૧૭૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
શુદ્ધ કારણપરમાત્માની દ્રષ્ટિ કરી તેમાં જ સ્થિરતા કરવી તે સમ્યગ્દર્શન આદિ વીતરાગતારૂપ ધર્મ છે. બાકી બધાં થોથેથોથાં છે. આવી વીતરાગ નિર્મળ અનુભૂતિ કરાવવાનું અહીં પ્રયોજન છે. અહો! દિગંબર આચાર્યોએ કેવાં ગજબ કામ કર્યો છે! કઇ પણ પાનું (શાસ્ત્રનું) ફેરવો કે કોઇ પણ ગાથા લો, બધે એક આત્મા જ ઘૂંટયો છે, અમૃત જ ઘૂંટયું છે. કહે છે-પ્રભુ તું કોઇ છો? અહાહા...! એક સમયની પર્યાય વિનાની ચીજ ભગવાન! તું નિર્મળ આત્મા છો. એને પોતાની નિર્મળ અનુભૂતિથી જાણવો તે ધર્મ છે અને આ સિવાય તેને પામવાનો બીજો કોઇ ઉપાય નથી. વ્યવહારરત્નત્રયના રાગથી તે જાણવામાં આવતો નથી; રાગરહિત નિર્વિકલ્પ અનુભૂતિથી આત્મા આવો છે એવી એની પ્રતીતિ થાય છે. આ મુદની વાત છે. (આવા આત્માને પ્રાપ્ત કરવો હોય તો પ્રથમ પર્યાયની સ્વતંત્રતા નક્કી કરવી પડશે).
કોઇને હરખનો સન્નિપાત થયો હોય તો ખડખડ હસે, દાંત કાઢે. પણ શું તે સુખી છે? ના; તે દુઃખી જ છે. એમ વિકાર કરીને અમે સુખી છીએ એમ કોઇ માને તો તે પાગલ દુઃખી જ છે. ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમાત્મા કહે છે કે તું અમારી સામે જોઇશ તો તને રાગ જ થશે, કેમકે અમે(તારા માટે) પરદ્રવ્ય છીએ. માટે તું તારા સ્વદ્રવ્યમાં જો, તેથી તને વીતરાગતા અને ધર્મ થશે. અરિહંત પરમાત્મા કહે છે કે અમે જ્યારે મુનિદશામાં હતા ત્યારે અમને આહારદાન આપનારને તે દાનના ભાવ વડે પુણ્યબંધ થયો હતો, ધર્મ નહીં. (પરના આશ્રયે થતા કોઇ ભાવથી ધર્મ ન થાય).
કોઈ સાધુને આહારદાન આપવાથી સંસાર પરિત થાય એમ માને તો તે તદ્ન ખોટી વાત છે. શુભભાવથી સંસાર પરિત થાય એમ કદીય બને નહિ. હાથીના ભવમાં સસલાની દયા પાળી તેથી સંસાર પરિત થયો-આવાં બધા કથન સત્ય નથી.
અહીં તો કહે છે કે વિકારી પરિણામનો જીવ સ્વતંત્રપણેકર્તા છે, તેમાં પરની- કર્મોદયની અપેક્ષા નથી. આમ વિકારનું સ્વતંત્રપણું સિદ્ધ કર્યું છે. વિકાર પર્યાયમાં સમયે સમયે પોતાના ષટ્કારકથી નવો નવો થાય છે. અને નિર્મળાનંદનો નાથ ચૈતન્યસ્વભાવી વસ્તુ ત્રિકાળ એવી ને એવી ધ્રુવ પડી છે તેનો આશ્રય લેતાં સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે. ભગવાન આત્મા સ્વના આશ્રયે જે મોક્ષમાર્ગની પર્યાય પ્રગટ કરે તેનો પણ એ સ્વતંત્ર કર્તા છે. જડકર્મનો અભાવ થયો માટે મોક્ષમાર્ગ થયો છે એમ નથી. આવી વસ્તુસ્થિત છે તે યથાર્થ સમજવી જોઇએ.