી. ભાષા બોલતી વેળા હોઠ હલે એનો કર્તા આત્મા નથી. એક રજકણની પણ જે સમયે જે પર્યાય થવાની યોગ્યતા છે તે તેનાથી સ્વતંત્રપણે થાય છે, એને આત્મા કરે એમ ત્રણકાળમાં છે નહિ.
અજ્ઞાની જીવ પોતાના રાગ વડે રાગને કરે, પણ રાગ વડે ભાષા કરે કે આંગળી હલાવે એમ છે નહિ. પરમાં લેવા-દેવાનું કાર્ય થયું તે એને રાગ છે માટે થયું એમ નથી. કોઇને અનાજ આપવાનો શુભરાગ થયો માટે એ ભાવથી બીજાને અનાજ આપી શકાય એમ છે નહિ. પરના કાર્યમાં પ્રભુ આત્મા પાંગળો છે, કેમકે તે પરનું કાર્ય કરી શકતો નથી. શુભાશુભભાવ થયો એનાથી કર્મ બંધાયું અને એનાથી ગતિ પ્રાપ્ત થઇ એમ વ્યવહારથી કહેવાય છે, પણ વસ્તુસ્વરૂપ એમ નથી.