સમયસાર ગાથા ૮૩ ] [ ૧૮૧
માટે તીવ્ર કષાય થાય છે અને સાતમામાં સંજ્વલનો મંદ ઉદય છે માટે મંદ રાગ થાય છે. પણ એ તો કથનશૈલી છે. છઠ્ઠ-સાતમાં ગુણસ્થાનમાં જે વ્યક્ત-અવ્યક્ત વિકારી પરિણમન છે તે પોતાથી છે. નિમિત્તના લક્ષે વિકાર થાય છે માટે નિમિત્તથી થાય છે એમ કોઈ જગ્યાએ કહેવામાં આવે છે, પણ એ થાય છે પોતાથી, નિમિત્તથી કર્મથી નહિ.
૭૬મી ગાથામાં એમ કહ્યું કે- રાગથી ભિન્ન પડીને જેણે ભેદજ્ઞાન પ્રગટ કર્યું, આત્માના આનંદનો અનુભવ કર્યો એ ભેદજ્ઞાનીને આત્મા વ્યાપક અને નિર્મળ અવસ્થા એનું વ્યાપ્ય છે. અને એને જે વિકાર થાય છે તેનું વ્યાપક કર્મ (દ્રવ્યકર્મ) છે. જુઓો, આત્મામાં એવી કોઈ શક્તિ નથી કે જીવને વિકાર થાય. માટે સ્વભાવનો જેને અનુભવ થયો તેનું વ્યાપ્ય તો નિર્મળ અવસ્થા છે. મોક્ષમાર્ગની નિર્મળ અવસ્થા એનું વ્યાપ્ય કર્મ છે. વિકારથી ભિન્ન પડી વિકારનો જ્ઞાતા થવાને લીધે, નિમિત્ત કર્મ વ્યાપ્ક અને વિકારી દશા એનું વ્યાપ્ય એમ કહીને બેને (જીવ અને વિકારને) ભિન્ન કરી દીધા છે. ભાઈ! જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે યથાર્થ સમજવી જોઈએ.
પ્રશ્નઃ– આત્માનું પરનું કરે એવી કોઈ શક્તિ એનામાં છે કે નહિ?
ઉત્તરઃ– ના, પરનું કાર્ય કરે એવી આત્મામાં કોઈ શક્તિ નથી. કળશટીકા, કળશ પ૪માં શ્રી રાજમલજી કહે છે કે - “અહીં કોઈ મતાંતર નિરૂપશે કે દ્રવ્યની અનંત શક્તિઓ છે, તો એક શક્તિ એવી પણ હશે કે એક દ્રવ્ય બે દ્રવ્યોના પરિણામને કરે; જેવી રીતે જીવદ્રવ્ય પોતાના અશુદ્ધચેતનારૂપ રાગદ્વેષ મોહ પરિણામને વ્યાપ્યવ્યાપકપણે કરે તેવી જ રીતે જ્ઞાનાવરણાદિ પિંડને વ્યાપ્યવ્યાપકપણે કરે ઉત્તર આમ છે કે દ્રવ્યને અનંત શક્તિઓ તો છે પરંતુ એવી શક્તિ તો કોઈ નથી કે જેનાથી, જેવી રીતે પોતાના ગુણ સાથે પણ વ્યાપ્યવ્યાપકપણે છે તેવી જ રીતે પરદ્રવ્યના ગુણ સાથે પણ વ્યાપ્યવ્યાપકપણે થાય.” પરનું કરે એવી કોઈ શક્તિ આત્મામાં નથી. પર્યાયમાં વિકારી ભાવને કરે એવી પર્યાયમાં શક્તિ છે, દ્રવ્ય-ગુણમાં નહિ. નિર્મળ દશાને કરે એવી જ દ્રવ્ય-ગુણમાં શક્તિ છે.
ભાઈ! દરેક આત્મા ઈશ્વર છે. એમ જડ પણ જડેશ્વર છે. પરમાણુ જડેશ્વર છે. વિભાવ જીવ સ્વતંત્રપણે કરે છે માટે તેને વિભાવેશ્વર પણ કહે છે. ચૈતન્ય ભગવાન ચેતન ઈશ્વર છે. ભાઈ! ભગવાનનું કહેલું આ તત્ત્વનું સ્વરૂપ સમજવું પડશે. આમાં વિરોધ કરવા જેવું નથી. તેં સાંભળ્યું ન હોય એટલે સત્ય કોઈ અસત્ય થઈ જાય?
મિથ્યાત્વ અને રાગદ્વેષની પર્યાયની આદિ-મધ્ય-અંતમાં આત્મા છે, અને સમ્યગ્દર્શન -જ્ઞાન-ચારિત્રની નિર્વિકારી દશાની આદિ-મધ્ય-અંતમાં આત્મા છે. કર્મનો ઉદય છે માટે વિકાર થયો છે એમ નથી અને કર્મનો ઉદયનો અભાવ છે માટે સમ્યગ્દર્શન આદિ થયાં એમ નથી. સંસારની અને મોક્ષમાર્ગની પર્યાય આત્મા સ્વયં સ્વતંત્રપણે કરે છે; એમાં કર્મનું કોઈ કાર્ય નથી.