૧૯૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
શુદ્ધિની વૃદ્ધિ થાય છે. પૂર્વની જે શુદ્ધિ છે તે પછીની શુદ્ધિની વૃદ્ધિનું કારણ છે. ત્યાં સાથે જે રાગ છે તેને ઉપચારથી શુદ્ધિની વૃદ્ધિનું કારણ કહ્યું છે. સર્વત્ર નિશ્ચય-વ્યવહારનું લક્ષણ આ પ્રમાણે જ જાણવું એમ શ્રી ટોડરમલજીએ કહ્યું છે. પંચાસ્તિકાયમાં વ્યવહાર સાધ્ય-સાધનની વાત કરી છે. ત્યાં આત્માનો સ્વનો આશ્રય લીધો છે. તે નિશ્ચય સાધન છે અને સાથે જે રાગ છે તેને ઉપચારથી સાધન કહ્યું છે, પણ તે ખરું સાધન નથી.
રાગથી ભિન્ન પ્રજ્ઞાછીણી વડે જે અનુભવ પ્રગટ થયો તે અનુભવ નિશ્ચય સાધન છે; સાથે જે રાગ છે તેને આરોપ આપીને ઉપચારથી સાધન કહ્યું છે. નિશ્ચય-વ્યવહારનો યથાર્થ અર્થ ન સમજે અને બીજો અર્થ કરે તો શું થાય? અનર્થ જ થાય. વસ્તુસ્થિતિ તો આવી છે ભાઈ!
આ પ્રમાણે આત્મા પોતાના રાગનો અથવા મોક્ષમાર્ગનો કર્તા-ભોક્તા છે, પુદ્ગલકર્મનો કર્તા-ભોક્તા કદી નથી. કર્મ નિમિત્ત પણ તેકર્મ આત્માના રાગનું અથવા મોક્ષમાર્ગનું કર્તા નથી. આત્મા પોતાના વિકારી-નિર્વિકારી પરિણમનનો કર્તા-ભોક્તા છે પણ પરનો- પુદ્ગલકર્મને કર્તા-ભોક્તા નથી. આવું જ વસ્તુસ્વરૂપ છે.