સમયસાર ગાથા ૮પ ] [ ૨૧૧
કરવાવાળા સીઝતા નથી એટલે કે મોક્ષ પામતા નથી. તીર્થંકર ભગવાન પણ જ્યાં સુધી ગૃહસ્થદશામાં રહે ત્યાં સુધી મોક્ષ પામતા નથી. દીક્ષા લઈને દિગંબરરૂપ ધારણ કરે ત્યારે મોક્ષ પામે છે, કેમકે નગ્નપણું તે મોક્ષમાર્ગ છે, શેષ બધાં લિંગ ઉન્માર્ગ છે.”
વસ્ત્રસહિત મુનિપણું માને તો એમાં નવે તત્ત્વની ભૂલ છે. મુનિની ભૂમિકામાં આસ્રવ મંદ હોય છે, પરંતુ વસ્ત્ર રાખવાનો વિકલ્પ તીવ્ર આસ્રવ છે. માટે એમાં આસ્રવની ભૂલ થઈ. મુનિની ભૂમિકામાં સંવર ઉગ્ર હોય છે તેને વસ્ત્ર રાખવાનો ભાવ હોતો નથી. છતાં વસ્ત્ર ધારે તો તે સંવરની ભૂલ છે. મુનિની ભૂમિકામાં કષાય ઘણો મંદ હોય છે. ત્યાં વસ્ત્રગ્રહણની સહેજે ઈચ્છા થતી નથી. તે સ્થિતિમાં ઘણી નિર્જરા થાય છે. છતાં વસ્ત્રસહિતને ઘણી નિર્જરા માની તે નિર્જરા તત્ત્વનીભૂલ છે. છઠ્ઠા ગુણસ્થાને વસ્ત્ર રાખવાનો તીવ્ર આસ્રવ જીવને હોતો નથી છતાં માને તો તે જીવતત્ત્વની ભૂલ છે. છઠ્ઠા ગુણસ્થાને વસ્ત્ર-પાત્રનો સંયોગ હોય નહિ છતાં વસ્ત્રસહિત મુનિપણું માને તો તે અજીવતત્ત્વની ભૂલ છે. ત્રણ કષાયના અભાવપૂર્વક છઠ્ઠું ગુણસ્થાન હોય છે. ત્યાં મુનિને અંતર્બાહ્ય નિર્ગ્રંથતા હોય છે અને તેને વસ્ત્રગ્રહણની વૃત્તિ હોતી જ નથી. અહાહા..! જેને ત્રણ કષાયનો અભાવ છે તેવા સાચા ભાવલિંગી મુનિને સદાય બહારમાં વસ્ત્રરહિત નગ્ન દિગંબર દશા જ નિમિત્તપણે હોય છે.
તીર્થંકરદેવને પણ વસ્ત્રસહિત ગૃહસ્થદશા હોય ત્યાંસુધી મુનિપણું નથી અને કેવળજ્ઞાન પ્રગટ થતું નથી. કોઈ એમ માને કે પંચમહાવ્રતને દિગંબરમાં આસ્રવ કહ્યો છે પણ શ્વેતાંબરમાં તેને નિર્જરા કહી છે તો તે એમ પણ નથી. તત્ત્વાર્થસૂત્રમાં પંચમહાવ્રતને પુણ્ય કહેલ છે. મહાવ્રત એ રાગ છે. એ ધર્મનું સાધન નથી. રાગથી બંધ થાય છે, પણ રાગથી અંશ પણ નિર્જરા થતી નથી. પંચમહાવ્રતને નિર્જરાનું કારણ કહેવું એ તદ્દન જૂઠી વાત છે. અરે! લોકોએ તત્ત્વદ્રષ્ટિનો વિરોધ કરીને અન્યથા માન્યું છે તે કયાં જશે? આવો અવસર મળ્યો અને તત્ત્વથી વિપરીત દ્રષ્ટિ રાખીને સત્ય ન સમજે એવા જીવો અરેરે! કયાં રખડશે? આ શાસ્ત્રની ગાથા ૭૪માં એમ સ્પષ્ટ કહ્યું છે કે શુભરાગ વર્તમાનમાં દુઃખરૂપ છે અને ભવિષ્યમાં પણ દુઃખનું કારણ છે. ત્યાં એમ કેમ કહ્યું? કારણ કે શુભરાગ તે વર્તમાન આકુળતારૂપ છે અને એનાથી જે પુણ્ય બંધાશે એના ફળમાં સંયોગ મળશે અને તે સંયોગ ઉપર લક્ષ જતાં દુઃખસ્વરૂપ એવો રાગ જ થશે.
પ્રશ્નઃ– પરંતુ મંદ રાગ હોય તો?
ઉત્તરઃ– ભલે મંદરાગ હોય, તે વર્તમાનમાં દુઃખરૂપ છે અને ભવિષ્યમાં દુઃખના કારણરૂપ જ છે. પુણ્યથી કદાચિત્ વીતરાગદેવ અને વીતરાગની વાણીનો સંયોગ મળે તો પણ એ સંયોગી ચીજ છે અને એના પર લક્ષ જતાં રાગ જ થશે. આ તો જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું કહેવાય છે. અહીં કોઈ પક્ષની વાત નથી. છહઢાલામાં કહ્યું છે કે-