સમયસાર ગાથા ૮૩ ] [ ૧૭૭
અભાવની અપેક્ષા નથી. કેવળજ્ઞાનની અવસ્થામાં ઘનઘાતી કર્મના અભાવનું નિમિત્ત હોવા છતાં ઘાતીકર્મનો અભાવ થયો માટે કેવળજ્ઞાન થયું છે એમ નથી.
ગોમ્મટસારમાં (ગાથા ૧૯૭માં) આવે છે કે પોતાના ભાવ કલંકની પ્રચુરતાના કારણે નિગોદના જીવો નિગોદને છોડી નીકળતા નથી. કર્મનું જોર છે માટે બહાર આવતા નથી એમ ત્યાં નથી કહ્યું. સંસારયુક્ત અવસ્થા ચાહે ભવિ જીવની હો કે અભવિની, તે અવસ્થાનો જીવ પોતે કર્તા છે અને તે અવસ્થા જીવનું પોતાનું કર્મ છે એટલે કાર્ય છે. સંસાર અવસ્થામાં કર્મના વિપાકનું નિમિત્ત છે, પરંતુ કર્મનું નિમિત્ત જીવના મિથ્યાત્વાદિ પરિણામનું કર્તા અને મિથ્યાત્વાદિ પરિણામ એનું કાર્ય-એમ નથી. મિથ્યાત્વના ભાવ છે તે સંસારભાવ છે અને દર્શનમોહનો ઉદય તેમાં નિમિત્ત છે. પરંતુ દર્શનમોહનો ઉદય મિથ્યાત્વભાવનો કર્તા અને મિથ્યાત્વભાવ એનું વ્યાપ્ય કર્મ-એમ કદીય નથી. કેટલું સ્પષ્ટ કર્યું છે! નિમિત્ત હો ભલે, પણ નિમિત્તથી કાર્ય થાય છે એમ ત્રણકાળમાં નથી. અહાહા..! ઘડો માટીથી થયો છે; કુંભારથી થયો છે એમ અમે દેખતા નથી એમ આચાર્ય ભગવાન કહે છે.
પ્રશ્નઃ– આ આપના ઉપદેશથી અમને સમજાય છે ને?
ઉત્તરઃ– એમ છે નહિ. પોતે પોતાની યોગ્યતાથી સમજે તો સમજાય છે, પરથી નહિ. જો પરથી સમજાય તો પૂર્વ ભગવાનના સમોસરણમાં અનંતવાર ગયો, છતાં પોતે કેમ ના સમજ્યો? કાળલબ્ધિ પાકી નહિ માટે-એમ જો કોઇ કહે તો એનો અર્થ જ એ થયો કે પોતે ઊંધો પુરુષાર્થ કર્યો માટે સમજ્યો નહિ; ઊંધો પરુષાર્થ એ એની કાળલબ્ધિ છે અને જીવ તેનો સ્વતંત્ર કર્તા છે. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં આવે છે કે પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક સમયે જે પર્યાય થાય છે-વિકારી કે અવિકારી-તે તેની કાળલબ્ધિ છે, અને તે જ પર્યાય ત્યાં થાય છે. પર્યાયની ઉત્પત્તિના કાળે તે પર્યાય પોતાથી થાય છે, પરના કારણે નહિ.
પ્રશ્નઃ– કાર્ય થવામાં બે કારણ હોય છે એમ કહ્યું છે ને?
ઉત્તરઃ– હા, કહ્યું છે. પરંતુ તેમાં વાસ્તવિક કારણ એક(ઉપાદાન) જ છે. બીજું (નિમિત્ત) તો ઉપચરિત્ત કારણ છે. જેમ અંદર મોક્ષમાર્ગ એક જ છે તેમ. પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશકામાં અત્યંત સ્પષ્ટ કર્યું છે કે-મોક્ષમાર્ગ બે નથી, તેનું નિરૂપણ બે પ્રકારથી છે. પોતાના સ્વભાવના આશ્રયે જે મોક્ષમાર્ગ જે મોક્ષમાર્ગ પ્રગટ કર્યો તે નિશ્ચય, અને તેની સાથે જે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ, પંચમહાવ્રતનો વિકલ્પ, શાસ્ત્ર ભણવાનો વિકલ્પ ઇત્યાદિ નિમિત્તપણે સહચર હોય છે તેને સાથે થતો દેખીને ઉપચારથી મોક્ષમાર્ગ કહે છે, પણ તે મોક્ષમાર્ગ છે નહિ. તેમ કથનમાં આવે કે કાર્યનાં કારણ બે છે, પરંતુ ખરેખર કારણ એક(ઉપાદાન) જ છે.