સમયસાર ગાથા ૮૩ ] [ ૧૭૯
બન્ને પર્યાયોનું કર્તા આત્મદ્રવ્ય નથી એમ વાત આવે. પણ અહીં તો પર્યાયનો કર્તા દ્રવ્ય પોતે છે. પર નથી એમ સિદ્ધ કરવું છે.
પરદ્રવ્યને માની સ્વચ્છંદી થાય તેને તે માન્યતા છોડાવવા વિકાર પોતે કરે છે એમ કહ્યું. હવે જ્યારે વિકાર અને દ્રવ્ય સ્વભાવ વચ્ચે ભેદજ્ઞાન કરાવવાની વાત હોય ત્યારે વિકારનું કર્તા દ્રવ્ય નથી, પણ પર્યાય પોતે પોતાથી વિકાર સ્વતંત્રપણે કરે છે એમ વાત આવે. બન્નેનું તાત્પર્ય એક વીતરાગતા જ છે.
કેવળી ભગવાન નિશ્ચયથી ત્રણકાળ ત્રણલોકને દેખતા નથી, પણ પર્યાયને દેખતાં તેમાં ત્રણકાળ ત્રણલોક દેખવામાં આવી જાય છે. જેમ રાત્રે નદીનું સ્વચ્છ જળ હોય તેમાં ચંદ્ર, ગ્રહ, નક્ષત્રનું પ્રતિબિંબ પડે છે. એક ચંદ્ર, અઠ્ઠાવીસ નક્ષત્ર,અઠ્ઠાસી ગ્રહ, ૬૬૯૭પ ક્રોડાક્રોડી તારા-એ બધું નદીના સ્વચ્છ જળને દેખતાં થઇ જાય છે. અંદર જે દેખાય છે તે ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર આદિ નથી, દેખાય છે એ તો જળની અવસ્થા છે. તેમ નિત્યાનંદ જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માને, પોતાની જ્ઞાન-અવસ્થા કે જેમાં લોકાલોક ઝળકયા છે તેને દેખે છે ત્યાં લોકાલોક સહજ દેખાય જાય છે. જેને તે દેખે છે એ તો જ્ઞાનની અવસ્થા છે, લોકાલોક નથી; પણ જ્ઞાનની અવસ્થામાં લોકાલોક ઝળકયા છે તેથી ભગવાન લોકાલોકને દેખે છે એમ અસદ્ભૂત વ્યવહારનયથી કહેવામાં આવે છે. કેમકે લોકાલોક પરજ્ઞેય છે. પોતાની પર્યાયને દેખતાં એમાં લોકાલોક સંબંધીનું જ્ઞાન આવી જાય છે. પરંતુ લોકાલોક છે તો કેવળજ્ઞાન થયું છે એમ નથી.
શાસ્ત્રમાં આવે છે કે લોકાલોક કેવળજ્ઞાનમાં નિમિત્ત છે અને કેવળજ્ઞાન લોકાલોકને નિમિત્ત છે. એનો અર્થ એ છે કે લોકાલોક સંબંધી જ્ઞાન થયું તે પોતાથી થયું છે, લોકાલોકથી થયું નથી. લોકાલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે અને કેવળજ્ઞાનને લોકાલોક નિમિત્ત છે. એમ અરસપરસ નિમિત્ત છે પણ કર્તાકર્મપણું નથી.
પ્રભુ! તારી સ્વતંત્રતા દેખ! ભૂલમાં પણ સ્વતંત્ર અને મોક્ષમાર્ગમાં પણ તું સ્વતંત્ર છે. ભાઇ! આવું મનુષ્યપણું મળ્યું અને એમાં યથાર્થ તત્ત્વનું જ્ઞાન ન કર્યું તો કયાં જઇશ બાપુ?
પ્રશ્નઃ– કર્મ બળવાન છે ને?
ઉત્તરઃ– ના, બીલકુલ નહિ. ભાવકર્મને બળવાન કહ્યું છે. ઇષ્ટોપદેશમાં આવે છે કે ભાવકર્મ એેટલે વિકારનું જોર છે ત્યારે નિર્વિકાર દશાનું જોર નથી. (પરંતુ કર્મ છે માટે નિર્વિકારી દશા પ્રગટ નથી એમ નથી).