૨૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
હવે આ વ્યવહારને દૂષણ દે છે.
‘પ્રથમ તો, જગતમાં જે ક્રિયા છે તે બધીય પરિણામસ્વરૂપ હોવાથી ખરેખર પરિણામથી ભિન્ન નથી (-પરિણામ જ છે)’
અહીં ક્રિયા એમ કેમ કહ્યું? પરિણામ ન કહેતાં ક્રિયા કહેવાનો આશય એમ છે કે વસ્તુમાં સહજપણે પલટતી અવસ્થા-પરિણામ હોય છે; તે પલટતી અવસ્થા-પર્યાયને ક્રિયા કહેવામાં આવે છે. કહ્યું છે ને કે-
પ્રશ્નઃ– પલટતી અવસ્થામાં એક મટીને બીજી અવસ્થા થઈ ત્યાં નિમિત્ત છે તો બીજી અવસ્થા થઈને?
ઉત્તરઃ– ના, એમ નથી. ક્રિયા કહેતાં પરિણામનું પલટવું વસ્તુનું સ્વરૂપ છે. એક અવસ્થા બદલીને બીજી થાય છે ત્યાં લોકોને ભ્રમથી એમ લાગે છે કે નિમિત્ત આવ્યું માટે અવસ્થા બદલીને બીજી અવસ્થા થઈ છે; પરંતુ એમ છે જ નહિ. અહીં કહ્યું ને કે -પ્રથમ તો જગતમાં જે ક્રિયા છે તે પરિણામસ્વરૂપ છે અને તે પરિણામ જ છે. જડ અને ચેતનની પલટતી અવસ્થારૂપ જે ક્રિયા છે તે બધી પરિણામસ્વરૂપ છે.
ભાઈ! આ તો તત્ત્વજ્ઞાનની મૂળ પ્રયોજનભૂત વાત છે. બીજી વાતને જાણો કે ન જાણો, પણ આ પ્રયોજનભૂત તત્ત્વની વાત તો અવશ્ય જાણવી જોઈએ. કહે છે કે -જે ક્રિયા છે તે પરિણામસ્વરૂપ છે અને તે પરિણામ જ છે. પલટતી ક્રિયા તે દ્રવ્યનું કર્મ એટલે કાર્ય છે. પરિણામ કહો, કર્મ કહો, કાર્ય કહો કે વ્યાપ્ય કહો- એ બધું એક જ છે. વાસ્તવમાં પરિણામસ્વરૂપ ક્રિયા પરિણામથી ભિન્ન નથી. આ શરીરના હાલવાચાલવાની બદલતી અવસ્થારૂપ જે ક્રિયા થઈ તે શું આત્માએ વિકલ્પ કર્યો માટે ત્યાં શરીરમાં ક્રિયા થઈ? તો કહે છે કે ના, એમ નથી. એ પલટવારૂપ ક્રિયા પોતાના (દ્રવ્યના) પરિણામસ્વરૂપ છે. અહાહા...! આ આંગળીની હલવાની જે ક્રિયા થઈ તે ક્રિયા પોતાના પરિણામસ્વરૂપ છે. અહીં ક્રિયા અને પરિણામ ભિન્ન નથી એમ બતાવ્યું છે.
વળી, ‘પરિણામ પણ પરિણામીથી (દ્રવ્યથી) ભિન્ન નથી કારણ કે પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે.’ જુઓ, જડ અને ચેતનમાં જે ક્રિયા છે તે બધીય પરિણામસ્વરૂપ છે અને તે પરિણામથી ભિન્ન નથી; અને તે પરિણામ પરિણામીથી ભિન્ન નથી, પરિણામી જ છે.