૨૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
મહાસિદ્ધાંત ભગવાન કુંદકુંદાચાર્ય, શ્રી અમૃતચંદ્રાચાર્ય આદિ સંતોએ જગત પાસે જાહેર કર્યો છે. શ્વાસની ક્રિયા તે અજીવની ક્રિયા છે. જીવ તેને કરી શકે નહિ, તેને હેઠે લાવી શકે નહિ. અરે ભાઈ! જો શ્વાસની ક્રિયા પણ તું કરી શકતો નથી તો આ જે મોટાં કારખાનાં ચાલે છે તેની ક્રિયા તું કરી શકે એ વાત જ કયાં સંભવે છે? પરમાણુની પલટવાની જે ક્રિયા થાય તે ક્રિયાવાન પદાર્થથી ભિન્ન નથી એટલે કે ભિન્ન વસ્તુથી તે ક્રિયા થતી નથી. આ પ્રમાણે જ વસ્તુની સ્થિતિ છે. હવે કહે છે-
‘આમ, વસ્તુસ્થિતિથી જ ક્રિયા અને કર્તાનું અભિન્નપણું (સદાય) તપતું હોવાથી, જીવ જેમ વ્યાપ્યવ્યાપકભાવથી પોતાના પરિણામને કરે છે અને ભાવ્યભાવકભાવથી તેને જ અનુભવે-ભોગવે છે તેમ જો વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલકર્મને પણ કરે અને ભાવ્યભાવકભાવથી તેને જ ભોગવે તો તે જીવ, પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતાં સ્વ-પરનો પરસ્પર વિભાગ અસ્ત થઈ જવાથી, અનેક દ્રવ્યસ્વરૂપ એક આત્માને અનુભવતો થકો મિથ્યાદ્રષ્ટિપણાને લીધે સર્વજ્ઞના મતની બહાર છે.’
વસ્તુની મર્યાદા જ એવી છે કે વસ્તુની પર્યાય પોતામાં પોતાથી થાય. તે પરથી કદી થતી નથી. દરેક પદાર્થની વર્તમાન પર્યાય બીજા દ્રવ્યની પર્યાયમાં પ્રવેશ કરીને તેને બદલી દે એવી વસ્તુસ્થિતિ જ નથી. ‘જ’ લગાડયો છે તો એકાંત થતું નથી! ના, આ તો સ્યાદ્વાદમાર્ગ છે. પોતાની પર્યાય પોતાથી થાય અને પરથી ન થાય એનું નામ એકાંત છે. કથંચિત્ત પોતાથી થાય અને કથંચિત્ પરથી થાય એવી વસ્તુસ્થિતિ નથી. પોતાથી પણ થાય અને પરથી પણ થાય એ તો ફુદડીવાદ છે. ગજબ વાત છે! રોટલીના ટુકડા થાય તે પરમાણુની ક્રિયા છે; આંગળીથી ટુકડા થાય એમ છે જ નહિ. રોટલીના ટુકડા થાય તે ટુકડા થવાની ક્રિયા છે. તે ક્રિયાવાન પરમાણુથી ભિન્ન નથી; એટલે કે ભિન્ન પદાર્થ વડે તે ક્રિયા થઈ નથી. જુઓ, આ ભેદજ્ઞાનની વાત. કહે છે કે કોઈના ઘરમાં કોઈ પ્રવેશ કરે એવી મર્યાદા નથી. પોતાની પર્યાયમાં બીજાની પર્યાય પ્રવેશ કરે અથવા બીજાની પર્યાયમાં પોતાની પર્યાય પ્રવેશ કરે એવી વસ્તુની મર્યાદા નથી.
કુંભારથી ઘડો થાય એવી વસ્તુની મર્યાદા નથી. ઘડાની પર્યાય માટીથી થઈ છે. માટીના પરમાણુ પલટીને ઘડાની પર્યાય થઈ તે ક્રિયા પરિણામસ્વરૂપ છે અને તે પરિણામથી ભિન્ન નથી. અને તે ઘડારૂપ પરિણામ દ્રવ્યથી (માટીના પરમાણુથી) ભિન્ન નથી. અહો! ભગવાનનો કોઈ અદ્ભૂત અલૌકિક માર્ગ છે! ભગવાને માર્ગ કર્યો નથી; જેવો છે તેવો માર્ગ કહ્યો છે. છએ દ્રવ્ય પોતપોતાની ક્રિયાના પોતે કર્તા છે, પરનો તેમાં રંચમાત્ર હસ્તક્ષેપ નથી. એક પરમાણુમાં-પરમાણુની ક્રિયા, ક્રિયાવાન ભિન્ન નથી, અભિન્ન છે. આવી વસ્તુની મર્યાદા છે. આત્મા રોટલીના ટુકડા કરી શકે, દાંત હલાવી શકે વા પરનું કાંઈ કરી શકે એ વસ્તુસ્થિતિ જ નથી. પરનું કાર્ય કરી શકે એ આત્માની શક્તિમાં જ નથી.