૧૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
નથી. હા, કોઈવાર વિકારનું જોર અને કોઈવાર અવિકારનું જોર એમ હોય છે, પરંતુ આત્માની અવસ્થામાં કર્મનું જોર બીલકુલ નથી. અરે ભાઈ! તત્ત્વજ્ઞાનની યથાર્થ સમજણ વિના ધર્મ કેમ થાય?
હવે કહે છે- ‘જીવ જ પોતે અંતર્વ્યાપક થઈને સસંસાર અથવા નિઃસંસાર અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને સસંસાર અથવા નિઃસંસાર એવા પોતાને કરતો થકો, પોતાને એકને જ કરતો પ્રતિભાસો પરંતુ અન્યને કરતો ન પ્રતિભાસો.’ અહો! દિગંબર સંતોએ થોડામાં ઘણું ભરી દીધું છે. મિથ્યાત્વાદિ સંસારઅવસ્થામાં આત્મા પોતે અંતર્વ્યાપક થઈને તેની આદિ-મધ્ય-અંતમાં વ્યાપે છે, પ્રસરે છે. મિથ્યાત્વાદિ વિકાર થયો એની આદિમાં નિમિત્ત કર્મ પ્રસર્યું છે, વ્યાપ્યું છે એમ નથી. તે જ પ્રમાણે નિઃસંસાર અવસ્થા એટલે સમ્યક્ત્વાદિ મોક્ષમાર્ગની અવસ્થા જે સ્વાશ્રયે પ્રગટી તેની આદિ- મધ્ય-અંતમાં પણ આત્મા છે. સમ્યક્ત્વાદિ પ્રગટ થવાની આદિમાં કર્મનો અભાવ છે એમ નથી. કર્મનો અભાવ જે નિમિત્ત છે તે કર્તા અને સમ્યક્ત્વાદિ પ્રગટ થયાં તે એનું કર્મ એમ નથી. વળી સમ્યક્ત્વાદિ પર્યાય તે કર્તા અને કર્મનો અભાવ એનું કર્મ એમ પણ નથી. અરે પ્રભુ! તારી સ્વતંત્રતા તો જો! વિકાર થવાની આદિ-મધ્ય-અંતમાં તારી ચીજ છે અને મોક્ષમાર્ગ થવાની આદિ-મધ્ય-અંતમાં પણ તારી ચીજ છે. પર ચીજનો-કર્મનો અભાવ થયો તો સમ્યક્ત્વાદિ પ્રગટ થયાં છે એમ છે નહિ.
પ્રશ્નઃ– કર્મનો ઉદયમાં જીવ ભ્રષ્ટ થાય છે એમ પ્રવચનસારમાં આવે છે નહિ ને?
ઉત્તરઃ– હા, પણ એ તો કથનપદ્ધતિ છે. જીવ પોતાની યોગ્યતાથી સ્વતંત્રપણે ભ્રષ્ટ થાય છે ત્યારે કર્મનો ઉદય નિમિત્ત છે બસ. કર્મનો ઉદય આવ્યો માટે ભ્રષ્ટ થયો એમ છે જ નહિ.
ત્યાં પ્રવચનસારમાં ૪૭ નયનું વર્ણન છે ત્યાં એમ કહ્યુું છે કે કર્તાનયે રાગનો કર્તા જીવ છે. રાગ-કર્તવ્ય એટલે કરવા લાયક છે એમ માનીને કર્તા થાય એ તો મિથ્યાદ્રષ્ટિ છે. સમ્યગ્દ્રષ્ટિને રાગ કરવા લાયક કર્તવ્ય છે એવી કર્તાબદ્ધિનો અભાવ હોવા છતાં અસ્થિરતામાં રાગનું પરિણમન થાય છે. તેને જે રાગનું પરિણમન છે તેનો પોતે કર્તા છે એમ કહ્યું છે. સમ્યગ્દર્શન થયા પછી કર્મનો ઉદયનો ભાવ (વિકાર) આત્માનો (સ્વભાવનો) છે એમ સમકિતી માનતા નથી, પરંતુ પર્યાયમાં અસ્થિરતાનું જે રાગરૂપ પરિણમન છે તેને તેમ (તે પ્રકારે) જાણે છે અને પરિણમન છે એ અપેક્ષાએ તેને રાગનો કર્તા કહ્યો છે. તે રાગ કર્મના કારણે થયો છે એમ નથી. અધ્યાત્મ પંચસંગ્રહમાં લીધું છે કે છઠ્ઠા ગુણસ્થાનમાં ચારિત્રમોહકર્મનું જોર છે.