સમયસાર ગાથા ૮પ ] [ ૨૧૯
કર્તા અને ક્રિયાની અભિન્નતા સદાય પ્રગટ હોવાથી જીવ વ્યાપ્યવ્યાપકભાવથી પોતાના વિકારી પરિણામનો કર્તા છે, વ્યાપક નામ કર્તા દ્રવ્ય અને વ્યાપ્ય નામ કર્મ-વિકારી પર્યાય. જીવ વ્યાપ્યવ્યાપકભાવથી વિકારી પરિણામનો કર્તા થાય છે. અને ભાવ્યભાવકભાવથી તે વિકારી ભાવનો અનુભવ કરે છે. ભાવ્ય એટલે ભોગવવા લાયક ભાવ અને આત્મા ભાવક નામ તે ભાવનો ભોક્તા છે. આ અજ્ઞાનીની વાત છે. તેમ જો જીવ વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલકર્મને કરે તો તે બે ક્રિયાનો કર્તા થઈ જાય. પોતાની પર્યાયનું કાર્ય આત્મા જેમ વ્યાપક થઈને કરે તેમ કર્મની પર્યાયનું કાર્ય પણ વ્યાપક થઈને જીવ કરે તો તે બે ક્રિયાનો કર્તા થઈ જાય છે. તો તે મિથ્યાદ્રષ્ટિ છે કેમકે બે ક્રિયા કરી શકતો નથી પણ એવું તે મિથ્યા માને છે.
જીવને દયાનો મંદ ભાવ થાય તો તેના પ્રમાણમાં તે સમયે શાતાવેદનીય કર્મ બંધાય. જો તીવ્ર દયાનો ભાવ થાય તો તેના પ્રમાણમાં ખૂબ શાતાવેદનીય કર્મ બંધાય. ત્યાં જે દયાના પરિણામ થયા તેનો કર્તા આત્મા છે, પણ શાતાવેદનીય કર્મ જે બંધાયું તેનો આત્મા કર્તા નથી. જેટલા પ્રમાણમાં જીવ વિકાર કરે તેટલા પ્રમાણમાં કર્મનો બંધ થાય, છતાં કર્મબંધની પર્યાયનો કર્તા આત્મા નથી. તો પછી શરીર, મન, વાણી, ખાન-પાન, ધંધો-વેપાર આદિ પરદ્રવ્યની પર્યાયનો કર્તા આત્મા થાય એમ ત્રણકાળમાં નથી. હાથ પગ હલે, હોઠ હલે, ભાષા બોલાય, ઈત્યાદિ જડની ક્રિયાનો કદીય આત્મા કર્તા નથી. આત્મા પોતાની રાગની પર્યાયને કરે અને જડની પર્યાયને પણ કરે એમ કદાપિ હોઈ શકે નહિ. બહુ સૂક્ષ્મ વાત છે, ભાઈ!
પાંચ વાત મુખ્યપણે સમજવા જેવી છે- ઉપાદાન, નિમિત્ત, નિશ્ચય, વ્યવહાર અને ક્રમબદ્ધ- આ પાંચની ખૂબ ચર્ચા ચાલે છે. દિગંબર સંતોએ જગત સમક્ષ સત્ય જાહેર કર્યું છે. કહે છે-આત્મા (અજ્ઞાની) રાગનો કર્તા અને હરખ-શોકનો ભોક્તા છે પણ જડકર્મનો કર્તા- ભોક્તા આત્મા કદીય નથી. તત્ત્વાર્થસૂત્રમાં ‘विपाको अनुभवः’ એમ જે કહ્યું છે એ નિમિત્તનું વ્યવહારનયથી કથન છે. એવું જ જો શ્રદ્ધાન કરે તો તે મિથ્યાત્વ છે. જીવ વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલકર્મને કરે વા ભાવ્યભાવકભાવથી પુદ્ગલકર્મને ભોગવે તો તે જીવને પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતાં સ્વપરનો વિભાગ અસ્ત થઈ જાય છે. બે ક્રિયાનો કર્તા થાય તો પોતાની પર્યાય અને પરની પર્યાય (ભિન્નતા) અસ્ત થઈ જાય છે. તેથી તેને મિથ્યાદર્શન જ થાય છે.
અરે ભાઈ! આ વાત સમજવી પડશે. રોટલી, દાળ, ભાત, ચટણી આદિ ખાવાની ઈચ્છા થઈ ત્યાં ઈચ્છાનો કર્તા આત્મા છે પણ રોટલી, દાળ, ભાત, ચટણી ખાવાની જે ક્રિયા થઈ તેનો કર્તા આત્મા નથી. એ જડની ક્રિયા છે એ તે મેં કરી એમ જે માને છે તે દ્વિક્રિયાવાદી મિથ્યાદ્રષ્ટિ છે.