Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 990 of 4199

 

૨૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪

કહે છે- ભગવાન! તારી એક સમયની જ્ઞાનપર્યાયમાં સ્વપરપ્રકાશક સામર્થ્ય છે કે નહિ? અરે ભાઈ! અજ્ઞાનમાં પણ એક સમયની પર્યાયમાં સ્વપરપ્રકાશક સ્વભાવ છે. પરપ્રકાશક સ્વભાવ એકલો રહે એમ કદી બનતું નથી. દરેક સમયે દરેક પર્યાયમાં સ્વપરપ્રકાશક સ્વભાવ હોવાથી જ્ઞાનમાં અનુભૂતિસ્વરૂપ ભગવાન જાણવામાં આવે છે. પણ અજ્ઞાનીની ત્યાં દ્રષ્ટિ નથી. તેથી રાગ અને પર્યાયને હું જાણું છું એવો તેને ભ્રમ થાય છે. (ખરેખર તો તે જ્ઞાનને જ જાણે છે).

જુઓ, આત્મા રાગ-દ્વેષ આદિ ભાવ કરે છે તે જ સમયે કમનો બંધ થાય છે. ત્યાં રાગની ક્રિયા જે થાય તેની સાથે આત્મા અભિન્ન છે. માટે આત્મા રાગની ક્રિયાનો તો કર્તા છે પણ તે વખતે કર્મબંધનની જે અવસ્થા થાય તે ક્રિયાનો આત્મા કર્તા નથી. આત્મા જેમ પોતાની વિકારી પર્યાયનો કર્તા છે તેમ જો કર્મબંધની પર્યાયનો પણ કર્તા થાય તો તે દ્વિક્રિયાવાદી થઈ જાય. અર્થાત્ તે મિથ્યાદ્રષ્ટિ થઈ જાય.

અહીં કહ્યું છે કે ક્રિયા અને ક્રિયાવાનની અભિન્નતા સદાય તપે છે, સદાય પ્રગટ છે. માટે આત્માની જે પર્યાય થાય છે તેમાં આત્મા અભિન્ન હોવાથી તેનો તે કર્તા છે. ખરેખર તો એમ છે કે આત્મામાં જે પર્યાય થાય છે તે સંયોગ છે, અને તેનો વ્યય થાય તે વિયોગ છે. પોતાના દ્રવ્યની જે પર્યાય થાય છે તે સંયોગ છે. ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ પર્યાયને સંયોગ કહેવાય છે. વર્તમાન પર્યાય જે ઉત્પન્ન થઈ તે સંયોગ અને વ્યય પામી તે વિયોગ છે. ઉત્પાદ તે સંયોગ અને વ્યય તે વિયોગ છે. શ્રી પંચાસ્તિકાયની ૧૮મી ગાથામાં આ વાત લીધી છે. જ્યાં પોતાની પર્યાયના ઉત્પાદ-વ્યયને સંયોગ-વિયોગ કહ્યા ત્યાં પર ચીજની તો વાત જ શું? એ તો પર જ છે. અહીં કહે છે કે -પોતાના આત્મામાં જે સંયોગી પર્યાય ઉત્પન્ન થઈ તેનો અભિન્નપણે આત્મા કર્તા છે, પણ તે સમયે સંયોગી જે પુદ્ગલકર્મ બંધાયું તે કર્મબંધનો કર્તા આત્મા નથી.

જીવ જેવો મિથ્યાત્વ અને રાગદ્વેષના પરિણામ કરે છે તે પ્રમાણે દર્શનમોહ અને ચારિત્રમોહરૂપ જડ કર્મનો બંધ થાય છે. પરંતુ તે કર્મબંધની ક્રિયાનો આત્મા કર્તા નથી. ક્રિયા અને કર્તાનું અભિન્નપણું સદાય તપતું હોવાથી દરેક આત્માની અને પરની પર્યાય તે તે સમયે પોતપોતાથી ઉત્પન્ન થાય છે, નિમિત્તથી નહિ. જીવે રાગ કર્યો તે કર્મબંધનમાં નિમિત્ત છે, પણ નિમિત્તે તે (કર્મબંધનની) ક્રિયા કરી છે એમ નથી.

સમયસાર ગાથા ૧૦પમાં તો એમ કહ્યું છે કે -આત્મા જે દ્રવ્ય છે તે નવા કર્મબંધનમાં નિમિત્ત નથી. દ્રવ્યસ્વભાવની જેને દ્રષ્ટિ થઈ છે તેને દ્રવ્ય નવા કર્મબંધનમાં નિમિત્ત નથી, અર્થાત્ તેને નવાં કર્મ બંધાતા નથી. પરંતુ દ્રવ્યદ્રષ્ટિનો જેને અભાવ છે અને જે પુણ્ય-પાપના ભાવોનો કર્તા થાય છે તે અજ્ઞાનીને રાગ-દ્વેષના ભાવ કર્મબંધનમાં નિમિત્ત થાય છે. પણ નિમિત્તથી કર્મબંધનની પરિણતિ થાય છે એમ કદીય નથી.