૧૭૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
નથી. સમુદ્ર પોતાની ઉત્તરંગ વા નિસ્તરંગ અવસ્થાને અનુભવતો થકો પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસે છે, પણ પવનની અવસ્થાને અનુભવતો પ્રતિભાસતો નથી. આ પ્રમાણે સમુદ્ર પોતાના ભાવને કરે છે અને પોતાના ભાવને ભોગવે છે; પરંતુ પવનની પર્યાયને કરતો નથી અને ભોગવતો નથી.
ભાઈ! વીતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે. પરમાત્માએ અનંત તત્ત્વ કહ્યાં છે. તે અનંત અનંતપણે કયારે સિદ્ધ થાય? કે પોતે પોતાની પર્યાયથી છે અને પરથી નથી એમ નિશ્ચત થાય તો. જો પોતાની પર્યાય પરથી હોય તો અનંત અનંતપણે સિદ્ધ કઇ રીતે થાય. બધો ખીચડો થઇ જશે. અહીં દ્રષ્ટાંતમાં પણ એ જ નિશ્ચિત કર્યું કે સમુદ્ર અન્યને કરતો કે અનુભવતો પ્રતિભાસતો નથી.
હવે આત્મામાં સિદ્ધાંત લાગુ કરે છે. કહે છે-‘તેવી રીતે સસંસાર અને નિઃસંસાર અવસ્થાઓને પુદ્ગલકર્મના વિપાકનો સંભવ અને અસંભવ નિમિત્ત હોવા છતાં પણ પુદ્ગલકર્મને અને જીવને વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ છે.’
સંસારદશા એટલે મિથ્યાત્વ, રાગ-દ્વેષ, કષાય, યોગ આદિ સહિત જીવની દશા તથા નિઃસંસાર અવસ્થા એટલે શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે ઉત્પન્ન થતી જીવની સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગની અવસ્થા. તેમાં અનુક્રમે પુદ્ગલકર્મના વિપાકનો સંભવ અને અસંભવ નિમિત્ત હોય છે.
આત્માના મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામ એ એની સંસારદશા છે; કર્મનો વિપાક એમાં નિમિત્ત છે. નિમિત્ત છે એટલે કર્મનો વિપાક આત્માની વિકારી સંસાર દશાને કરે છે એમ અર્થ નથી. સંસાર યુક્ત જીવ નિગોદમાં હો કે સ્વર્ગમાં, એને જે મિથ્યાત્વ અને રાગ- દ્વેષ સહિત અવસ્થા છે તેમાં કર્મનો વિપાક નિમિત્ત હોવા છતાં જડકર્મ કર્તા અને વિકારી પરિણામ એનું કાર્ય એમ છે નહિ, કેમકે પુદ્ગલકર્મ અને જીવને પરસ્પર વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે. જીવ સ્વયં પોતાના અશુદ્ધ ઉપાદાનની યોગ્યતાથી પોતાની સંસારદશાને ઉત્પન્ન કરે છે. કર્મનો ઉદય આવે તો વિકાર કરવો પડે અને કર્મ ખસે તો સમ્યગ્દર્શન આદિ ધર્મ થાય એમ કેટલાક માને છે પણ તેમની આ માન્યતા જૂઠી છે, વિપરીત છે એમ અહીં કહે છે.
પ્રશ્નઃ– ઘનઘાતી કર્મનો અભાવ થાય તેથી કેવળજ્ઞાન થાય છે એમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તરઃ– એ તો નિમિત્તની મુખ્યતાથી કહેલું વ્યવહારનયનું કથન છે. ઘનઘાતી કર્મનો નાશ થયો માટે અર્હંતને કેવળજ્ઞાન થયું છે એમ નથી. કેવળજ્ઞાનની પર્યાયને અર્હંતના જીવે સ્વતંત્રપણે કર્તા થઇને કરી છે. કેવળજ્ઞાન થવામાં ઘનઘાતી કર્મના