સમયસાર ગાથા ૮૩ ] [ ૧૮૯
લોકોનો ઝઘડો છે ને કે વ્યવહારથી નિશ્ચય થાય અને નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય-તેનો અહં ખુલાસો છે. ‘નિમિત્તથી’ એમ કહ્યુ એનો અર્થ જ એ છે કે નિમિત્ત છે બસ. સંસાર અવસ્થામાં પુદ્ગલકર્મનું નિમિત્ત છે. પણ નિમિત્તથી-કર્મથી જીવની સંસાર અવસ્થા કરાઈ છે એમ નથી. મિથ્યત્વાદિ જે વિકાર થાય તેમાં દર્શનમોહકર્મનો ઉદય નિમિત્ત છે, પણ એ વિકારની આદિમાં કર્મ નથી, આત્મા છે અહીં આ વાત સિદ્ધ કરવી છે કે કર્મનો ઉદય છે માટે વિકાર થયો છે એમ નથી.
પરમાત્મપ્રકાશની ગાથા ૬૮માં તો એમ સિદ્ધ કર્યું છે કે વિકારી દશાનું કર્તા પુદ્ગલકર્મનિમિત્ત તો નથી એ તો ઠીક, એનું કર્તા આત્મદ્રવ્ય પણ નથી. વિકારી પર્યાયનો કર્તા વિકારી પર્યાય છે. એક સમયમાં વિકાર જે મિથ્યાત્વાદિ પરિણામ થાય છે તેમાં તેના ષટ્કારકનું પરિણમન પર્યાયમાં સ્વતંત્ર છે; તેને દ્રવ્ય-ગુણની કે નિમિત્તથી અપેક્ષા નથી, કેમકે દ્રવ્ય-ગુણ ત્રિકાળ શુદ્ધ છે અને નિમિત્ત પરવસ્તુ છે.
જુઓ, દ્રવ્ય સિદ્ધ કરવું હોય ત્યારે એમ કહે કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યો (ગુણ-પર્યાયો) કર્તા અને દ્રવ્ય તેનું કર્મ. પ્રવચનસાર ગાથા ૯૬માં આ વતા લીધી છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યો અર્થાત્ ગુણો અને પર્યાયો દ્રવ્યના કર્તા છે, કરણ છે, અધિકરણ છે, કેમકે એનાથી દ્રવ્યથી સિદ્ધ થાય છે. બીજી અપેક્ષાથી કહીએ તો ગુણ-પર્યાયોનું અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું કર્તા, કરણ, અધિકરણ દ્રવ્ય છે કારણ કે દ્રવ્ય તેમાં વ્યાપક છે. ત્યાં વસ્તુની સ્થિતિ અર્થાત્ અસ્તિત્વ સિદ્ધ કરવાની વાત છે. અહીં એ વાત નથી.
અહીં કહે છે કે વિકારી પરિણામનો કર્તા વિકારી પર્યાય છે છતાં અભેદથી કહેતાં તેનો કર્તા આત્મા છે. વિકારની આદિમાં પર્યાય અથવા દ્રવ્ય આત્મા છે. પર્યાયને અભેદ ગણીને આત્માને કર્તા કહ્યો છે. તેવી રીતે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્વિકાર પર્યાય પોતાના ષટ્કારકથી પરિણમે છે છતાં ભેદથી તેનો કર્તા આત્મા છે એમ કહ્યું છે. અહીં તો એમ સિદ્ધ કરવું છે કે કર્મનો અભાવ થયો માટે મોક્ષમાર્ગ કે મોક્ષપદ પ્રગટ થયું- એમ નથી. ચાર ઘાતી કર્મન નાશ થતાં કેવળજ્ઞાન પ્રગટ થયું એમ તત્ત્વાર્થસૂત્રમાં આવે છે, પણ એ તો ત્યાં નિમિત્તથી વાત કરી છે. ખરેખર તો કેવળજ્ઞાનની પ્રાપ્તિના કાળમાં કેવળજ્ઞાન પ્રગટ થયું છે. તેની આદિમાં આત્મા છે. એથી સૂક્ષ્મ વિચારીએ તો કેવળજ્ઞાનની આદિમાં ખરેખર કેવળજ્ઞાનની પર્યાય છે. અરે! લોકોને પોતાની સ્વતંત્રતા શું ચીજ છે તે બેઠું નથી.
નિશ્ચયથી પર્યાયનું કર્તા દ્રવ્ય નથી, કેમકે પર્યાયની આદિમાં પર્યાય છે. સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રની પર્યાયની આદિમાં આત્મા છે એ તો પર્યાયને દ્રવ્યમાં અભેદ ગણીને કહ્યું છે. સમ્યગ્દર્શનની પર્યાયમાં આખા દ્રવ્યની શ્રદ્ધા આવે છે, દ્રવ્ય આવતું નથી. સમ્યગ્જ્ઞાનની પર્યાયમાં દ્રવ્ય જેવું પરિપૂર્ણ છે તેવું તેનું જ્ઞાન આવે છે. ખરેખર તો