સમયસાર ગાથા ૮પ ] [ ૨૧પ
સંયોગીદ્રષ્ટિવાળાને દેખાય કે આત્મા હાથથી રોટલીના ટુકડા કરે છે; પણ એ વસ્તુસ્થિતિ નથી. સંયોગથી જોનાર મિથ્યાદ્રષ્ટિ વસ્તુની મર્યાદાને તોડી નાખે છે. જુઓ, ભગવાને ઉપદેશ આપ્યો એમ કહેવું એ પણ વ્યવહારનયનું કથન છે. વાણી વાણીના કારણે નીકળે છે; એમાં જ્ઞાન નિમિત્ત છે. વાણીની પર્યાયનો ઉત્પાદ વાણીના પરમાણુથી થાય છે, આત્માથી નહિ, ઈચ્છાથી પણ નહિ. (ભગવાનને ઈચ્છા હોતી નથી).
ધવલમાં આવે છે કે લોકાલોક કેવળજ્ઞાનમાં નિમિત્ત છે. એનો અર્થ શું? શું કેવળજ્ઞાનની પર્યાય લોકાલોકથી થઈ છે? ના, એમ નથી. એમ કેવળજ્ઞાનની પર્યાય લોકાલોકને નિમિત્ત છે. એટલે શું કેવળજ્ઞાન છે માટે લોકાલોક છે? એમ પણ નથી, વળી લોકાલોક તો જ્ઞાનનું પરજ્ઞેય છે અને સ્વજ્ઞેય તો પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય છે. આવું વસ્તુસ્વરૂપ છે.
૭પમી ગાથામાં આવી ગયું કે આત્માના જ્ઞાનપરિણામમાં રાગ નિમિત્ત છે. આવું જે જ્ઞાન તે જીવનું કાર્ય છે, રાગ જીવનું કાર્ય નથી. આ તો અંદર પોતામાં લઈ જાય છે. જ્ઞાનની પર્યાય સ્વપરપ્રકાશક હોવાથી તે પરિણતિ સ્વને જાણે છે અને રાગને જાણે છે. રાગ છે તો રાગને જાણે છે એમ નથી. જ્ઞાનની પર્યાય પોતાના સ્વપરપ્રકાશક સામર્થ્યની સ્વપરને જાણે છે. જ્ઞાનની પરિણતિમાં ધર્મી જીવને રાગ નિમિત્ત છે. છતાં ધર્મી જીવ પોતાની જ્ઞાનની પરિણતિને જાણે છે, રાગને નહિ. પોતાની જ્ઞાનની પર્યાય તે પરિણામસ્વરૂપ ક્રિયા છે, અને તે પરિણામ દ્રવ્યથી અભિન્ન છે. તેથી તે પર્યાયનું કર્તા આત્મદ્રવ્ય છે; તે પર્યાયનું કર્તા નિમિત્ત (રાગ) નથી.
અત્યારે તો મોટી ગરબડ ચાલે છે. પરથી કાર્ય થાય એ માન્યતા મૂળમાં જ ભૂલ છે. સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષામાં લખ્યું છે કે પ્રત્યેક પદાર્થની તે સમયે થનારી પર્યાય પોતાની કાળલબ્ધિથી પ્રગટ થઈ છે. પર્યાયની તે જન્મક્ષણ છે. પર્યાયની ઉત્પત્તિનો સ્વકાળ છે તેથી તે થઈ છે, નિમિત્ત છે માટે તે થઈ છે એમ નથી. પ્રવચનસારની ગાથા ૧૦૨માં પર્યાયની જન્મક્ષણની આ જ વાત કરી છે. દ્રવ્યની પલટતી અવસ્થાના કાળે સહચર દેખીને તે પર્યાય નિમિત્તને લઈને થઈ છે એવી જે માન્યતા તેનો અહીં અતિ સ્પષ્ટ નિષેધ કર્યો છે.
જુઓ, આ લાકડી ઊંચી થાય છે તે તેની પલટવાની ક્રિયા છે. તે ક્રિયા પરિણામસ્વરૂપ હોવાથી પરિણામથી ભિન્ન નથી, અને પરિણામ (લાકડીના) પરમાણુથી ભિન્ન નથી. માટે તે ક્રિયાનો કરનારો તે તે પરમાણુ છે, આંગળી તેનો કર્તા નથી. આત્માએ તો નહિ, પણ આંગળીએ આ લાકડી ઊંચી કરી છે એમ નથી. રોટલી તાવડીમાં ઉની થાય છે તે પરમાણુની ક્રિયા છે. તે તે પરમાણુની ઉષ્ણ થવાની યોગ્યતાના કારણે રોટલી ઉની થાય છે; તવાથી નહિ, અગ્નિથી નહિ, કે રોટલીને તવામાં ઊંચી-નીચી ફેરવનાર બાઈથી નહિ. ત્યાં તાવડીમાં રોટલીની ઊંચી-નીચી ફરવાની જે ક્રિયા છે તે પણ તે તે