૨૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
પરમાણુથી અભિન્ન છે; બાઈ તેને હાથ વડે ફેરવે છે એમ છે જ નહિ. અહો! આવી વસ્તુની અબાધિત મર્યાદા છે!
કહે છેને કે -ક્રિયા અને કર્તાનું અભિન્નપણું સદાય તપી રહ્યું છે એટલે કે સદાય પ્રગટ છે. માટે દરેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય પોતાથી થાય છે, પરથી નહિ એમ સિદ્ધ થાય છે. નિમિત્તથી થાય એ વાત બીલકુલ સાચી નથી. ઘડાની પર્યાય માટીથી થાય છે, કુંભારથી કદી નહિ. વસ્તુ પોતાની પર્યાયમાં છે અને પર્યાયનો કર્તા વસ્તુ પોતે છે. દ્રવ્ય અને પર્યાયસ્વરૂપ ક્રિયાનું અભિન્નપણું સદાય પ્રગટ છે. અહાહા...! આ અક્ષર જે લખાય છે તે પેન્સીલથી લખાય છે એમ નથી; કેમકે અક્ષરની ક્રિયા અને પેન્સીલ ભિન્ન ચીજ છે. અક્ષર લખાય તે (અક્ષરના) પરમાણુની ક્રિયા છે અને તે, તે તે પરમાણુથી અભિન્ન છે. અક્ષર લખાય છે તેનો કર્તા તે તે પરમાણુ છે, પરંતુ આંગળીથી કે પેન્સીલથી તે અક્ષરની ક્રિયા થઈ છે એમ બીલકુલ નથી, ગજબ વાત છે!
સમયસારના છેલ્લા કળશમાં શ્રી અમૃતચંદ્રસૂરિ કહે છેકે -‘ ‘પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્ત્વ સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ આ સમયની વ્યાખ્યા કરી છે; સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિનું (તેમાં) કાંઈ જ કર્તવ્ય નથી.” અહાહા..! કહે છે કે આ વ્યાખ્યા શબ્દોએ કરી છે, મેં કરી નથી. હું તો મારા સ્વરૂપમાં ગુપ્ત છું. ભાષાની પર્યાયથી શબ્દ પરિણમે છે, તેને હું (આત્મા) પરિણમાવી શકતો નથી.
વળી, પ્રવચનસાર કળશ ૨૧માં પણ આચાર્યદેવ કહે છે- (ખરેખર પુદ્ગલો જ સ્વયં શબ્દરૂપે પરિણમે છે, આત્મા તેમને પરિણમાવી શકતો નથી, તેમ જ ખરેખર સર્વ પદાર્થો જ સ્વયં જ્ઞેયપણે-પ્રમેયપણે પરિણમે છે, શબ્દો તેમને જ્ઞેય બનાવી-સમજાવી શકતા નથી માટે) “આત્મા સહિત વિશ્વ તે વ્યાખ્યેય છે, વાણીની ગૂંથણી તે વ્યાખ્યા છે અને અમૃતચંદ્રસૂરિ તે વ્યાખ્યાતા છે-એમ મોહથી જનો ન નાચો.” અહાહા...! મેં શબ્દ કર્યા, અને શબ્દથી તને જ્ઞાન થયું એમ મોહ વડે મા ફુલાઓ; કેમકે એ માન્યતા વસ્તુસ્વરૂપ નથી. આમાં મહાપુરુષે પોતાની લઘુતા દર્શાવી છે એટલું જ નહિ, વસ્તુની મર્યાદા પણ પ્રગટ કરી છે. ભાઈ! કોણ વ્યાખ્યા કરે? કોણ ભાષા કરે? અને કોણ સમજાવી શકે? ભાઈ! શબ્દ તે આત્માનું કાર્ય નહિ અને શબ્દ સાંભળવાથી જીવને જ્ઞાન થયું એમ પણ નહિ.
જ્ઞાનના પરિણમનની તે સમયે જે ક્રિયા થઈ તે ક્રિયા તારી છે. તારો આત્મા તે ક્રિયાનો કર્તા છે, તે ક્રિયાનો કર્તા વાણી નથી. વર્તમાન પ્રવચન સાંભળતાં જે જ્ઞાન થાય છે તે શબ્દો સાંભળવાથી થતું નથી. ભગવાન! આમાં કોઈ વિવાદ કરો તો કરો, પણ વસ્તુની. મર્યાદા જ આવી છે કે વસ્તુની પલટવાની ક્રિયા (વસ્તુથી) પોતાથી થાય છે, પરથી થતી નથી. અહો! વસ્તુસ્વરૂપ ખૂબ ગંભીર છે! આ ચશ્માં આમ ઊંચા થઈને આંખે લાગેલાં છે.